હોટલો અને આપણું સ્વાસ્થ્ય પર નિબંધ Hotels and Our Health Essay in Gujarati

હોટલો અને આપણું સ્વાસ્થ્ય પર નિબંધ Hotels and Our Health Essay in Gujarati: શહેરોમાં હૉટલોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. ખાણીપીણીના શોખીનોથી હૉટલો ઊભરાતી રહે છે. અમુક હૉટલોમાં તો સ્વાદના રસિયાઓ એટલી મોટી સંખ્યામાં ઊમટે છે કે તેઓને ત્યાં લાઇનમાં ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે.

હોટલો અને આપણું સ્વાસ્થ્ય પર નિબંધ Hotels and Our Health Essay in Gujarati

હોટલો અને આપણું સ્વાસ્થ્ય પર નિબંધ Hotels and Our Health Essay in Gujarati

રોજીરોટી મેળવવા માટે રોજેરોજ શહેરમાં ઠલવાતા હજારો લોકોને રોટલો અને ઓટલો સહેલાઈથી મળી રહેતાં નથી. કામધંધો મેળવવા શહેરોમાં આવેલા ઘણા યુવાનોને કુટુંબ સાથે રહેવાનું પોસાતું ન હોવાથી એકલા જ રહેવું પડે છે. કેટલાક લોકોને વહેલી સવારે કામધંધાના સ્થળે જવું પડે છે. આથી જમવા માટે ઘર પાછા આવવાનું શક્ય બનતું નથી. આથી આવા લોકોને હૉટલોમાં જ જમી લેવું પડે છે. કેટલાંક કુટુંબોમાં પતિપના બંને નોકરી કરતાં હોય છે. સાંજે નોકરીએથી કંટાળીને અને થાકીને ઘેર આવ્યા પછી રસોઈ કરવાનું તેમને ગમતું નથી. આથી કેટલાક લોકો ક્યારેક હોટલમાં જમી લેવાનું પસંદ કરે છે. વળી, આજકાલ રજાના દિવસે કુટુંબ સાથે હૉટલોમાં જમવાનો શોખ વધતો જાય છે. આવાં કેટલાંક કારણોસર આજકાલ શહેરોમાં હૉટલોનો રાફડો ફાટ્યો છે. હૉટલના વ્યવસાયમાં સારી કમાણી થતી હોવાથી પણ અનેક લોકો હૉટલોના વ્યવસાય તરફ વળ્યા છે. હાઈવે પર પણ સારી કક્ષાની ઘણી હૉટલો શરૂ થઈ છે.

શહેરોમાં સામાન્યથી લઈને શ્રીમંતોને પોસાય તેવી જુદાજુદા સ્તરની અનેક હૉટલો હોય છે. ફૂટપાથ પર પણ હૉટલો ચાલતી હોય છે. કારીગર વર્ગને હૉટલનાં ચા-પાણી કર્યા વિના સંતોષ થતો નથી. સામાન્ય હૉટલોમાં સ્વાથ્ય અંગે ખૂબ ઓછી દરકાર રાખવામાં આવે છે. સફાઈનો ખ્યાલ બરાબર રાખવામાં આવતો નથી. કેટલીક સામાન્ય હૉટલોમાં પાણી માટે ડોયા કે જગનો ઉપયોગ કરવામાં આવતો નથી. કપ-રકાબી અને નાસ્તાની તાસકો સાફ કરવા માટે પણ ચોખ્ખું પાણી વપરાતું નથી. આવી હૉટલોમાં ઘણી વાર નાસ્તો વાસી હોય છે, જેની ગ્રાહકોને જાણ હોતી નથી. આવી હૉટલના રસોડામાં માખીઓ તથા વંદા પણ હોય છે. હોટલમાં કામ કરતા નોકરોનાં કપડાં અને હાથપગ પણ ગંદા હોય છે. આ બધાં કારણોને લીધે એ હોટલોમાં ખાનારાઓનું સ્વાથ્ય બગડે છે. ઘણી વાર તો તેઓ ગંભીર માંદગીમાં સપડાઈ જાય છે. સરકારનું આરોગ્ય ખાતું આ બાબતની કાળજી રાખે છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે.

સારી હૉટલોમાં સ્વચ્છતા અને સ્વાથ્યની વિશેષ દરકાર રાખવામાં આવે છે, ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થા ઊડીને આંખે વળગે તેવી હોય છે. વળી, તેમાં પીરસાતી વાનગીઓ, ચા-પાણી, આઇસક્રીમ વગેરે ઉત્તમ ગુણવત્તાવાળાં હોય છે, પરંતુ આ પ્રકારની હૉટલો ઘણી મોંધી હોય છે. તેના ભાવ સામાન્ય માણસોને પરવડતા નથી. તે શ્રીમંત વર્ગને અથવા ક્યારેક જ હૉટલમાં જનાર વર્ગને પોસાય તેવા હોય છે.

આજના સમયમાં હૉટલોની ધણી આવશ્યકતા છે. તેથી હૉટલોના માલિકોએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન કરવું જ જોઈએ. હૉટલોમાં વપરાતું પાણી શુદ્ધ હોય, તેમાં કામ કરતા માણસો સ્વચ્છતા જાળવે, તેમાં પીરસાતી વાનગીઓ સ્વાથ્યને નુકસાનકર્તા ન હોય તે જોવાની જવાબદારી સરકાર અને હૉટલોના માલિકોની છે. જો આટલું થઈ શકે તો હૉટલો સમાજ માટે આશીર્વાદરૂપ બની રહેશે.