જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ The Importance of Honesty in life Essay in Gujarati: જીવનવ્યવહારમાં સુખપ્રાપ્તિ માટે, અંગ્રેજીમાં પણ એક ડહાપણ ભૂલી ઉક્તિ છે – Honesty is the best Policy, એટલે કે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ પ્રથા છે, છતાં પ્રામાણિક માણસોની સંખ્યા દિવસેદિવસે ઘટતી જાય છે. સંખ્યાનું ઘટવાનું કારણ મનુષ્યની લોભવૃત્તિ છે.
જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ The Importance of Honesty in life Essay in Gujarati
લોભ એ માણસજાતનો મોટામાં મોટો શત્રુ છે. લોભને કારણે માણસ ખોટું કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. સમાજમાં અપ્રામાણિકતાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો એને સહજ માનવા લાગ્યા છે. નૈતિકતાનું આવું અધઃપતન ખરેખર અસહ્ય છે.
કુદરત દરેક માણસને તેની લાયકાત મુજબનું સ્થાન આપે છે અને જરૂરિયાત જેટલું ધન આપે છે. મનુષ્યને તેની મહેનત જેટલું વળતર મળે છે. આટલા વળતરમાં ઘણા લોકો ખુશીથી તેમનો જીવનનિર્વાહ કરે છે. કેટલાક લોકો આળસુ અને લોભી હોય છે. તેમને કામ કરવામાં ઓછો અને પૈસા મેળવવામાં વધુ રસ હોય છે. તેમને લાયકાત અને મહેનતના પ્રમાણમાં જે મળે છે, તેનાથી સંતોષ થતો નથી. તેમને પુષ્કળ ધન-દોલત અને સુખસગવડ જોઈએ છે – તે પણ મહેનત કર્યા વગર અને ઝડપથી. આ લોકો અધિકાર કરતાં વધારે સંપત્તિ મેળવવા માટે અપ્રામાણિકતા આચરે છે. આ રીતે મળેલું ધન પાપની કમાણી છે. તે માણસને કદાચ ભૌતિક સુખ આપી શકે પણ મનની શાંતિ ન આપી શકે. ખોટી રીતે કમાયેલું ધન ચોરી, લૂંટ, કુદરતી આફત, આગ-અકસ્માત, વ્યસન કે જીવલેણ બીમારી જેવી સમસ્યાઓને નોતરું આપે છે અને પોતાનો રસ્તો કરી લે છે. સરકારની નજર પડી જાય તો બધી મિલકત જપ્ત થાય અને જેલની સજા થાય ! સમાજમાં બદનામી થાય અને કુટુંબીજનોની નજરમાં નીચા પડી જવાય. હાથે કરીને આવી ઉપાધિ ઊભી જ શા માટે કરવી ? તેના કરતાં ‘સંતોષી નર સદા સુખી’નો સિદ્ધાંત જ સૌથી સારો છે. આપણી મહેનતનું જે વળતર મળે છે, તે પૂરતું છે. મને વધારે ધનની જરૂર હશે તો હું વધુ મહેનત કરીશ. અણહકનું ધન મેળવવાનો પ્રયત્ન નહીં જ કરું. પ્રામાણિકતાનું આચરણ કરવાથી સુખસગવડો કદાચ ઓછાં મળશે, પણ નિરાંત અને શાંતિ તો મળશે જ, વ્યક્તિની પ્રામાણિકતા સાથે માત્ર તેનું એકલાનું જ નહીં, પરિવાર, સમાજ અને દેશનું પણ હિત જોડાયેલું છે. દેશમાં રહેલી સંપત્તિ મારા એકલાની નથી, તમામ દેશવાસીઓની છે. તમામ મહેનતકશ લોકોનો એમાં હિરસો રહેલો છે. આપણે પ્રામાણિક રહીએ અને અણહકનું ધન ન લઈએ તો જ સૌને તેમના હિરસાનું ધન મળી શકે. સોને તેમનો હિસ્સો મળે તો સૌ સુખી થાય. સર્વે જનાઃ સુખિતઃ સન્તુઃ સર્વે સન્તુ નિરામયાઃ અર્થાત્ સૌ સુખી અને નીરોગી રહે એ આપણી સંસ્કૃતિનો મુદ્રાલેખ છે.
બીજાઓ પાસે અપેક્ષા રાખવાને બદલે મારે મારાથી જ સારી શરૂઆત કરવી જોઈએ. એટલે કે હું સુધરું તો જ દેશ સુધરશે. હું પ્રામાણિક હોઈશ. તો બીજાઓ પણ પ્રામાણિક થશે. અપ્રામાણિકતાથી ક્ષણિક સુખ કદાચ મળતું હશે, પણ લાંબા ગાળે દુઃખ જ દુઃખ મળે છે. જ્યારે પ્રામાણિકતાથી તો માત્ર સુખ જ સુખ મળે છે. જીવનમાં પ્રામાણિકતાનું આ મહત્ત્વ સૌએ સમજવું જોઈએ.