વર્તમાનપત્રો પર નિબંધ News Papers Essay in Gujarati OR Vartaman Patro Guajrati Nibandh: લાખ બેયોનેટ કરતાં ત્રણ છાપાંથી હું વધારે ડરું છું.” – નેપોલિયન
વર્તમાનપત્રને જગતની મહાસત્તા ગણવામાં આવે છે. આપણા દેશમાં પત્રકારોને ‘ચોથી. પેઢી’ કહેવામાં આવે છે. વર્તમાનપત્રની શરૂઆત ચીન અને રોમમાં થઈ હોવાનું મનાય છે. વર્તમાનપત્રની ઉંમર આજે ત્રણસો વર્ષ જેટલી થવા આવી છે. ‘મુંબઈ સમાચાર’ ગુજરાતી ભાષાનું પહેલું વર્તમાનપત્ર ગણાય છે. આજે તો આપણા દેશમાંથી ઘણી ભાષાઓમાં અસંખ્ય દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકો પ્રકાશિત થાય છે.
વર્તમાનપત્રો પર નિબંધ News Papers Essay in Gujarati
આજે વર્તમાનપત્રનું વાંચન આપણા માટે વ્યસન જેવું બની ગયું છે. ઊઠતાંની સાથે જ સવારે હાથમાં છાપું ન આવે તો આપણને ચેન પડતું નથી. નજીવી કિંમતમાં મળતું છાપું આપણને કેટલી બધી વાચનસામગ્રી પીરસે છે ! એ આપણને દેશના ખૂણેખૂણાના અને પરદેશના તાજા સમાચાર આપે છે. તંત્રીલેખ એ વર્તમાનપત્રનું મુખ્ય અંગ છે. તંત્રી એમાં રાજકીય, આર્થિક અને સામાજિક પ્રશ્નોની છણાવટ કરે છે.
આજનાં વર્તમાનપત્રો રાજકીય પક્ષોનું મોટે ભાગે તટસ્થ મૂલ્યાંકન કરે છે. ચૂંટણી વખતે તે લોકમત ઘડવાનું કાર્ય પણ કરે છે. તે કાનૂની પ્રશ્નોની છણાવટ કરે છે. તે વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે ભૂકંપ જેવી આપત્તિ વખતે વિનાશની હૃદયદ્રાવક તસવીરો અને અહેવાલો પ્રજા સમક્ષ રજૂ કરે છે અને અસરગ્રસ્તોને સહાય કરવાની પ્રજાને અપીલ કરે છે. આ રીતે તે લોકસેવાનું કાર્ય કરે છે. તે રોજબરોજ બનતા છેતરપિંડીના, ખૂનના અને અપહરણના કિસ્સા રજૂ કરીને લોકોને સાવધ કરે છે. તે ધાર્મિક કાર્યક્રમો, અવસાનનોંધો વગેરે વિનામૂલ્ય છાપીને લોકસેવાનું કાર્ય કરે છે.
વર્તમાનપત્રોમાં અનેક પ્રકારની જાહેરાતો છાપવામાં આવે છે. તેનાથી પ્રજાને અનેક પ્રકારની ચીજવસ્તુઓની જાણકારી મળે છે. વર્તમાનપત્રમાં નોકરી અંગેની જાહેરાતો આવે છે, તેનાથી ઘણાંને મનપસંદ નોકરી મળે છે.
હવે વર્તમાનપત્રો માત્ર સમાચારપત્રો જ નથી રહ્યાં. તે સાહિત્ય, વિજ્ઞાન, કલા, ધર્મ, સંસ્કૃતિ, સમાજજીવન, સિનેમાજગત, આરોગ્ય વગેરે વિશેના લેખો (પૂર્તિઓ) દ્વારા લોકશિક્ષણનું કાર્ય પણ કરે છે. વળી હાસ્યલેખો, વ્યંગચિત્રો, કટાક્ષલેખો, રમુજી ટુચકા વગેરે દ્વારા તે પ્રજાને નિર્દોષ મનોરંજન પણ પૂરું પાડે છે. તે બાળકો અને સ્ત્રીઓને લગતા લેખો દ્વારા તેમને ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે.
અમુક પ્રસંગે વર્તમાનપત્રો પોતાની ફરજ ચૂકી પણ જાય છે. તે સસ્તી લોકપ્રિયતા મેળવવા પાયા વગરના અને લોકોને ભડકાવનારા સમાચારો છાપે છે. તે કેટલીક વાર ધર્મ, સંપ્રદાય અને જાતિના સંકુચિત વિચારોને ઉત્તેજન આપે છે. ક્યારેક તે પ્રાદેશિકતા અને કોમવાદનું ઝેર ફેલાવે છે. તે કેટલીક વાર નાની ઘટનાને મોટું સ્વરૂપ આપીને રાષ્ટ્રીય એકતા અને શાંતિને ડહોળી નાખે છે. કેટલીક વાર તે અમુક પક્ષના હાથા બની જાય છે, ત્યારે તે પોતાની તટસ્થતા ગુમાવે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે.
દેશપ્રેમ, ત્યાગ અને બલિદાનની ગાથા ગાઈને વર્તમાનપત્રો પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા કેળવવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. વળી તે પ્રજાને સાચી સમજ આપીને પ્રાદેશિકતા, જાતિવાદ અને કોમવાદને ડામવામાં યશસ્વી ફાળો પણ આપી શકે છે.
વર્તમાનપત્રો એક મહાશક્તિ છે. આથી વર્તમાનપત્રોના તંત્રીઓ અને સંપાદકોને શિરે ઘણી મોટી જવાબદારી રહેલી છે. તેમણે દેશની જનતાને નજર સામે રાખીને તેમને સાચી દિશામાં દોરવાનું કામ કરવું જોઈએ. તેમણે સુંદર, તટસ્થ અને સમતોલ લેખો દ્વારા લોકશિક્ષણનું કાર્ય કરવું જોઈએ.