શિયાળાની સવાર પર નિબંધ Winter Morning Essay in Gujarati

શિયાળાની સવાર પર નિબંધ Winter Morning Essay in Gujarati: સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે. ત્રતુએ ત્રતુએ સવારની પ્રાકૃતિક શોભા અને તેનાં રંગરૂપ નિરાળાં હોય છે. એમાંય શિયાળાની સવાર સવિશેષ આફ્લાદક હોય છે. એ આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની સુવર્ણ તક પૂરી પાડે છે. શિયાળાની સવાર સાથે નિસર્ગની અદ્ભુત છટાને પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ માણો:

શિયાળાની સવાર પર નિબંધ Winter Morning Essay in Gujarati

શિયાળાની સવાર પર નિબંધ Winter Morning Essay in Gujarati

“ઊગે છે સુરખિ ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ-સ્વચ્છ દીસતી એકે નથી વાદળી.
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં.’

શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યાસ્ત થતાં જ ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. લોકો બારીબારણાં બંધ કરીને ઘરમાં ઢબુરાઈ જાય છે. રસ્તા નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતાં વાતાવરણમાં ફરીથી નવી ચેતના પ્રગટે છે.

શિયાળામાં વહેલી સવારે ખેડૂતો ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘુઘરાનો ધમકાર, દળણાં દળતી ઘંટીઓના એકધારા સૂર અને ઘમ્મર વલોણાના નાદ સંગીતમય વાતાવરણ સર્જે છે. સાથેસાથે પ્રભાતિયાં અને મંદિરોમાં મંગળા આરતી વખતે વગાડાતાં ઝાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિરસથી ભીંજવે છે. ક્યારેક સૂસવાતો ઠંડો પવન આપણાં ગાત્રોને થીજવી દે છે. આથી લોકો ઠેરઠેર તાપણાં સળગાવી, તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી રાહત મેળવે છે.

શહેરોમાં શિયાળાની સવાર જુદી હોય છે. કેટલાક લોકો દોડવા નીકળે છે અથવા ‘મોર્નિંગ વૉક’ માટે નીકળે છે. કેટલાંક પ્રૌઢ અને વૃદ્ધ લોકો સડકો પર ફરવા નીકળી પડે છે. ઠંડીમાં ક્યાંક સડકને કિનારે ગરીબ લોકો તાપણું સળગાવીને તાપતાં નજરે પડે છે. એમની પાસે ઓઢવા -પાથરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. ઠંડીમાં આવા લોકો ઠૂંઠવાતાં હોય છે. આવાં દ્રશ્યો ખરેખર કરુણ હોય છે.

શહેરમાં કેટલા લોકોને વહેલી સવારે કસરત કરવાનો સમય મળે છે? સ્કૂલ બસની રાહ જોતાં આંખો ચોળતાં બાળકો, ટ્રેઇન અને બસ પકડવાની લાયમાં ઉતાવળે દોડતાં શહેરીજનો, બાળકો અને પતિને માટે ઝટપટ ચાનારતા અને લંચબૉક્સ તૈયાર કરતી સ્ત્રીઓ શિયાળાની સવારનું સુખ શું જાણે ! એટલે તેઓ શિયાળાની સવારે અડદિયો પાક, સાલમપાક જેવાં પોષણયુક્ત વસાણાં ખાઈને સંતોષ મેળવે છે. જોકે, શિયાળાની સવારે ઘણાંને હૂંકાળી પથારી છોડવી ગમતી નથી. આથી ઘણા લોકો રજાઈ -ધાબળા ઓઢી મોડે સુધી નિરાંતે ઘોરતાં રહે છે.

શિયાળાની પરોઢ ઝાકળભીની હોય છે. છોડ અને વૃક્ષોની પાંદડીઓ પર ઝાકળનાં ટીપાં બાઝે છે. સૂર્યોદય થતાં તેના પર સૂર્યનાં કિરણો પડે છે, ત્યારે એ જલબિંદુઓ મોતીની જેમ ઝળહળી ઊઠે છે.

શિયાળાની ઠંડી મનુષ્યને જુદા જ પ્રકારની ર્તિ આપે છે. તેના કારણે માણસમાં ઉત્સાહ અને ચેતન આવે છે. તે વધારેમાં વધારે મહેનત કરી શકે છે. શિયાળાની સવારે કસરત કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે શિયાળાની સ્કૂર્તિદાયક સવારનો સદુપયોગ કરીએ.