ઉભરાતી વસ્તી વધતી ગરીબી પર નિબંધ Population and Poverty Essay in Gujarati

ઉભરાતી વસ્તી વધતી ગરીબી પર નિબંધ Population and Poverty Essay in Gujarati or Ubharati Vasti Vadhati Garibi Gujarati Nibandh: અનેક રોમાંચક ઘટનાઓથી ભરેલી વીસમી સદી વિદાય થઈ અને આપણે એકવીસમી સદીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. એવા ટાણે એક વિરાટ સમસ્યા આપણી સામે મોટું ફાડીને ઊભી છે – એ સમસ્યા છે નિરંકુશ વસ્તીવધારાની.

ઉભરાતી વસ્તી વધતી ગરીબી પર નિબંધ Population and Poverty Essay in Gujarati

 

ઉભરાતી વસ્તી વધતી ગરીબી પર નિબંધ Population and Poverty Essay in Gujarati

ભારતમાં કુદકે ને ભૂસકે વધી રહેલી વસ્તી એ દેશની સૌથી મોટી સમસ્યા છે. આઝાદી મળી ત્યારે દેશની વસ્તી છત્રીસ કરોડની હતી. આજે આ વસ્તી વધીને એકસો વીસ કરોડના આંકને વટાવી ગઈ છે. છેલ્લાં પચાસ વર્ષમાં આપણા દેશની વસ્તી અઢી. ગણી થઈ ગઈ છે. આપણા દેશમાં દર વર્ષે એક કરોડ ત્રીસ લાખના દરે વસ્તીવધારો થઈ રહ્યો છે.

આપણા દેશના લોકોનું અજ્ઞાન એ વસ્તીવધારાનું મુખ્ય કારણ છે. ક્યારેક લોકો એક પુત્રીથી સંતોષ માનવાને બદલે પુત્રની અપેક્ષાએ વધુ ને વધુ બાળકોને ઝંખે છે. કેટલાક લોકો એકબે સંતાનથી સંતોષ ન માની વધુ સંતાનોની તરફેણ કરે છે. આવો વસ્તીવધારો ગરીબ અને નિરક્ષર વર્ગમાં મુખ્ય હોય છે.

દેશમાં વધતી વસ્તીએ અનેક સમસ્યાઓને જન્મ આપ્યો છે. આજે આપણા દેશમાં પચાસ ટકા કરતાં વધારે લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. તેઓને બે ટંક પૂરતું ખાવાનું મળતું નથી, અંગ ઢાંક્વા પૂરતાં વસ્ત્રો મળતાં નથી અને રહેવા માટે એમની પાસે પોતાનું કહી શકાય તેવું છાપરુંય નથી ! જેઓને જીવનજરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ પણ મળતી ન હોય ત્યાં બીજી સગવડોની તો આશા જ ક્યાં રાખે ? વસ્તી વધતી જ જાય છે પરંતુ તેની સાથે સાધનસામગ્રી વધતી નથી. આપણા દેશના ભૂગર્ભ જળભંડારોમાં સતત ઘટાડો થતો જાય છે પરિણામે કેટલાક વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. વધતી જતી વસ્તીને માટે શિક્ષણ તથા આરોગ્યની અને રહેઠાણ તથા વાહનવ્યવહારની વધારાની સગવડો ઊભી કરવી જરૂરી બની છે. એ માટે અબજો રૂપિયાનો વધારાનો આર્થિક બોજો દેશને સહન કરવો પડે છે. પરિણામે દેશનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ જાય છે. દેશનાં વિકાસનાં કામો અટકી પડે છે. સરકારે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિકાસનાં અનેક કામો હાથ ધર્યા છે, પરંતુ બધો વિકાસ વસ્તીવધારો ભરખી જાય છે. પરિણામે દેશમાં ગરીબી અને બેકારી વધતી જાય છે, વસ્તીવધારાની શિક્ષણ ઉપર પણ માઠી અસર પડે છે. ભણવાની ઇચ્છાવાળાં અનેક બાળકોને બાળમજૂરી તરફ ધકેલાવું પડે છે.

વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે કુટુંબનિયોજન અને કુટુંબ કલ્યાણ યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. આમ છતાં, આપણે વસ્તીવધારાની સમસ્યાને નાથી શક્યા નથી. જોકે થોડીઘણી સફળતા જરૂર મળી છે.

વસ્તીવધારાની સમસ્યાનો સચોટ ઉપાય કરવાનું હવે અનિવાર્ય બની ગયું છે. આ માટે સરકારે કડક કાયદા ઘડીને તેનો સખતાઈથી અમલ કરવો જોઈએ. વળી, રેડિયો, અને ટીવી જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોને નાનું કુટુંબ, સુખી કુટુંબ’ની પુરતી સમજ આપવી જોઈએ. દરેક માબાપે આટલું સમજવું જ જોઈએ કે ઓછાં બાળકો હશે તો જ તેમનો સારી રીતે ઉછેર કરી શકાશે.