વર્તમાન સમાજની જટિલ સમસ્યા પર નિબંધ The Social Problems of Modern India Essay in Gujarati

વર્તમાન સમાજની જટિલ સમસ્યા પર નિબંધ The Social Problems of Modern India Essay in Gujarati: દરેક સમાજને પોતપોતાના પરંપરાગત રિવાજો હોય છે. એ રિવાજો સામાજિક પ્રસંગોને આનંદમય અને ઉલ્લાસમય બનાવે છે. સમાજના રીતરિવાજોને લીધે લોકો એકબીજાની નિકટ આવી શકે છે. એને લીધે સમાજવ્યવસ્થા તંદુરસ્ત રહી શકે છે.

વર્તમાન સમાજની જટિલ સમસ્યા પર નિબંધ The Social Problems of Modern India Essay in Gujarati

વર્તમાન સમાજની જટિલ સમસ્યા પર નિબંધ The Social Problems of Modern India Essay in Gujarati

સામાજિક રીતરિવાજોમાં સમય સાથે પરિવર્તન થવું જરૂરી છે, તેમ છતાં રિવાજો કુરિવાજો બની જાય અથવા જડ રૂઢિ સ્વરૂપે કાયમી બની જાય ત્યારે તે સામાજિક દૂષણ બની જાય છે. આપણા સમાજમાં આવા ઘણા કુરિવાજો પ્રચલિત છે, કુરિવાજો સમાજવ્યવસ્થાને નાદુરસ્ત કરે છે.

દહેજપ્રથા એ આપણા સમાજનો સૌથી વ્યાપક કુરિવાજ છે. લગ્નપ્રસંગે કન્યાપક્ષ તરફથી વરપક્ષને આપવામાં આવતી સ્વૈચ્છિક ભેટ સ્વીકાર્ય હોઈ શકે, પરંતુ વરપક્ષ તરફથી બળજબરીથી માગવામાં આવતી દરેક ચીજ એ દહેજ છે. ઘણી વાર કન્યાપક્ષવાળા દહેજ આપતાં થાકી જાય, પણ વરપક્ષવાળાની માગણીઓનો અંત જ આવતો નથી. કન્યાના પિતાની કમર તોડી નાખે એવો આ કુરિવાજ માત્ર અભણ કુટુંબોમાં જ નહિ, સુશિક્ષિત અને સમાજમાં જે વિકાસશીલ કુટુંબો છે, તેમાં પણ આજે પ્રચલિત છે. કન્યાના પિતાએ જો ઓછું દહેજ આપ્યું હોય તો વરપક્ષના લોકો કન્યાને મહેણાંટોણાં મારવામાં અને ત્રાસ આપવામાં જરાય કસર રાખતાં નથી, પરિણામે અનેક કોડભરી યુવતીઓ આપઘાત કરવા પ્રેરાય છે તો કેટલીક કોડભરી નવવધૂઓને સાસરીપક્ષના લોકો દ્વારા મારી નાખવામાં આવે છે. ત્રણચાર દીકરીઓનો પિતા તો દહેજ માટે આખી જિંદગી ઢસરડા કરીને અધમૂઓ થઈ જાય છે. ક્યાં સુધી આ કુરિવાજને આપણે ચલાવી લઈશું? એનો અંત લાવવો જ રહ્યો. કેટલાક સમય પહેલાં દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ હતો. આજે આ રિવાજ નવા સ્વરૂપે ચાલે છે. સોનોગ્રાફી દ્વારા ખબર પડે કે દીકરી છે કે તરત ગર્ભપાત ! જોકે હવે આવા દીકરા-દીકરી નિદાન-પરીક્ષણ પર કાયદાકીય પ્રતિબંધ છે. કેટલીક ફાાતિઓમાં વિધવાવિવાહને આજે પણ માન્યતા મળતી નથી. વળી, કેટલાક સમાજોમાં બાળલગ્નો પણ થતાં જોવા મળે છે.

ઘણા સમાજોમાં લગ્નપ્રસંગે તેમજ મરણપ્રસંગે ભારે ખર્ચ કરવામાં આવે છે. દેખાદેખીમાં કે સંજોગોવશાત્ આવા ખોટા ખર્ચામાં ગરીબ માણસ તણાઈ જાય છે, એટલે આવા ખોટા ખર્ચા પર પણ અંકુશ મુકાવો જોઈએ.

સમાજમાં પુત્રજન્મને આજે પણ વધારે મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે પુત્રીના જન્મ વખતે ઉત્સાહ જોવા મળતો નથી. આવો ભેદભાવ શા માટે ? આવા ભેદભાવપૂર્ણ વ્યવહારથી આપણે દીકરીનું કેવું અપમાન કરતાં હોઈએ છીએ ! પુત્ર મેળવવા માટેની લખનામાં ઘણાં કુટુંબોમાં સંતાનોનું પ્રમાણ વધતું જાય છે. આવી રીતે તો આપણા દેશની વસ્તીવિસ્ફોટની સમસ્યાનો અંત ક્યારેય નહિ આવે.

મહાન સમાજસેવક રાજા રામમોહનરાયના ભાઈનું અવસાન થયું ત્યારે એમનાં ભાભીને બળજબરીથી તેમના મૃત પતિની ચિતામાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. આ બનાવથી હચમચી ઊઠેલા રાજા રામમોહનરાયે એ રિવાજ સામે ઝુંબેશ ઉપાડી અને નાબૂદ કરાવ્યો. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાથી કેટલાક કુરિવાજોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિધવાવિવાહ થવા લાગ્યા છે. બાળલગ્નો ઓછાં થયાં છે. એ જ રીતે સ્વજનના મરણ પછી રડવાકુટવાના અને જમણવાર કરવાના રિવાજો પણ કેટલીક જ્ઞાતિઓમાં નામશેષ થઈ ગયા છે. આ બાબતો આવકારદાયક છે. હવે ઘણી જ્ઞાતિઓમાં સમૂહલગ્નો યોજવામાં આવે છે. તેથી લગ્નપ્રસંગે દેખાદેખીથી કરવામાં આવતા જંગી ખર્ચા ઓછા થયા છે. આમ છતાં, દહેજપ્રથાનું દૂષણ હજી નાથી શકાયું નથી. આ દૂષણ આજની યુવાપેઢી માટે પડકારરૂપ છે. આજે દરેક યુવાન વ્યક્તિ એવો સંકલ્પ કરે કે, “હું દહેજ આપીશ નહિ કે દહેજ લઈશ નહિ.’ તો જ આ સામાજિક કુરિવાજનો અંત આણી શકાશે.

રેડિયો, ટીવી અને વર્તમાનપત્રો જેવાં પ્રસારમાધ્યમો પણ આવા કુરિવાજોને નાબૂદ કરવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.