જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati: પોતાના ભવિષ્ય વિશેનું અજ્ઞાન એ મનુષ્યની સૌથી મોટી કસોટી છે. ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે તે અવતારી પુરુષ રામ પણ જાણી શક્યા ન હતા. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ? જે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો હતો તે જ દિવસે એમને વનમાં જવું પડ્યું ! જો મનુષ્ય પોતાનું ભાવિ જાણી શકતો હોત તો રામને અગાઉથી જ બધી જાણ હોત ! દશરથ રાજા ભાવિથી વાકેફ હોત તો એમણે કૈકેયીને બે વરદાન આપ્યાં ન હોત. રામ સોનેરી મૃગની પાછળ પડ્યા ન હોત અને સીતાનું હરણ થયું ન હોત. ટૂંકમાં, રામાયણ રચાયું જ ન હોત ! યુધિષ્ઠિર ધૂત રમ્યા ન હોત અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ન હોત. મહાભારતનું ભયાનક યુદ્ધ થયું જ ન હોત ! મોગલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી જ આપી ન હોત. ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું ન હોત. આમ, જો મનુષ્ય પોતાનું ભાવિ જાણી શકતો હોત તો માનવજાતના ઇતિહાસમાં એક પણ કરુણ ઘટના નોંધાઈ ન હોત.
જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati
જો મનુષ્ય ભાવિની ભીતરમાં છુપાયેલું રહસ્ય જાણી શકતો હોત તો તેને ખોટ જાય એવા ધંધામાં રોકાણ જ ન કરત. નાપાસ થનાર વિદ્યાર્થીઓએ વાંચવાનું બંધ કરી દીધું હોત. ભ્રષ્ટાચારી માણસોના હાથમાં વહીવટ સોંપવામાં જ ન આવત. રસ્તા પરના અકસ્માતો ટાળી શકાતા હોત. હારવાની સંભાવના ધરાવતા ઉમેદવાર ચૂંટણી જ ન લડત. ભાવિ જ્ઞાન મનુષ્યને ઘણી બાબતોમાં આશીર્વાદરૂપ થઈ પડયું હોત.
પણ ભવિષ્ય માટેનું અજ્ઞાન એ મનુષ્યને મળેલું ઈશ્વરનું મોટું વરદાન જ છે. જીવનમાં એકલું સુખ જ હોય એ હિતાવહ નથી. સુખની જેમ દુઃખનો અનુભવ મેળવવો પણ જરૂરી છે. આપણે જુદા હોવાનો અનુભવ ન કરીએ તો આપણને સાથે હોવાનું મહત્ત્વ ન સમજાય, દુ:ખ વિના સુખનો આનંદ માણી ન શકાય. પરાજયની નામોશી મેળવ્યા વિના વિજયના અહંકાર પર કાબૂ મેળવી ન શકાય. બલિદાન આપ્યા વિના આઝાદીનો આનંદ અનુભવી ન શકાય. પરસેવો પાડ્યા વિના પૈસાની કિંમત સમજાતી નથી. એકંદર ભાવિના અજ્ઞાનને લીધે મનુષ્ય વિવિધ અનુભવોમાંથી પસાર થઈને ઉન્નતિના શિખરે પહોંચે છે ત્યારે ઉન્નતિનો આનંદ અનેક ગણો વધી જાય છે.
ભાવિજીવન વિશેનું અજ્ઞાન મનુષ્ય માટે આશીર્વાદરૂપ છે. ભાવિ વિશેના અજ્ઞાનને લીધે જ આપણને પરિશ્રમ, ત્યાગ, ધીરજ, ખંત, એકાગ્રતા વગેરે ગુણોનું મૂલ્ય સમજાય છે.
ભાવિનું જ્ઞાન મનુષ્યને મૂંઝવણમાં પણ મૂકી શકે છે. સહદેવના અતિજ્ઞાને તેની ઊંધ હરામ કરી નાખી હતી. જો મનુષ્યને પોતાના મૃત્યુના સમયની અગાઉથી ખબર પડી જાય તો તેનાં રાત અને દિવસ ચિંતા અને વ્યગ્રતામાં જ પસાર થાય. પોતાને લૉટરી લાગવાની છે એવું જ્ઞાન થઈ જાય તો આનંદના અતિરેકમાં વ્યક્તિ પાગલ થઈ જાય અથવા તેને હૃદયરોગનો હુમલો આવી જાય. જીવનમાં બનનારી દુઃખદ ઘટનાઓ વિશે જાણી લીધા પછી મનુષ્યનો જીવનરસ જ સુકાઈ જાય ! ભાવિ વિશેનું જ્ઞાન મનુષ્યને પાંગળો અને આળસુ બનાવી મૂકે છે.
કુદરતે કરેલી વ્યવસ્થામાં મનુષ્ય ડહાપણ ડહોળવાની જરૂર નથી. મનુષ્ય ભાવિથી અજ્ઞાત રહે તેમાં જ તેનું શ્રેય છે.