પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati

પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati OR Pustakoni Maitri Gujarati Nibandh: આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ. વાંચતાં આવડતું હોય છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે ફરક રહેતો નથી.

પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati

પુસ્તકોની મૈત્રી પર નિબંધ Friendship of Books Essay in Gujarati

પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકમાન્ય ટિળક કહેતા, “હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.” રસ્કિનના ‘Unto The Last’ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણા મળતી રહી છે. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજેય આ ગ્રંથો અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડે છે. સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તેઓ આપણા સુખદુઃખના સાથી છે. પુસ્તકો સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હોય છે.

સારાં પુસ્તકો આપણને સુખદુ:ખમાં સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. પ્રવાસ અંગેનાં પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે. આપણે આપણા ઘરની ઓરડામાં બેઠાંબેઠાં દુનિયાના દેશો અને શહેરોની રસપ્રદ માહિતી વાંચીને અને તેમનાં ચિત્રો જોઈને આનંદ પામીએ છીએ. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાનવિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે. સારાં પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી. આપે છે. ગાંધીજી કહેતા, “જ્યારેજ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારેત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.”

પુસ્તકો અરીસા જેવાં છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે, “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ.” છીછરાં અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે.

આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં જ પસાર થઈ જાય છે. પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આમ છતાં, આજે પણ સારાં પુસ્તકોનું મહત્ત્વ ઓછું નથી એટલે સારાં પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરાં.

આપણે આપણું જીવનઘડતર કરનારાં પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.