પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati: સમય બદલાયો છે. તે પ્રમાણે દરેકે પોતાનાં રસ અને રુચિ પ્રમાણેનું શિક્ષણ મેળવવું એ સમયની માંગ છે. મનુષ્યના જીવનનો સુવર્ણયુગ એટલે વિદ્યાર્થી અવસ્થાનો સમયગાળો. વિદ્યાર્થી અવસ્થામાં ભવ્ય કારકિર્દી ઘડવાનાં સ્વપ્ન સાકાર કરવાનાં હોય છે. આ સમય દરમિયાન શરીરમાં ઉત્સાહ, તરવરાટ, તમન્ના, સ્કૂર્તિ, શક્તિ અને પ્રબળ ઇચ્છાશક્તિ દરેક વિદ્યાર્થીમાં જોવા મળે છે. વિદ્યાર્થીજીવનમાં મિત્રો સાથેની દોસ્તી, શાળાજીવનનો નિર્દોષ આનંદ, મસ્તીનો સુભગ સમન્વય સાંપડે છે. હરવા-ફરવાની સ્વતંત્રતા, ધરમાં વડીલોનો પ્રેમ, શાળામાં શિક્ષક સાથેની આત્મીયતા, મિત્રોની મુક્ત રંગત વગેરે વિદ્યાર્થીના આનંદમાં અનેરી રોનક બક્ષે છે. આવા સરસ મજાના દિવસોમાં વિદ્યાર્થીઓને સતત ડંખતો અને સતાવતો પ્રશ્ન હોય તો તે છે પરીક્ષા..
પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati
વિદ્યાર્થીના અભ્યાસકાળ દરમિયાન તેને પરીક્ષારૂપી રાક્ષસ સતત ડરાવે છે, તેના માનસને જંપવા દેતો નથી. પરીક્ષા એ શબ્દો કાને પડતા જ વિદ્યાર્થીના મનમાં ભયની લાગણી જન્મે છે. શાળામાં પરીક્ષાની જાહેરાત કરવામાં આવે ત્યારથી વિદ્યાર્થીની ચિંતા શરૂ થાય છે. પરીક્ષા પૂરી થાય ત્યારે જ તે હાશ અનુભવે છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી ડીપ્રેશનનો ભોગ બને છે. તેનાથી ઘણા માનસિક રોગના પણ ભોગ બને છે. ક્યારેક તો પરીક્ષાના ડરથી વિદ્યાર્થી પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દે છે.
પરીક્ષાના દિવસો જેમજેમ નજીક આવતા જાય તેમતેમ વિદ્યાર્થીની માનસિક ચિંતા અનેકગણી વધતી જાય છે. તેનાથી તેની યાદશક્તિ પણ નબળી પડવા લાગે છે, તો પરીક્ષાની આગલી રાત એટલે તો કતલની રાત, ખાસ કરીને અરુચિકર વિષયની પરીક્ષાની આગલી રાત એટલી ભયંકર રીતે પસાર થાય છે કે પ્રશ્નપત્ર પૂરું થયા પછી જ નિરાંત થાય. ત્યાં સુધી વિદ્યાર્થી સતત ચિંતિત રહ્યા કરે છે. આગલી રાતે તૈયારી કરતી વખતે શું પુછાશે, કેવું આવડશે, છેલ્લે શાની તૈયારી વધુ કરવાની જરૂર છે, વગેરે બાબતો અંગે મનમાં સતત પ્રશ્નો ઊઠે છે. મન બેચેન બને છે. આ બધી બાબતો વિદ્યાર્થીના સ્વાથ્ય અને તેના વાલી માટે ચિંતાનો વિષય બને છે.
આ પરીક્ષાનો ડર દૂર કરવા વિદ્યાર્થી, વાલી અને સંસ્થા દ્વારા નીચેનાં પગલાં ભરવામાં આવે, તો વિદ્યાર્થી ચોક્કસ પરીક્ષાના ડરમાંથી ઉગરી શકશે :
વિદ્યાર્થીએ શું કરવું?
(1) વિદ્યાર્થીએ પરીક્ષાની જાહેરાત થાય ત્યારે જ તેની તૈયારી કરવાને બદલે વર્ષની શરૂઆતથી જ વર્ગમાં ચાલતા પાઠ કે પ્રકરણની દરરોજ નિયમિત તૈયારી કરતાં જવું. ન સમજાય તેવી બાબતો શાળામાં જે-તે શિક્ષકને પૂછી સમજી લેવી.
(2) નિયમિત રીતે ચાલેલા અભ્યાસનું વાચન કરી લેવું. બીજા દિવસે વર્ગમાં ચલાવવાના પાઠ કે પ્રકરણને પણ વાંચી, સમજીને જવું. જેથી અભ્યાસના સમયે ન સમજાય તો પ્રશ્ન પૂછી શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકાય.
(3) પરીક્ષા એ વિદ્યાર્થી અવસ્થામાં અનિવાર્ય છે. તેનાથી ગભરાવા કરતાં પૂરતી તૈયારીથી તેનો સામનો કરવા પહેલેથી જ સજ્જ થવું.
(4) પરીક્ષાના દિવસો દરમિયાન દરરોજની જેમ જ વાંચવું. ઉજાગરા કરીને વાંચવું નહીં.
( 5) પરીક્ષાથી ડરવાની જરૂર નથી. શાળામાં શિક્ષકો તરફથી આપવામાં આવતી પરીક્ષા અંગેની સૂચનાઓ નિયમિત તૈયારી નહીં કરતા વિદ્યાર્થી માટે છે, આપણા માટે નથી.
વાલીએ શું કરવું?
(1) પોતાનું બાળક નિયમિત રીતે અભ્યાસ કરે તે માટે પહેલેથી ધ્યાન આપવું. તેને નિયમિત અભ્યાસ કરવાના ફાયદા સમજાવવા.
(2) પરીક્ષાના દિવસોમાં પોતાનું બાળક ખોટી ચિંતા ન કરે તેની કાળજી રાખવી.
(3) પોતાના બાળકની સંગત કેવી છે, તે ખાસ જાણવું. બાળકની સંગત ખરાબ હોય તો તેને સમજાવીને સંગત બદલાવવી.
(4) બાળક પરીક્ષાની શાંત ચિત્તે તૈયારી કરે તે જોવું.
(5) પોતાનું બાળક સારા ગુણ મેળવે તે અપેક્ષા હોય, પરંતુ તે બાબત પોતાના બાળક પર (આટલા ટકા આવવા જ જોઈએ) એવી જબર્દસ્તી કરવી નહીં.
શાળાએ શું કરવું?
(1) વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરતા થાય તેની સતત કાળજી રાખવી.
(2) વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાની તૈયારી અંગે પહેલેથી જ માર્ગદર્શન આપવું.
(3) શાળા તરફથી પરીક્ષાનો હાઉ ઊભો ન કરવો.
(4) પરીક્ષાના સમયમાં જ તૈયારી કરવાના બદલે વિદ્યાર્થીઓ નિયમિત, રોજેરોજનો અભ્યાસ કરતા થાય તેવી તેમને સુટેવ પાડવી.
(5) વિદ્યાર્થીના વાલીને બોલાવી તેમને સૂચના આપવી કે વધારે ટકા મેળવવા માટે તેમના પાલ્ય પર ખોટું દબાણ કરી, વધારે પડતી અપેક્ષાઓ ન રાખવાની સૂચન અને માર્ગદર્શન શાળા તરફથી આપવાં.
(6) વાલીઓને પહેલેથી જ પોતાનું પાલ્ય નિયમિત રીતે અભ્યાસ કરવાની ટેવ કેળવે તેનું ધ્યાન રાખવાની સૂચના આપવી.