સંપ ત્યાં જંપ પર નિબંધ Unity is Strength Essay in Gujarati

સંપ ત્યાં જંપ પર નિબંધ Unity is Strength Essay in Gujarati OR Samp Tya Jamp Gujarati Nibandh: ‘સંપ ત્યાં જંપ” એટલે, જ્યાં સંપ હોય ત્યાં હંમેશાં સુખ અને શાંતિ હોય છે. જીવનમાં શાંતિ મેળવવી એ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. એમાંય મનની શાંતિનું મહત્ત્વ તો વર્ણવી ન શકાય તેવું હોય છે. કેટલાક એવું માને છે કે, ભૌતિક સુખસગવડો હશે તો બધા પ્રકારની શાંતિ મળી જશે, પરંતુ ભૌતિક સુખોની સાથે મનની શાંતિને કાંઈ જ સંબંધ નથી. ઓછી સગવડો ધરાવતો માણસ પણ શાંતિનો અનુભવ કરતો હોય છે, જ્યારે વધુ સગવડો ધરાવનાર માણસ કદાચ વધારે અશાંતિમાં જીવતો હોય છે.

સંપ ત્યાં જંપ પર નિબંધ Unity is Strength Essay in Gujarati

સંપ ત્યાં જંપ પર નિબંધ Unity is Strength Essay in Gujarati

સુખ અને શાંતિનો મુખ્ય આધાર સંપ પર રહેલો છે. ઉદાહરણ તરીકે, જે કુટુંબના તમામ સભ્યો સંપથી રહેતા હોય તે કુટુંબ આબાદ થાય છે. એ કુટુંબના સભ્યો શાંતિથી અને આનંદથી રહે છે. એ જ પ્રમાણે જે ગામના લોકોમાં સંપ હોય તે ગામ આબાદ હોય છે. એ ગામમાં નિશાળ, મંદિર, દવાખાનું, રસ્તા વગેરે સાર્વજનિક સગવડોનું નિર્માણ ગામલોકોના સંપને કારણે જ થયેલું હોય છે. દેશની આબાદી માટે પણ દેશના લોકોમાં સંપ હોવો જોઈએ. દેશના તમામ ધર્મના લોકો વચ્ચે સંપ હોય તો જ દેશ પ્રગતિ કરી શકે અને સર્વત્ર શાંતિનો અનુભવ થઈ શકે.

જ્યાં કુસંપ હોય ત્યાં અજંપો અને અશાંતિ પ્રવર્તતાં હોય છે. કુસંપ બધાં જ અનિષ્ટોનું મૂળ છે. કુસંપના કારણે જ કુટુંબ, સમાજ અને દેશ બરબાદ થાય છે. જે સમાજના લોકોમાં કુસંપ હોય તે સમાજ વેરવિખેર થઈ જાય છે. દેશના લોકોમાં કુસંપ હોય તો દેશ બરબાદ થઈ જાય છે. દેશવાસીઓના કુસંપનો બીજા દેશના લોકો ભરપૂર ગેરલાભ ઉઠાવે છે. વિશ્વના ઇતિહાસમાં આવા બનાવોનો તોટો નથી.

પાંડવો અને કૌરવોના કુસંપને લીધે જ મહાભારતનું યુદ્ધ થયું હતું. કૈકયીએ પોતાના જ કુટુંબમાં વિખવાદ ઊભો કરીને શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવાની ફરજ પાડી હતી. રજપૂતો વચ્ચેના કુસંપને લીધે જ મોગલોએ આપણા દેશ પર આક્રમણ કરી સત્તા ભોગવી હતી. યાદવોના કુસંપને લીધે યાદવાસ્થળી સર્જાઈ હતી. અંગ્રેજોએ પણ આપણા દેશના રાજાઓના કુસંપનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને આપણા દેશ પર પોતાની હકૂમત સ્થાપી દીધી. પછી તેઓએ જુદીજુદી તરકીબો વડે આપણા દેશનું શોષણ કર્યું. જગતના રાષ્ટ્રો વચ્ચેના કુસંપને લીધે જ બે વિશ્વયુદ્ધો થયાં. આમ, કુસંપને લીધે જ સર્વત્ર અશાંતિનું વાતાવરણ સર્જાય છે.

સંપ હોય ત્યાં એકતા હોય અને જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે. લાકડીઓની. ભારી ભાંગી શકાતી નથી, પરંતુ એકએક લાકડીને અલગ કરી દેવાથી તેને સહેલાઈથી ભાંગી શકાય છે. આપણા દેશની પ્રજામાં નેતાઓએ જગાવેલી એકતા અને સંપની શક્તિ આગળ બ્રિટિશ સલ્તનતનો કદી નહિ આથમનારો સૂર્ય પણ આથમી ગયો અને આપણો દેશ આઝાદ થયો.

આજે દેશમાં સંપની ઘણી જરૂર છે. આજે અસામાજિક તત્ત્વો, દેશદ્રોહીઓ અને આતંકવાદીઓ સામે દેશની પ્રજાએ એક થઈને લડત આપવાની જરૂર છે. આપણે ધર્મ, ભાષા અને પ્રદેશના આંતરિક મતભેદો ભૂલી જઈએ. દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે આપણે કાયમ સંપથી રહીએ. સંપીને રહેવાથી જ આપણા દેશમાં શાંતિ રહેશે અને સોનાનો સૂરજ ઊગશે.