ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati or Gramjivan Maryada Guajrati Nibandh: “God made the country and man made the town.”

ભારત અસંખ્ય ગામડાંનો બનેલો દેશ છે. ગામડાંમાં વસતા લોકો ખેતીવાડી કે નાનામોટા કામધંધા ઉપર ગુજરાન ચલાવે છે. ગામડામાં પ્રકૃતિએ ચારે બાજુ સમૃદ્ધિ ઉદારતાથી વેરેલી હોય છે. ત્યાં હરિયાળાં ખેતરો, ખુલ્લા મેદાનો, વિશાળ વૃક્ષોની ઘટાઓ, મુક્ત રીતે હરતાંફરતાં પશુઓ અને કિલ્લોલ કરતાં પંખીઓ આપણા મનને પ્રફુલ્લિત કરે છે. ગામડાની પ્રદૂષણરહિત હવા, સ્વચ્છ, સાદો અને પૌષ્ટિક ખોરાક તેમજ શુદ્ધ ઘી-દૂધ આરોગ્યનું રક્ષણ કરે છે અને શક્તિ આપે છે. ગામડામાં રોગ કે મંદવાડ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ‘ગામડાની હવા અને શહેરની દવા’ એ કથન વારંવાર સાંભળવા મળે છે.

ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

ગ્રામજીવનની મર્યાદાઓ પર નિબંધ Village Life Problems Essay in Gujarati

ગામડાનું જીવન અતિ શાંત હોય છે. ત્યાં સમયસર કામ પર પહોંચવાની કોઈને ચિંતા હોતી નથી. વાહનોનો ઘોંઘાટ અને ધુમાડો પણ ત્યાં હોતા નથી. પ્રભુએ આપેલા બટકું રોટલામાં પણ ગ્રામીણ માનવી અત્યંત સંતોષ અને આનંદ પામે છે. ગામડાના લોકોનું જીવન સાદું અને સાત્ત્વિક હોય છે. ગામડાના લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, નિઃસ્વાર્થ સેવા, અતિથિસત્કાર જેવા ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ગામડાના ભોળા અને ભલા લોકો વચ્ચે કોઈ ઝઘડા થતા નથી. તેઓ ભેગા મળીને સામાજિક પ્રસંગો અને તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. ગામડાના લોકોમાં બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી’ રહેવાની ભાવના હોય છે. સાધુસંતો અને અતિથિઓને તેઓ પ્રેમભાવથી જમાડે છે. વળી, ગામડાના લોકોમાં આડંબર કે મિથ્યાભિમાન પણ હોતાં નથી.

ગ્રામજીવનની આવી કેટલીક વિશિષ્ટતાઓની સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. અનેક ગામોમાં ઠેરઠેર ઉકરડા અને કચરાના ઢગલા જોવા મળે છે. આથી ત્યાં માખી અને મચ્છરનો ભારે ઉપદ્રવ થાય છે. લોકો સ્વચ્છતા પ્રત્યે ઘણી ઉપેક્ષા દાખવે છે. તેઓ ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. ગામડામાં કેટલીક અગવડો પણ હોય છે. ત્યાં જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ સરળતાથી મળતી નથી. ત્યાં દવાખાના અને સંદેશવ્યવહારની પૂરતી સગવડ હોતી નથી. વાહનવ્યવહારનાં સાધનો પણ જલદી પ્રાપ્ત થતાં નથી. ગામડાના રસ્તાઓ પણ સાંકડા, કાચા અને ખાડાટેકરાવાળા હોય છે. ચોમાસામાં તો રસ્તાઓ પર કાદવકીચડ અને માટીના થર પથરાઈ જાય છે. આજે પણ ગામડામાં ગરીબી, ગંદકી, પાણીની અછત, રોગો અને અંધશ્રદ્ધા મોટા પ્રમાણમાં જોવા મળે છે. લોકો કુરૂઢિઓના ભોગ બનેલા હોય છે. તેથી તેઓ દેવામાં ડૂબેલા રહે છે. તેઓ ખેતીની મોસમ સિવાયના દિવસો આળસમાં પસાર કરે છે. વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાનો કેટલાંક ગામડાંમાં પાર હોતો નથી. અનેક ગામડાંમાં ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા હોતી નથી. આવી અનેક મર્યાદાઓ ગ્રામજીવનમાં જોવા મળે છે.

આઝાદી પછી આપણી સરકારે ગ્રામોદ્ધારની અનેક યોજનાઓ શરૂ કરી છે. આથી ગ્રામજીવનની મર્યાદાઓ ધીરેધીરે દૂર થઈ રહી છે. કેટલાંક ગામડાંમાં રૅડિયો, ટીવી, ટેલિફોન, વર્તમાનપત્રો, શિક્ષણ વગેરે દ્વારા ઘણો સુધારો થઈ રહ્યો છે. ગ્રામજીવનની મર્યાદાઓ દૂર થશે ત્યારે ત્યાંના લોકો ગામડાંમાં જ રહેવાનું વધારે પસંદ કરશે અને તેમને શહેરોમાં આવવાની જરૂર નહીં પડે. એ કારણે શહેરોમાં વધતી વસતીને લગતા પ્રશ્નો પણ હલ થઈ શકશે.