પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati: આપણે ઊગતા સૂર્યને નમસ્કાર કરીએ છીએ અને અર્થ આપીએ છીએ. તેમાં સૂર્ય તરફનો આપણો અહોભાવ પ્રગટ થાય છે. સૂર્ય સમગ્ર જીવસૃષ્ટિનો પાલક અને પોષક છે તેથી આપણે ઊગતા સૂર્યની પૂજા કરીએ છીએ.

પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

આપણા જીવનના સંદર્ભમાં આ પંક્તિને આપણે આમ લાગુ પાડી શકીએ : જેની ચડતી થઈ રહી હોય, તેની ભરપૂર ખુશામત થાય છે. જેની પ્રગતિ થઈ રહી હોય તેની ભારે વાહવાહ થાય છે. કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં જીતી જાય તો લોકો તેને હાર પહેરાવે છે. કોઈ વ્યક્તિ મોટો અધિકારી બને તો તેની ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવે છે. કોઈ વિદ્યાર્થી પહેલા નંબરે ઉત્તીર્ણ થાય તો લોકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. ફિલ્મજગતમાં કોઈ અભિનેતા કે અભિનેત્રીને સફળતા મળે તો લોકો તેની પાછળ ગાંડાધેલા થઈ જાય છે. રમતજગતમાં પણ કોઈ ખેલાડી મોટી સિદ્ધિ હાંસલ કરે તો અનેક લોકો તેના ચાહક થઈ જાય છે. આમ, સફળ થયેલી કોઈ પણ વ્યક્તિના હસ્તાક્ષર લેવા લોકો પડાપડી કરે છે. એમાં ક્યારેક આદર કરતાં ઘેલછા જ વધુ કામ કરતી હોય છે.

જેની પાસે પૈસો, પદવી કે પ્રતિષ્ઠા હોય તેની ખુશામત કરવામાં ક્યારેક નર્યો સ્વાર્થ રહેલો હોય છે. એમાં લોકોની લાંબા ગાળાની ગણતરી પણ હોય છે. સમય આવ્યે ખોટી પ્રશંસા કરનાર આવા લોકો પોતાનાં ખરાખોટાં કામ કરાવવા આવી વ્યક્તિઓ પાસે પહોંચી જાય છે. – કોઈ તેમની પાસે ઉછીનાં નાણાં લેવા, તો કોઈ નોકરી મેળવવા, કોઈ શાળા કૉલેજના પ્રવેશના કામે, તો કોઈ બદલીના કામે, કોઈ લોન મંજૂર કરાવવા તો કોઈ પ્લાન મંજુર કરાવવા. આમ, અનેક લોકો પોતાનાં કામ કઢાવવા માટે તેમના પર દબાણ કરે છે.

ચડતી અને પડતી તો સંસારનો ક્રમ છે. કોઈ પણ કારણોસર સફળ વ્યક્તિની પરિસ્થિતિ બદલાય અને તે કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય, સફળ ગણાતો નેતા રાજકારણમાંથી ફેંકાઈ જાય અને ઉચ્ચ સ્થાને રહેલો સરકારી અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય એ પછી તેની પાસે ચકલુંય ફરકતું નથી. લોકો તેમની સાથે સંબંધો સમાપ્ત કરી નાખે છે. તેમનાં માનપાન ઘટી જાય છે. ‘ઊતર્યો અમલદાર કોડીનો’- એ ન્યાયે લોકોની દૃષ્ટિમાં તેની કિંમત કોડીની થઈ જાય છે.

કેવળ પૈસા અને લાગવગના જોરે જ જે લોકો ઉચ્ચ સ્થાને પહોંચે છે, તેમની પગચંપી કરવામાં નરી મૂર્ખતા જ રહેલી છે. બીજી બાજુ જે વ્યક્તિ આદરને પાત્ર છે તેને નિઃસ્વાર્થભાવે આદર આપવામાં જ સાચો વિવેક રહેલો છે. પરંતુ આપણે કેવળ સ્વાર્થવશ ગમે તેવી વ્યક્તિની ખુશામત કરીએ તે અનુચિત જ ગણાય.

કોઈકે ખરું જ કહ્યું છે કે, “ગરજવાનને અક્કલ ન હોય.’ સૂર્ય ઊગતો હોય કે આથમતો, સૂર્ય તો આખરે સૂર્ય જ છે. આજે આથમી રહેલો સૂર્ય આવતી કાલે સવારે ફરીથી ઊગવાનો અને ફરીથી આથમવાનો જ છે. તો પછી માત્ર ઊગતા સૂર્યની પૂજા કરવાનો શો અર્થ ? જગતના લોકો આ ફિલસૂકીને જાણે છે, સમજે છે છતાં ઊગતા સૂર્યને પૂજવાની એમની મનોવૃત્તિ બદલાતી નથી. એટલે સૂર્ય જેવા પ્રતિભાશાળી લોકોએ પોતાની ચડતી અને પડતીના સમયમાં જગતના લોકો તરફથી મળતાં મહત્ત્વ અને ઉપેક્ષાથી પર થવું જોઈએ તથા લોકો પ્રત્યે સમભાવ રાખવો જોઈએ.