ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati:
“ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી હૈ.”
ખુશામત કોને નથી ગમતી ? કોઈ પણ વ્યક્તિને તેની કોઈ ખુશામત કરે તે ગમે છે. જીવનના દરેક ક્ષેત્રમાં ખુશામતખોરોનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. જે વ્યક્તિ ખુશામત કરવાની કળામાં નિપુણ હોય, તેને જીવનમાં સફળતા મળે છે.
ખુશામત એક કળા પર નિબંધ the Art of Compliment Essay in Gujarati
ખુશામતની કળા પ્રાચીનકાળથી માનવીને મળેલી છે. યુદ્ધ વખતે ભાટચારણો સૈનિકોની ખુશામત કરીને તેઓને લડવા માટેનું શૂરાતન ચડાવતા. તેઓ રાજામહારાજાઓની ખુશામત કરીને એમની પાસેથી મોટીમોટી ભેટો મેળવતા. આજના યુગમાં લોકો બાળકથી માંડીને મોટામોટા અમલદારો અને પ્રધાનોની ખુશામત કરે છે. બાળકની ખુશામત કરીને માણસો તેની પાસેથી નાનાંનાનાં કામો કરાવી લે છે. બાળક પણ તેનાં માતાપિતા કે વડીલોની ખુશામત કરીને તેમની પાસેથી પોતાને જોઈતી વસ્તુઓ મેળવી લે છે. નોકર શેઠની ખુશામત કરીને પગારવધારો કે બોણી મેળવે છે. કારકુન તેના ઉપરી અધિકારીની ખુશામત કરીને પોતાની રજા મંજૂર કરાવી લે છે. વિદ્યાર્થી શિક્ષકની ખુશામત કરીને શાળામાંથી રજા મેળવી લે છે. કેટલાક લોકો પટાવાળાની ખુશામત કરીને ઉપરી અધિકારીઓ સુધી પહોંચી જાય છે. લોકો પ્રધાનોની ખુશામત કરીને તેમની પાસેથી પોતાનાં ખરાખોટાં કામો કરાવી લે છે. પ્રધાનો લોકોની ખુશામત કરીને તેમના મત મેળવી લે છે. અમલદારો પોતાના કારકુનોની ખુશામત કરીને તેમની પાસેથી પોતાનાં ઘણાં બધાં અંગત કામો કરાવી લે છે.
આમ, ખુશામત કરવામાંથી કોઈ બાકાત નથી. ભિખારીઓ ખુશામત કરવામાં ઘણા હોશિયાર હોય છે, ખુશામતની સાથેસાથે મોં પર દયામણા હાવભાવ લાવીને તેઓ લોકોના હૃદયમાં દયા જગાવીને તેમની પાસેથી ભીખ મેળવે છે. કેટલાક ધર્મગુરુઓ અને તેમના અનુયાયીઓ જરૂર પડ્યે એકમેકની ખુશામત કરે છે, ખુશામતની કળા પક્ષીઓ અને પ્રાણીઓ પાસે પણ હોય છે. કૂતરો તેની પૂંછડી પટપટાવીને પોતાના માલિકની ખુશામત કરે છે. બિલાડી તેના માલિકના ખોળામાં આળોટીને અને તેને જીભથી ચાટીને તેની ખુશામત કરે છે. સિનેમાની ટિકિટ મેળવવા, પ્રવેશફૉર્મ મેળવવા, મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન કરવા એમ અનેક કામો કરાવવા માટે ખુશામત અસરકારક સાબિત થાય છે.
ખુશામત અને સત્ય વચ્ચે ભેદ છે એમ ખુશામત અને પ્રશંસા વચ્ચે પણ ભેદ છે. ખુશામતમાં વ્યક્તિનાં વધુ પડતાં અને ક્યારેક ખોટાં વખાણ કરવામાં આવે છે. ખુશામત કરનાર વ્યક્તિ બીજાના વખાણવા લાયક ગુણો જાણી લે છે. તેની વાણીમાં અતિ મીઠાશ હોય છે. બીજી તરફ પોતાની ખુશામત સાંભળી ખુશ થઈ જનાર વ્યક્તિને લાંબા ગાળે નુકસાન થાય છે. એવી વ્યક્તિને પોતાના દોષો દેખાતા નથી એટલે તેને સુધારવાની તક મળતી નથી. વળી આવી વ્યક્તિને સાચુંખોટું તારવવામાં ઘણી મુશ્કેલી પડે છે.
ખુશામત જીભનો ગુણધર્મ છે. આ કળામાં પાવરધા થવા માટે જીભમાં મીઠાશ હોવી જરૂરી છે પરંતુ તે સાચી વાતને ઢાંકી રાખે એટલી હદે વિકસવી ન જોઈએ. વળી નિયમ વિરુદ્ધનાં કામો કરાવવા માટે આપણે ખુશામતનો આશરો લેવો ન જોઈએ. ખુશામતનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કોઈનેય નુકસાન ન થાય. ખુશામતની કળા કોઈની ચમચાગીરીની હદે તો ન જ પહોંચવી જોઈએ.