વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati: આપણા દેશમાં લોકશાહી શાસન છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનું સંચાલન કરે છે. કેન્દ્રમાં લોકસભા અને રાજ્યોમાં વિધાનસભા હોય છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે વિધાનસભાના અધ્યક્ષશ્રી તેનું સંચાલન કરે છે. વિધાનસભાગૃહમાં શાસકપક્ષ અને વિરોધપક્ષની બેઠકો અલગઅલગ રાખવામાં આવી હોય છે. મુલાકાતીઓને બેસવા માટે પ્રેક્ષક ગૅલેરી હોય છે. વળી, વિધાનસભાગૃહમાં અને ગૃહની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે.

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati

વિધાનસભામાં એક કલાક પર નિબંધ An Hour in the Assembly Essay in Gujarati

એક વાર અમારી શાળાએ અમને વિધાનસભાની કાર્યવાહી જોવા માટે લઈ જવાનું આયોજન કર્યું હતું. તે મુજબ અમે ધોરણ 10માં ભણતા બધા વિદ્યાર્થીઓ બસ દ્વારા ગાંધીનગરમાં આવેલી વિધાનસભાની મુલાકાતે ગયા. અમારા શિક્ષકે વિધાનસભાની મુલાકાત માટેની પરવાનગી અગાઉથી મેળવી રાખી હતી. અમે બધા પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવાઈ ગયા.

સમય થતાં એક પછી એક ધારાસભ્યો ગૃહમાં આવવા લાગ્યા અને પોતપોતાના સ્થાને બેસવા લાગ્યા. પછી અધ્યક્ષશ્રીએ પોતાની બેઠક લઈ વિધાનસભાની કાર્યવાહી શરૂ કરી. બજેટસત્ર ચાલતું હોવાથી અંદાજપત્ર ઉપરની ચર્ચા શરૂ થઈ. અંદાજપત્રમાં ખેડૂતો અને સામાન્ય માનવીને લક્ષમાં રાખવામાં આવ્યા નથી અને શ્રીમંતોને જ લાભ કરી આપવામાં આવ્યા છે’ – એવા વિરોધપક્ષના આક્ષેપો સાથે જ ગરમાગરમ ચર્ચા શરૂ થઈ. શાસકસભ્યો અને વિરોધપક્ષના સભ્યો સામસામે મોટેમોટેથી આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરવા લાગ્યા અને અધ્યક્ષશ્રી સૌને શાંત પાડવા ‘please… please…’ બોલતા રહ્યા. કોણ શું બોલી રહ્યું છે તે સ્પષ્ટ સંભળાતું ન હતું કે સમજાતું પણ ન હતું. વિરોધપક્ષના સભ્યો મોટેથી બૂમો પાડતાંપાડતાં અધ્યક્ષશ્રીના મંચ સુધી પહોંચી ગયા. અધ્યક્ષશ્રીને લાગ્યું કે હવે વિધાનસભાનું સંચાલન થઈ શકે તેમ નથી. તેથી વિધાનસભાને બપોર સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી તેઓ પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા આપણા રાજકારણીઓના આવા અસભ્ય વર્તનથી અમે તો સાવ ડઘાઈ ગયા. અમને થયું કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા પાસે કયા મોઢે આદર્શ વ્યવહારની વાતો કરતા હશે? વિધાનસભાગૃહમાં શું આવી જ શિસ્ત પળાતી હશે? જો કે વિધાનસભાગૃહમાં કેટલાક પ્રામાણિક અને પ્રજાને ચાહનારા સભ્યો પણ હતા પરંતુ તેઓ લાચાર હતા. તેઓનું કોઈ કંઈ સાંભળે તેમ ન હતું.

અમે વિધાનસભાગૃહની બહાર આવ્યા. અમને મનમાં એક જ પ્રશ્ન થયો, ‘અમે આજે શું શીખ્યા?” ભારે હૈયે અમે વિધાનસભાગૃહ છોડ્યું.