ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel Essay in Gujarati: સમાજ વિલક્ષણ અને વૈવિધ્યપૂર્ણ જીવનપરંપરાઓ ધરાવનારા લોકોનો બનેલો છે. આ લોકોમાંના ઘણા થોડાક કલાકો માટે, ગાડીના બીજા વર્ગમાં મુસાફરીવેળા મળે છે. એમની સાથેના અનુભવો ખરેખર તો જીવનની કેળવણીનો પ્રવાસ બની રહે છે.
ગાડીના બીજા વર્ગની મુસાફરી પર નિબંધ Train another Coach Travel Essay in Gujarati
મારા કાકાને ઑફિસના કામથી વડોદરા-સુરત વચ્ચે અવારનવાર આવ-જા કરવી પડે છે. તેથી તે ગાડીની મુસાફરીથી ટેવાઈ ગયેલા છે. તેમાંય અપ-ડાઉન કરનારા લોકો માટે ખાસ શરૂ કરાયેલી મેમુ ટ્રેનના પાસનું ભાડું ઓછું થાય છે, તેથી તે હંમેશાં મેમ્ ટ્રેનમાં જ મુસાફરી કરે છે.
એક દિવસ મારા કાકાએ મને પણ મેમુ ટ્રેનની મુસાફરી કરાવી, અમે વડોદરાના રેલવે-સ્ટેશને આવ્યા અને સુરતની ટિકિટો ખરીદી. પછી અમે પ્લેટફોર્મ પર ગયા. ત્યાં ઉતારુઓની ભારે ભીડ જોઈને હું તો ચિંતામાં પડી ગયો. મને વિચાર આવ્યો કે આટલા બધા ઉતારુઓ ગાડીના ડબ્બાઓમાં કેવી રીતે સમાઈ શકશે ! પ્લેટફોર્મ પર ઠેરઠેર જુદીજુદી ચીજવસ્તુઓ અને ચાપાણીના સ્ટોલ હતા. કેટલાક ઉતારુઓ ટોળે વળીને વાતો કરતા હતા. કેટલાક બાંકડા પર બેઠાબેઠા આટલા ઘોઘાટમાં પણ નિરાંતે ઊંઘી રહ્યા હતા.
એટલામાં મેમૂ ટ્રેન આવી રહી છે એવી જાહેરાત થઈ, ઉતારુઓ પોતપોતાના સામાન સાથે તૈયાર થઈ ગયા. સ્ટેશને ગાડી આવતાં જ ભારે શોરબકોર અને ધક્કામુક્કી શરૂ થઈ ગયાં. ભણેલાગણેલા અને સંસ્કારી ગણાતા લોકો પણ ભાન ભૂલીને ધક્કામુક્કી અને ગાળાગાળી કરવા લાગ્યા. ઊતરનારા અને ચડનારા મુસાફરો વચ્ચે જાણે રીતસરનું યુદ્ધ જ શરૂ થઈ ગયું. અમે મહાપરાણે એક ડબ્બામાં ઘૂસ્યા. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની સ્થિતિ ખરેખર દયાજનક હતી, દસેક મિનિટ સુધી અનેક વરવાં દશ્યોનો હું પ્રેક્ષક બની રહ્યો.
ગ્રીન સિગ્નલ મળતાં એક ધક્કા સાથે ગાડી ઊપડી, જેમને બેસવાની જગ્યા મળી હતી તેમાંથી કેટલાક વાતોએ વળગ્યા, કેટલાકે વાંચવાનું શરૂ કર્યું તો કેટલાક ઊંધવા લાગ્યા. કેટલાક ઉતારુઓ આવી ભીડમાં પણ મોજથી ઊભા હતા. કેટલાક ઉતારુઓ ગાડીના ડબ્બાના બારણા આગળ બેઠા હતા. ડબ્બામાં જાતજાતના ઉતારુઓ હતા. અમીરગરીબ, શેઠ, નોકર, શ્રમજીવી, વકીલ, ડૉક્ટર, વેપારી, શિક્ષક, શહેરી, ગ્રામીણ – તમામ વર્ગના મુસાફરો એકસાથે પ્રવાસ કરી રહ્યા હતા.
ગાડીના ડબ્બાઓમાં ફેરિયાઓ અને ભિખારીઓની વણજાર સતત ચાલુ હતી. ચણાની દાળવાળા, ચાવાળા, ઠંડા પાણીવાળા, ભેળવાળા, સફરજનવાળા, ચીકુવાળા વગેરે તેમના ચિત્રવિચિત્ર અવાજોથી ઉતારુઓનું ધ્યાન ખેંચતા હતા. આટલી ભીડમાંથી પણ. તેઓ પોતાનો માર્ગ કરી લેતા અને ખાદ્યસામગ્રી વેચીને થોડું રળી લેતા. કેટલાક ઉતારુઓ આટલી ભીડમાં પણ તેમની પાસેથી ખાદ્યસામગ્રી ખરીદીને નિરાંતે આરોગી રહ્યા હતા. કેટલાક ભિખારીઓ અને બૂટપૉલિશવાળા ઉતારુઓનું ધ્યાન ખેંચવા ઘણી મહેનત કરતા હતા. તેમનાં ગંદાંગોબરાં શરીર અને મેલાંઘેલાં કપડાં જોઈને સૂગ ચડતી. કેટલાક ઉતારુઓ ગાડીના ડબ્બામાં જ ફળોના ઠળિયા તથા છાલ નાખીને ચારે બાજુ ગંદકી કરતા હતા. એમને શું કહેવું?
ગાડીમાં કેટલાક સમજદાર લોકો પણ હતા. તેમણે બાળકોને, બહેનોને તથા વૃદ્ધોને બેસવાની જગ્યા કરી આપી હતી. અમારે તો છેક સુરત સુધી ઊભાં ઊભાં જ જવું પડ્યું.
હિન્દુસ્તાનમાં આગગાડીની શરૂઆત થઈ ત્યારથી સામાન્ય મુસાફરોની હાડમારી એવી જ રહી છે. રેલવેતંત્રને રેલયાત્રા દ્વારા ભાડાની અઢળક આવક થાય છે. આપણી જ સરકાર હોવા છતાં, ગાડીની મુસાફરીની સુવિધાઓમાં સંતોષકારક સુધારો કરવામાં આવતો નથી. રેલવેતંત્ર અને સરકાર આ દિશામાં જ્યારે વિચારશે?