ચૂંટણીના મતદાનમથકે પર નિબંધ At an Election Polling Station Essay in Gujarati

ચૂંટણીના મતદાનમથકે પર નિબંધ At an Election Polling Station Essay in Gujarati OR Chutani Na Matdan Mathake Guajrati Nibandh: ભારત એક લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સરકારની રચના કરે છે અને રાજ્યનો વહીવટ ચલાવે છે. ગામથી માંડીને સમગ્ર દેશનો વહીવટ ચલાવવા માટે ગ્રામપંચાયતના સભ્યોથી માંડીને સંસદસભ્યો સુધીના પ્રતિનિધિઓની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે, આથી આપણા દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ઘણી મહત્ત્વની ગણાય છે.

ચૂંટણીના મતદાનમથકે પર નિબંધ At an Election Polling Station Essay in Gujarati

ચૂંટણીના મતદાનમથકે પર નિબંધ At an Election Polling Station Essay in Gujarati

મતદારો મત આપવા સહેલાઈથી જઈ શકે તે માટે તેમના રહેઠાણની નજીકની કોઈ શાળામાં કે કોઈ કચેરીમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેને મતદાનમથક (Polling booth – પોલિંગ બૂથ) કહે છે. ચૂંટણીના દિવસથી ચોવીસ કલાક પૂર્વે ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ આવી જાય છે. આ સમય દરમિયાન સભા, સરઘસ અને સૂત્રોચ્ચાર જેવા જાહેર કાર્યક્રમો બંધ થઈ જાય છે.

મતદાનમથકે ચૂંટણીની આગલી રાતથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. મતદાનનો સમય સવારના સાતથી સાંજના પાંચ વાગ્યા સુધીનો હોય છે. વહેલી સવારથી જ મતદારો મતદાનમથકે આવવા લાગે છે. શરૂઆતમાં મતદારોનો ઘસારો થોડો ઓછો હોય છે, પણ બપોર સુધીમાં તો મતદાનમથકે મતદારોની લાંબી લાંબી કતારો થઈ જાય છે. મતદાન અધિકારી (પોલિંગ ઑફિસર) અને તેમના મદદનીશો મતદાનની વ્યવસ્થા સંભાળે છે. તેઓ મતદારનું ચૂંટણી કાર્ડ ચૅક કરી, તેમની સહી કરાવીને તેમના ડાબા હાથની તર્જની પર કાળું ટપકું કરે છે. મતદાર મતકુટિરમાં જઈને પોતાની પસંદગીના ઉમેદવારનાં નામ અને નિશાન સામે E-voting કરે છે. E-voting એટલે ઇલેક્ટ્રૉનિક વૉટિંગ, જેની શરૂઆત એપ્રિલ-મે 2004ની ચૂંટણીથી થઈ છે. તેમાં મતદાર પોતાની પસંદગીના ઉમેદવારના નામ અને નિશાન સામેનું EVM(ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન)નું બટન દબાવે છે. સાંજે મતદાન પૂરું થતાં વૉટિંગ મશીન સીલ કરવામાં આવે છે અને તેને પોલીસ પહેરા હેઠળ મતગણતરીના સ્થળે લઈ જવામાં આવે છે.

મતદાનમથકથી થોડેક દૂર વિવિધ રાજકીય પક્ષો પોતપોતાનાં કાઉન્ટરો ઊભાં કરે છે. ત્યાં જે-તે રાજકીય પક્ષના કાર્યકરો મતદારોની યાદી લઈને બેઠેલા હોય છે. તેઓ મતદારોને તેમનાં નામ અને નંબર શોધી આપે છે. પક્ષનાં ચિહ્નો ધારણ કરેલા કેટલાક કાર્યકરો મતદારોને માર્ગદર્શન આપતા રહે છે. મતદાનને દિવસે ઉમેદવારો મતદાનમથકોની મુલાકાત લેતા હોય છે. પોલીસ મતદાનમથકોના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરે છે. બોગસ મતદાન કરનાર વ્યક્તિની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોનાં મતદાનમથકોએ ધાંધલધમાલ પણ થાય છે. ક્યારેક હિંસક તોફાનો પણ ફાટી નીકળે છે. કેટલાંક સંવેદનશીલ મતદાનમથકોમાં વૉટિંગ મશીનોની ઉઠાંતરીની ઘટનાઓ પણ બને છે. ક્યારેક પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડે છે. ગરબડ થઈ હોય તેવાં મતદાનમથકોનું મતદાન રદ કરી ત્યાં ફરીથી મતદાનની વ્યવસ્થા ગોઠવાય છે. કેટલાંક મતદાનમથકે મતદાન ઘણું ઓછું થાય છે, જ્યારે કેટલાંક મતદાનમથકે ભારે મતદાન થાય છે. પત્રકારો અને પ્રેસ-ફોટોગ્રાફરો મતદાનમથકોની મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનો અહેવાલ તૈયાર કરે છે તેમજ તસવીરો ખેંચે છે.

મતદાનના દિવસોમાં લોકો ઠેરઠેર ચૂંટણીની ચર્ચાઓ કરતાં જોવા મળે છે. ઉમેદવારોની હારજીત વિશે મતદારો જાતજાતની અટકળો કરતા રહે છે. ઉમેદવારોના વિજય કે પરાજય પર કેટલાક લોકો શરતો પણ લગાવે છે.

આમ, મતદાનનો દિવસ મોટે ભાગે શાંત તો ક્યારેક કેટલાક અનિચ્છનીય બનાવો સાથે પસાર થઈ જાય છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.