એક શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati: હું એક શ્રમજીવી છું. હું ગરીબ નથી કે અમીર નથી. મારી જીવનગાથા રંગીન તો નથી, પરંતુ રોમાંચક જરૂર છે.
એક શ્રમજીવી ની આપવીતી પર નિબંધ Autobiography of a Labour Essay in Gujarati
મારો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો. મારે એક મોટી બહેન પણ હતી. મારા પિતાજી લુહારીકામ કરતા હતા. હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં મારા પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. તેથી અમારા કુટુંબ પર ઓચિંતી મોટી આફત આવી પડી હતી. અમે સાવ નિરાધાર થઈ ગયાં હતાં. અમારી જ્ઞાતિના રિવાજ મુજબ મારા પિતાજીની મરણોત્તર ક્રિયામાં મારી માતાને દેવું કરીને ઘણું ખર્ચ કરવું પડયું.
મારી માતા બાહોશ હતી. તેણે અમારો સારામાં સારો ઉછેર કરવા માટે કમર કસી. તે લોકોનાં ઘરકામ કરતી અને કપડાં સીવતી. મારી માતા ખંતથી કામ કરતી હોવાથી સો કોઈ પ્રેમથી તેને કામ આપતાં. મારી બહેન અને હું તેને મદદ કરતાં. અમને તેણે ગામની શાળામાં ભણવા મૂક્યાં હતાં. સમય જતાં મારી બહેને એસ એસ.સી.ની પરીક્ષા પાસ કરી પછી મારી માતાએ એક સારો છોકરો શોધી એની સાથે બહેનનું લગ્ન કર્યું. મારા પિતાજી થોડીક જમીન મૂકી ગયા હતા. મારી માતાએ તે જમીન વેચીને બધું દેવું ભરપાઈ કરી દીધું. બહેન સાસરે જતી રહી પછી હું ઘરમાં એકલો પડી ગયો. મેં પણ એસ.એસ.સી. પરીક્ષા પાસ કરીને ભણવાનું છોડી દીધું. પછી અમારા એક પરિચિત ભાઈ મને અમદાવાદ લઈ ગયા. એમણે મને એક મિલમાં નોકરી અપાવી.
આ મિલમાં મારે ઘણી હાડમારીઓ વેઠવી પડી. ઉપરી અધિકારીઓની જોહુકમનો પાર ન હતો. છતાં એ બધું સહન કરીને પણ હું શાંતચિત્તે નિષ્ઠાપૂર્વક નોકરી કરતો રહ્યો, મિલમાં મારી બઢતી થઈ. મેં નાનકડું ઘર ભાડે રાખ્યું ને બાને ગામડેથી બોલાવી લીધી. અહીં અમારું ગુજરાન સારી પેઠે ચાલી રહ્યું હતું. સમય જતાં મારું લગ્ન થયું. હું બે બાળકોનો પિતા બન્યો એટલે અમે બેમાંથી ચાર થયાં. મારી માતાની ઉંમર પંચાવન વર્ષની થઈ હતી. તેથી તે હવે ભારે મહેનતનું કામ કરી શકતી ન હતી પણ તેનાથી થાય તે બધાં નાનાં કામો કર્યા કરતી.
થોડી વધારે પ્રગતિ થતાં મેં એક નવું ઘર ખરીદી લીધું. આ નવા ઘરમાં અમે સૌ આનંદથી રહેતાં હતાં. મારાં બાળકો ધીમેધીમે મોટા થઈ રહ્યાં હતાં. મારી બહેનને પણ બે બાળકો હતાં. મારા બનેવીનો સ્વભાવ સારો હતો અને તે ખાધેપીધે સુખી હતા. અમારી લીલીવાડી જોઈને મારી બાને સંતોષની લાગણી થતી. મારાં બાળકોની દેખરેખ રાખવામાં અને પ્રભુસ્મરણ કરવામાં એ પોતાનો સમય પસાર કરતી હતી.
આમ, ઘણાં વર્ષ સુખમાં પસાર થઈ ગયાં. મારાં બાળકો ભણવામાં હોશિયાર હતાં. મારી નોકરીને પણ જોતજોતામાં વીસ વર્ષ પૂરાં થઈ ગયાં. એક દિવસ મારી મિલ અચાનુંક બંધ પડી ગઈ. તેથી થોડા સમય માટે મારી રોજી છીનવાઈ ગઈ. મને બીજી નોકરી મળી ખરી, પણ એમાં કામ વધારે કરવું પડતું હતું અને પગાર ઓછો મળતો હતો. મારા સનસીબે હવે મારો દીકરો સારું ભણીને એક શાળામાં શિક્ષક તરીકે ગોવાઈ ગયો છે. અમારો જીવનનિર્વાહ સારી રીતે થઈ રહ્યો છે તેનો મને સંતોષ છે.
અમે એક નાના ઘરમાં રહીએ છીએ. અમે અમારા ઘરમાં ફ્રિજ , ઍરકન્ડિશનર, વૉશિંગ મશીન, ટેલિફોન વગેરે અઘતન સુખસગવડનાં સાધનો વસાવી શક્યાં નથી, પરંતુ ટીવી વસાવ્યું છે. ચીજવસ્તુઓના અભાવનું મને દુ:ખ નથી. અમે ભ્રષ્ટ રીતરસમો અજમાવીને નાણું એકઠું કરવામાં માનતાં નથી, અને પ્રામાણિક શ્રમજીવી છીએ. અમે મહેનતનો રોટલો રળીએ છીએ, તેમાં અમને અતિશય આનંદ તથા સંતોષનો અનુભવ થાય છે.