પાણી બચાવો – પ્રાણી બચાવો પર નિબંધ Save Water Save Life Essay in Gujarati

પાણી બચાવો – પ્રાણી બચાવો પર નિબંધ Save Water Save Life Essay in Gujarati OR Pani Bachavo Prani Bachavo Gujarati Nibandh: પૃથ્વી પર એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણી છે, છતાં કેટલાય દેશો પાણીની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. દિવસેદિવસે આ જળસંકટ વિકટ ને વિકટ થતું જાય છે. ઘણા લોકો એવું માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને માટે લડાશે.

પાણી બચાવો - પ્રાણી બચાવો પર નિબંધ Save Water Save Life Essay in Gujarati

પાણી બચાવો – પ્રાણી બચાવો પર નિબંધ Save Water Save Life Essay in Gujarati

આપણા દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. વધતી જતી વસ્તી માટે ખોરાક, કપડાં અને મકાનની માંગ સતત વધતી જાય છે. એ ત્રણેયના ઉત્પાદન માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. ઉપરાંત પીવા માટે અને નહાવા-ધોવા માટે પણ રોજ પાણીની જરૂર પડે છે.

જીવનમાં ડગલે ને પગલે પાણીની જરૂર પડે છે. તેથી જ પ્રાચીન કાળથી મનુષ્ય નદીકિનારે વસવાટ કરે છે. નદીઓ મનુષ્ય માટે વરદાનરૂપ છે, તેથી જ તેમને લોકમાતા’ કહેવામાં આવે છે. નદીઓએ માનવજાતને ખેતી કરવા માટે કાંપનાં મેદાનો, જંગલો અને અખૂટ પાણી આપ્યું, નદીઓની મદદથી મનુષ્ય સુખી અને સમૃદ્ધ બન્યો, પણ તેણે નદી અને જંગલને સાચવ્યાં નથી, મનુષ્યની સ્વાર્થવૃત્તિને કારણે નદીનાં પાણી દૂષિત થયાં છે અને ભૌતિક લાલસાને કારણે જંગલો કપાતાં રહ્યાં છે.

દેશના કેટલાય ભાગોમાં ખેતી અને પીવાલાયક પાણી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. જંગલોની ઘટને લીધે દર વર્ષે વરસાદ ઘટતો જાય છે. કૂવા-વાવ અને તળાવોની જગ્યા સિમેંટ-કૉકીટનાં જંગલોએ લઈ લીધી છે. ભૂગર્ભ જળ ઝડપથી ખાલી થઈ રહ્યું છે. પાણી એ કુદરતની નીપજ છે. તે પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી, એટલે પાણી નહીં બચે તો પ્રાણી પણ બચી શકશે નહીં. આપણે ઘરમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આપણે પાણી વાપરતા નથી, વેડફીએ છીએ. આપણે સહેજ આત્મખોજ કરતાં થઈએ તો ખ્યાલ આવશે કે કરકસરથી આપણે કેટલું પાણી બચાવી શકીએ એમ છીએ. કુદરતી સંપત્તિનો વિવેકથી ઉપયોગ કરવો મનુષ્યની સામાજિક જવાબદારી છે.

પાણીના અભાવે પ્રાણીસૃષ્ટિ નાશ પામે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. આપણે એવો સંકલ્પ કરીએ કે જરૂરી હોય એટલું જ પાણી વાપરીશું. પાણીનું એક પણ ટીપું નકામું વેડફીશું નહીં. આપણે પાણી બચાવીશું તો પાણી આપણને બચાવશે. પાણી બચશે તો પ્રાણી પણ આપોઆપ બચી શકશે.