સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા પર નિબંધ Elections of India Essay in Gujarati

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા પર નિબંધ Elections of India Essay in Gujarati OR Svatantra Bharatani Cuntanipratha Guajrati Nibandh: લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર. ભારત એક લોકશાહી દેશ છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું અને રાજ્યોનું શાસન કરે છે. નિષ્પક્ષ અને સમયબદ્ધ ચૂંટણીઓ થાય તે માટે એક અલગ સ્વતંત્ર ચૂંટણીપંચ દિલ્લીમાં આવેલું છે. આ ચૂંટણીપંચના કાર્યક્ષેત્રમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભા, અમુક રાજ્યોની વિધાન પરિષદો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વગેરેની ચૂંટણી આવે છે. એમાંથી લોકો રાજ્યોની વિધાનસભાઓ અને દેશની લોકસભાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે છે. ભારતના બંધારણના નિયમ પ્રમાણે દરેક ચૂંટણી દર પાંચ વર્ષે થવી જરૂરી છે. જોકે, આ સમયગાળો ક્યારેક કોઈ કારણસર સચવાતો નથી એ જુદી વાત છે. તે સિવાય નાનાંમોટાં શહેરોની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામપંચાયતો વગેરે રાજ્યસ્તરની ચૂંટણીઓ જે-તે રાજ્યની રાજ્યસરકારો કરાવે છે.

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા પર નિબંધ Elections of India Essay in Gujarati

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા પર નિબંધ Elections of India Essay in Gujarati

ભારતનું ચૂંટણીપંચ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી માટેનાં સમયપત્રક ઘડી. કાઢે છે. નિયત તારીખોએ જુદાજુદા પક્ષોના ઉમેદવારો અથવા સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારીપત્રકો ભરે છે. આ ઉમેદવારીપત્રકોની જાહેર થયેલી તારીખે ચકાસણી થાય છે અને અમાન્ય થયેલાં ઉમેદવારીપત્રકો રદ કરવામાં આવે છે. છેલ્લે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે. આમાંથી ક્યારેક અમુક ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લે છે. છેલ્લે બાકી રહેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ઉમેદવારોની યાદી બહાર પડયા પછી રાજકીય પક્ષો પોતપોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. તેમાં લોકકલ્યાણનાં અને વિકાસના કામોની યાદી હોય છે. પછી દરેક પક્ષ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા જોરશોરથી ચૂંટણીપ્રચાર શરૂ કરે છે. બૅનરો, સમાચારપત્રો, ચોપાનિયાં, સભાઓ, સરઘસો દ્વારા ચૂંટણીપ્રચાર થાય છે. ટીવીના માધ્યમ દ્વારા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉપર જોરદાર ચર્ચા, વિચારણા અને વાદવિવાદ પણ થાય છે, રાજકીય નેતાઓ તથા ઘણી વાર કેટલાક અભિનેતાઓ પણ સભાઓને સંબોધે છે, અનેક કાર્યકરો ચૂંટણીપ્રચારમાં જોડાય છે. આમ, ચૂંટણીનું વાતાવરણ જામતું જાય છે. મતદાનના અડતાલીસ કલાક પહેલાં ચૂંટણીપ્રચાર બંધ કરી દેવો પડે છે.

મતદાનના દિવસે સવારના સાતથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદારો મતદાનમથકે મતદાન કરવા જાય છે. મતદાનમથકે પોલીસનો કડક બંદોબસ્ત હોય છે. અનેક કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા હોય છે. મતદાર મતપત્રક પર પોતાને પસંદ હોય એ ઉમેદવારના પ્રતીક પર ‘x’ના નિશાનવાળો સિક્કો લગાવી ગુપ્ત મતદાન કરે છે. હવે તો ઇલેક્ટ્રૉનિક મતદાનયંત્ર પર ચાંપ દાબીને પસંદગીના ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન કરવા આવેલ મતદાતાની ડાબા હાથની પહેલી આંગળી પર શાહીનું ટપકું કરવામાં આવે છે, જેથી એકની એક વ્યક્તિ અનેક વાર મત આપવા આવે નહિ, મતદાનનો સમય પૂરો થતાં દરેક મતદાનમથકેથી મતપેટીઓ સીલ કરીને નિયત સ્થળે એકઠી કરવામાં આવે છે. નિયત દિવસે સવારથી મતગણતરી શરૂ થઈ જાય છે. મતોની ગણતરી પૂરી થયા પછી વિજયી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે. વિજયી ઉમેદવારોનાં સરઘસ નીકળે છે. લોકો ગુલાલ ઉડાડીને અને ઢોલનગારાં વગાડતા નાચગાન કરીને વિજયી ઉમેદવારને વધાવે છે. કેન્દ્રમાં કે રાજ્યમાં બહુમતી ધરાવતો પક્ષ શાસન સંભાળે છે.

લોકશાહી માટે ચૂંટણીપ્રથાના અનેક લાભ છે. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર રચી લોકકલ્યાણનાં અને દેશની ઉન્નતિનાં કાર્યો કરે છે. આઝાદી પછીની ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણીપ્રથાને જ આભારી છે, પરંતુ ભારતના કેટલાક સ્વાર્થી નેતાઓ કોમવાદ અને પ્રાદેશિતાવાદ ફેલાવીને નિષ્પક્ષ રીતે ચૂંટણી થવામાં બાધા નાખે છે. ભારત વિશાળ દેશ હોવાથી ચૂંટણી પ્રક્રિયા અતિ ખર્ચાળ બને છે. કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર પણ ફૂલેફાલે છે.

આમ, ચૂંટણીપ્રથાનાં કેટલાંક દૂષણો હોવા છતાં એકંદરે તેમાં પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચે છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે તેનું આપણને ગૌરવ છે. ચૂંટણીઓ નિષ્પક્ષ બનાવી, ભારતમાં લોકશાહી વધારે મજબૂત અને તંદુરસ્ત બને એ માટેના ઉપાયો આપણે કરવા જોઈએ.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.