જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati: વ્યાપક ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા આ યુગમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો અને કેળવણીકારોને મૂંઝવી રહેલો એક વિકટ પ્રશ્ન એટલે આજની પરીક્ષાઓ. પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીઓને તો આ ધરતી પર જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય તેવું લાગે.
જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati
પરીક્ષાનો ભય હોશિયાર તેમજ નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓને સતાવે છે. એથી વિદ્યાર્થીઓ સતત માનસિક તાણ અનુભવે છે. તેમના શરીર પર પણ તેની વિપરીત અસર થાય છે. પરીક્ષાની ચિંતામાં તેઓ શાંતિથી ઊંઘી શકતા નથી. તેઓ ઉત્સાહપૂર્વક રમી પણ શકતા નથી. તેઓ ખાઈ શકતા નથી. તેઓ દિવસ-રાત ગોખણપટ્ટીમાંથી જ ઊંચા નથી આવતા. વળી, તેઓ પરીક્ષામાં પુછાય તેવા પ્રશ્નો (IMP) માટે ફાંફાં મારે છે. તેઓ મેળ પડે તો પરીક્ષામાં નકલ કરવા પ્રેરાય છે. કેટલાક પરીક્ષકો અઘરાં અને જટિલ પ્રશ્નપત્રો કાઢે છે ત્યારે વિદ્યાર્થીની હાલત વધારે ખરાબ થઈ જાય છે. વળી, માબાપ પણ વિદ્યાર્થીઓને સતત ટોકટોક કરે છે. માબાપ તેમની પાસેથી ઘણી ઊંચી અપેક્ષા રાખે છે. તેથી વિદ્યાર્થીઓ અપાર મૂંઝવણ અનુભવે છે. પરિણામે ક્યારેક કોઈક વિદ્યાર્થી ઘર છોડીને નાસી જાય છે. નાપાસ થયેલો કોઈક વિદ્યાર્થી ક્યારેક આપઘાત પણ કરી બેસે છે ! પરીક્ષાઓ જ ન હોય તો આવી કરુણ ઘટનાઓ ન બને !
કેટલાક વાલીઓ પોતાનું બાળક સારું પરિણામ લાવે તે માટે વધારે પડતી ચિંતા કરતો હોય છે. આવા વાલી બાળક માટે ટ્યૂશનની કે કોચિંગ ક્લાસની વ્યવસ્થા કરે છે. આવી પ્રવૃત્તિમાં વાલીએ ભારે ખર્ચ કરવો પડે છે. પરીક્ષાઓ ન હોય તો વાલીઓ આવા ખર્ચમાંથી બચી જાય !
પરીક્ષાઓ સમયસર લેવી, તેનાં પરિણામો સમયસર તૈયાર કરવાં વગેરે કામગીરી શિક્ષકો અને આચાર્યો માટે પણ માથાના દુખાવા જેવી બની રહે છે. જો પરીક્ષાઓ જ ન હોય તો આ બધી ઝંઝટ ન રહે.
આમ, પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરેને હાશ થઈ જાય. પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થી મુક્ત મને હરીફરી શકે. તેમને ગોખણપટ્ટીના બોજામાંથી મુક્તિ મળે.
બીજી બાજુ, જો પરીક્ષાઓ ન હોય તો કેટલીક મુશ્કેલીઓ પણ સર્જાય. પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીને શેને આધારે ઉપલા વર્ગમાં ચડાવવો? વિદ્યાર્થીનું મૂલ્યાંકન શેના આધારે કરવું? ઉપરાંત, પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થી પાઠયપુસ્તકો વાંચે નહિ, વાંચન કર્યા વગર તેની ભાષાશુદ્ધિ ન થાય, તેનું જ્ઞાન અને માહિતી મર્યાદિત રહે. તેઓ પાયાના શિક્ષણથી વંચિત રહી જાય. તેથી વ્યાવહારિક જીવનમાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરીક્ષાઓ જ ન હોય તો વિદ્યાર્થી ભણે નહિ, પછી તે નિશાળે પણ શા માટે જાય? તે રખડુ થઈ જાય. તેનામાં નિયમિતતા કે જવાબદારીની ભાવના ન આવે. પરિણામે તે માનસિક રીતે નબળો રહે. આવો દિશાશૂન્ય માણસ સંસારસાગરમાં આમતેમ અટવાયા કરે. વળી, વ્યાવસાયિકો તૈયાર કરવાની કોઈ વ્યવસ્થા જ ન રહે તો બધો કારોબાર કેમ ચાલે?
એટલે પરીક્ષાઓ તો જરૂરી છે જ, પરંતુ પરીક્ષા પદ્ધતિમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે. વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થાય તેવી પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાથી જ પરીક્ષાનું મૂલ્ય અને તેનો ખરો હેતુ જાળવી શકાશે.