વિદ્યાર્થી અને શિસ્તપાલન પર નિબંધ Student and Discipline Essay in Gujarati: શિસ્ત વિનાનું જીવન એટલે બ્રેક વિનાનું વાહન. વિદ્યાર્થીકાળમાં શીખેલા શિસ્તના પાઠો આગળ જતાં જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થાય છે.
વિદ્યાર્થી અને શિસ્તપાલન પર નિબંધ Student and Discipline Essay in Gujarati
આજે શાળાકૉલેજોના વિદ્યાર્થીઓમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. તેમાં પણ કૉલેજના વિદ્યાર્થીઓ હાજરી બાબતે ખૂબ અનિયમિત હોય છે. તેઓ વર્ગમાં ધ્યાન દઈને ભણતા નથી. કેટલીક વાર વિદ્યાર્થીઓમાં જૂથબંધી એટલી બધી વકરી જાય છે કે તેઓ છૂટા હાથની મારામારી કરતાં અચકાતા નથી. આવા વિદ્યાર્થીઓ અધ્યાપકને આદર આપતા. નથી, તેઓ અવિનયથી વર્તે છે. તેમનામાં સભ્યતાનો અભાવ વરતાય છે. આરામના સમયે તેઓ એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરે છે. તેમાંથી ઘણી વાર મારામારીના બનાવો પણ બને છે.
શાળાકૉલેજના સમય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સિનેમાહૉલમાં પહોંચી જાય છે. તેઓ શિક્ષકો અને માબાપની શિખામણ કાને ધરતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ મોડી રાત. સુધી અહીંતહીં ભટક્યા કરે છે.
કેટલાક વિદ્યાર્થીઓ શિસ્તપાલનના આગ્રહી હોય છે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ તેમને ‘વેદિયા’માં ખપાવી પરેશાન કરે છે. કેટલાક માથાભારે વિદ્યાર્થીઓ આચાર્ય અને અધ્યાપકો પાસે દાદાગીરી કરીને ખોટાં કામ કરાવવા દબાણ કરે છે. આજે શાળાકૉલેજોમાં શિક્ષણકાર્ય કરવું અને શિસ્તનું ધોરણ જાળવવું તે આચાર્ય અને અધ્યાપકો માટે વિકટ પ્રશ્ન બની ગયો છે.
પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને ભણતા ત્યારે વિદ્યાર્થીઓમાં શિસ્ત, વિનય, વિવેક જોવા મળતાં. એ જમાનામાં જીવન માટે શિક્ષણ હતું, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, હતું. ગુણો – સદ્ગણોની ઉપાસના હતી. આજે પરીક્ષાલક્ષી શિક્ષણમાં એ બાબત બાજુ પર હડસેલાઈ ગઈ છે. ગોખણપટ્ટી છે, સ્પર્ધા છે, વિદ્યાર્થી રેસનો ઘોડો છે. જીવન અને શિસ્તના પાઠ એના અભ્યાસક્રમમાં નથી.
શાળા-કૉલેજોમાં શિસ્ત કથળવાનાં અનેક કારણો હોઈ શકે. કેટલીક શાળાકૉલેજોમાં પૂરતા પ્રમાણમાં અધ્યાપકો હોતા નથી. વળી, તેઓ નિયમિત રહેતા નથી. તેઓ વિદ્યાર્થીઓમાં રસ લઈને એમને પ્રેમપૂર્વક ભણાવતા નથી. પરીક્ષાઓમાં ચોરીઓ થતી હોય, પેપરો ફૂટતાં હોય કે અધ્યાપકો પક્ષપાતભર્યું વલણ દાખવતા હોય તોપણ વિદ્યાર્થીઓમાં ગેરશિસ્ત ફૂલેફાલે છે. શાળા કૉલેજોમાં ઇતર પ્રવૃત્તિઓને પૂરતા પ્રમાણમાં મહત્ત્વ આપવામાં આવતું નથી. અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે આત્મીયતા વધે, ઉપરાંત વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોની સમજ વિકસે.
ઘણી વાર શાળાના આચાર્ય અને અધ્યાપકો વચ્ચે, તેમજ અધ્યાપકો અને સંચાલકો વચ્ચે સુમેળનો અભાવ હોય છે. તેથી વિદ્યાર્થીઓની પ્રગતિ માટે યોગ્ય આયોજન થઈ શકતું નથી. પરિણામે વિદ્યાર્થીઓમાં અસંતોષ અને ગેરશિસ્ત વધે છે. ઘણી વાર રાજકારણીઓ પણ વિદ્યાર્થીઓને હાથા બનાવી ગેરશિસ્તનું વાતાવરણ ઊભું કરાવે છે.
વિદ્યાર્થીઓમાં શિસ્ત હોવી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓમાં શિસ્ત કેળવવા માટે શાળા- કૉલેજના આચાર્યોએ યોગ્ય ઉપાયો કરવા જોઈએ. કડક નિયમોથી લાદેલી શિસ્ત ભયપ્રેરિત હોય છે. આવી ભયપ્રેરિત શિસ્તથી લાંબા ગાળે વિદ્યાર્થીઓને તથા સંસ્થાને નુકસાન થાય છે, એટલે વિદ્યાર્થીઓમાં સ્વયંશિસ્ત કેળવાય તે અત્યંત જરૂરી છે. તે માટે અધ્યાપકોએ વિદ્યાર્થીઓની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખવો જોઈએ.
શાળાકૉલેજોમાં સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવી જોઈએ. વખતોવખત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા જોઈએ. આવા કાર્યક્રમો યોજવાથી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નજીક આવશે. એકમેક પ્રત્યે સ્નેહ અને આદર વધશે પરિણામે વિદ્યાર્થીઓમાં શિસ્ત અંદરથી ઊગશે.
સૌના સહિયારા અને પ્રામાણિક પ્રયત્નો વડે વિદ્યાર્થીઓમાં શિસ્ત અવશ્ય કેળવાઈ શકે.