જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati: “વિદ્યાર્થી શિક્ષણપરાયણ હોવો જોઈએ, શિક્ષક વિદ્યાથપરાયણ હોવો જોઈએ, બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ અને સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ.”

– રામચંદ્ર ડાંગરેજી –

જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

ઈશ્વરે આપણને મનુષ્યનો અવતાર શા માટે આપ્યો છે? ઉચ્ચ માનવઅવતાર પામ્યા પછી આપણા આદર્શો પણ ઉચ્ચ હોવા જોઈએ; પરંતુ ઘણા લોકો એવું માને છે કે યેનકેન પ્રકારે પૈસા કમાઈ લેવા અને ખૂબ મોજમજા કરવી. આ ખ્યાલ ખોટો છે. પ્રભુસેવા અને જનસેવા કરવી એ જ આપણા જીવનનો મૂળ મંત્ર હોવો જોઈએ. એક અંગ્રેજ વિદ્વાને કહ્યું છે કે આપણે બીજાઓની જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરના આપણા રહેઠાણનું ભાડું છે.

દેવોનેય દુર્લભ એવો માનવદેહ આપીને પ્રભુએ આપણા પર ઉપકાર કર્યો છે, તેથી આપણે ઈશ્વરના ઋણી છીએ. ઈશ્વરનું ગાણ ચૂકવવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ. ત્યાં જઈ ભગવાનની પૂજા કરીએ છીએ અને તેને નૈવેદ્ય ધરાવીએ છીએ. ઘણી વાર આપણે આપણા ઘરમાં પણ કથા-વાર્તા અને ધાર્મિક વિધિ કરાવીએ છીએ, પરંતુ ફક્ત આવા ક્રિયાકાંડો કરી લેવાથી કંઈ પ્રભુ થોડા રાજી થાય?

પ્રભુએ મનુષ્યમાત્રને એક વિશેષ જવાબદારી સોંપી છે. જરૂરતમંદ મનુષ્યની સેવા કરવી એ મનુષ્યમાત્રનો પવિત્ર ધર્મ છે. આપણી આસપાસ રહેલાં દીન-દુખિયાની આપણે શક્તિ અનુસાર સેવા કરવી જોઈએ. જગતના તમામ ધર્મોનો સૂર પણ એ જ છે : જનસેવા એ જ પ્રભુસેવા. અબુ નામના એક માણસે હજ કરવા માટે એકઠા કરી રાખેલા પૈસા તેના પાડોશીના બીમાર દીકરાની સારવાર કરાવવામાં ખર્ચી નાખ્યા. પરિણામે તે હજ કરવા ન જઈ શક્યો. તેમ છતાં, હજ કર્યા વગર પણ તેને હજનું પુણ્ય મળ્યું હતું. ‘તમે તમારા પાડોશીને પ્રેમ કરો’ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આપેલો આ બોધ આપણે પણ જીવનમાં ઉતારવા જેવો છે. ગુજરાતના એક જાણીતા સંત પુનિત મહારાજે આ જ વાતને ખૂબ સરળ શબ્દોમાં રજૂ કરી છે :

“આ જગતમાં કરવાનાં છે બે કામ,
સેવા તો જનસેવા કરવી, લેવું રામનું નામ.”

એકનાથજી નામના એક સંત કેટલાક પદયાત્રીઓની સાથે રામેશ્વરની જાત્રા કરવા જઈ રહ્યા હતા. રામેશ્વર તીર્થના શિવલિંગ પર અભિષેક કરવા માટે તેમણે ગંગાજળ ભરેલા ઘડા સાથે લીધા હતા. રરતામાં એકનાથજીએ જોયું એક ગધેડો તરસે મરી રહ્યો હતો. આથી તેમણે પોતાની પાસેનું બધું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું. બીજા પદયાત્રીઓએ એકનાથજીની ટીકા કરી ત્યારે એમણે પદયાત્રીઓને જવાબ આપ્યો કે, “પ્રભુના શિરે અભિષેક કરવા માટેના આ ગંગાજળનો આનાથી વધુ સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે? એક અબોલ પશુને તરસે મરવા દઈને હું પ્રભુને શિરે ગંગાજળનો અભિષેક કરું તેને પ્રભુ સ્વીકારે ખરો?” આ દ્રષ્ટાંત પરથી એવું સમજાય છે કે માત્ર જનસેવા જ નહિ પણ જીવમાત્રની સેવા કરવી એ જ સાચી પ્રભુસેવા છે.

ઘણી વાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, આગ અને અકસ્માત જેવી કુદરતી આફતો આવી પડે છે. એનાથી અસર પામેલા લોકો માટે આપણે રાહત-કાર્ય શરૂ કરી શકીએ. ગરીબ સ્થિતિના હોશિયાર વિદ્યાર્થીઓને આપણે પુસ્તકો, નોટબુક્સ અને ગણવેશની મદદ કરી શકીએ. ટાઢ ધ્રુજતા ગરીબ-ગુરબાઓને આપણે ગરમ ધાબળા અને કપડાંની મદદ કરી શકીએ. જેને જનસેવા કરવી હોય તેને અનેક માર્ગો મળી રહે છે. જનસેવાનો માર્ગ સાવ સરળ નથી. કવિ પ્રીતમે લખ્યું છે–

“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને !”

એ પ્રમાણે જનસેવાના માર્ગમાં પણ ઠેરઠેર કાંટા પથરાયેલા હોય છે. ઈસુ ખ્રિસ્ત અને ગાંધીજીએ જનસેવા કરતાં કરતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આપણે પણ જનસેવા કરતી વખતે કદાચ લોકનિંદા કે લોકોના વિરોધનો સામનો કરવો પડે. આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ આપણે જનસેવા કરતા રહીએ.

જીવમાત્રનાં દુઃખદર્દો દૂર કરવા માટે આપણે નિઃસ્વાર્થભાવે આપણાથી બનતા પ્રયત્નો કરીએ, તેનાથી પ્રભુ આપણા પર ખરેખર રાજી થશે. ભલે આપણે મંદિરે ન જઈએ, કોઈ ધાર્મિક કાર્યો ન કરીએ અને યાત્રાએ પણ ન જઈએ, પરંતુ કેવળ જનસેવા કરીએ તોપણ પ્રભુ આપણા પર રાજી રહેશે.

પ્રભુએ આપણને આપેલો રોટલો એકલા ખાવા કરતાં વહેંચીને ખાવાથી એ વધારે મીઠો લાગે છે.