વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati

વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati: વર્ષાની સાંજે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આપણને એવું લાગે કે જાણે ક્યાંક વીણાના તાર ઝણઝણી રહ્યા છે અને તેના મધુર સૂરો હવામાં ફેલાઈ રહ્યા છે. ગામડામાં સંધ્યા સમયે ખેડૂતો ખેતરેથી ઘરે આવી રહ્યા હોય, માથે શણની ગૂણી ઓઢી હોય કે ધણ ભીંજાતાંભીંજાતાં ઘરભણી પાછાં ફરતાં હોય – ગામડાંમાં જોવા મળતાં આવાં દશ્યો આંખોને ઠારે તેવાં હોય છે.

વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati

વર્ષાની એક સાંજ પર નિબંધ Rainy Day Essay in Gujarati

વર્ષની સાંજનાં વિવિધ રૂપો જોવાની અને માણવાની મજા અનેરી હોય છે. સંધ્યાનાં આવાં અવનવાં રૂપોમાં કેટલીક ખાસિયતો સર્વસામાન્ય હોય છે. સાંજના સમયે મંદિરોમાં આરતી થતી હોય છે. તેની ઝાલરના રણકાર અને ઘંટારવ વાતાવરણને પવિત્ર બનાવી દેતા હોય છે. એ જ રીતે ખેતરેથી પાછા ફરતા ખેડૂતો અને ચરાણેથી પાછાં વળતાં ઘણ સાંજને જીવંત બનાવી દે છે. ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓના રણકાર સાંજના વાતાવરણને મધુરતાથી ભરી દે છે. આથમણી ક્ષિતિજે રેલાતા સંધ્યાના રંગો અને પંખીઓના કલરવ એ સાંજને અનુપમ સૌંદર્ય બક્ષે છે.

વર્ષાની સાંજનાં નવાંનવાં રૂપો ખરેખર મન ભરીને માણવા જેવાં હોય છે.

“ફૂલો કહી રહ્યાં હતાં ઊડતા વિહંગને,
વર્ષાની સાથે માણીએ પહેલી સુગંધને.” –
– કૈલાસ પંડિત

દિવસભર પ્રવૃત્ત રહેવા માટે જેમ તાજગીભરી સવાર આવશ્યક છે, તેમ દિવસભર કામકાજમાં વ્યસ્ત રહ્યા પછી વિસામો લેવા માટે સાંજ પણ જરૂરી બને છે. ઋતુએ ઋતુએ સવાર અને સાંજનાં નવાંનવાં રૂપો પ્રગટે છે. તેમાં પણ વર્ષાઋતુની દરેક સાંજના સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે.

વર્ષાઋતુમાં સંધ્યા સમયે ક્યારેક પૂર્વ દિશામાં મેઘધનુષ્ય દેખાય છે. ગગનમાં પ્રસરી રહેલી સંધ્યાની લાલિમા વચ્ચે સપ્તરંગી મેઘધનુષ્ય અનેરી આભા રચે છે. પ્રકૃતિની આ રમ્ય લીલા આબાલવૃદ્ધ સૌને હરખઘેલાં બનાવી દે છે.

એક સાંજે આકાશમાં ઘનઘોર વાદળાં ઘેરાયાં. જોતજોતામાં રાતના જેવું અંધારું છવાઈ ગયું. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ થવા લાગ્યા. એટલામાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ચારે બાજુ દૉડધામ મચી ગઈ. શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓ અને કચેરીએથી છૂટેલા કર્મચારીઓ જલદીજલદી ઘરભેગા થવા રઘવાયા બની ગયા. વરસાદની એવી જોરદાર હેલી વરસી રહી હતી કે એમાં છત્રી અને રેઇનકોટનું તો શું ગજું ? ઠેરઠેર પાણી ભરાવા લાગ્યાં. રસ્તે ચાલતાં વાહનો ખોટકાઈ પડ્યાં. રસ્તે રઝળતાં ઢોર વરસાદથી બચવા માટે કોઈક છાપરાની નીચે આશરો લેવા લાગ્યાં. વીજળીના ચમકારા અને વાદળાંની ગર્જનાઓથી ચારે બાજુ ભયનું વાતાવરણ સર્જાઈ ગયું. અનાધાર વરસાદનો આ અનુભવ ખરેખર ભયાનક હતો. વર્ષાઋતુની આવી તોફાની સાંજ જોયા પછી ક્યારેક વર્ષા વગરની સાંજ પણ રૂડીરૂપાળી લાગે છે.