મારું સમયપત્રક પર નિબંધ My Timetable Essay in Gujarati OR Marum Samayapatraka Guajrati Nibandh: સમયપત્રક એટલે સમયનું આયોજન, એ આયોજન પ્રમાણેનો દષ્ટિપૂર્વકનો યથાર્થ પ્રયત્ન એટલે સફળતા. સફળતાની ગુરુચાવી ઉત્તમ આયોજન છે.
મારું સમયપત્રક પર નિબંધ My Timetable Essay in Gujarati
વિચારપૂર્વકનું સમયપત્રક બનાવી તેને વળગી રહેવાથી ધારી સફળતા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ સમયપત્રકનું મહત્ત્વ સમજતા નથી, તેમનો મોટા ભાગનો સમય હરવાફરવામાં, રમતગમતમાં કે ટીવીના કાર્યક્રમો જોવામાં વેડફાઈ જાય છે. તેઓ પરીક્ષા નજીક આવે ત્યારે ઉજાગરા વેઠીને અભ્યાસ કરે છે. તેથી સમગ્ર અભ્યાસક્રમનું પુનરાવર્તન થઈ શકતું. નથી, કયા. પ્રશ્નનું કેટલું અને કેવું મહત્ત્વ છે એ તેઓ સમજતા નથી. પરિણામે હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકતો નથી.
હું અત્યારે દસમા ધોરણમાં અભ્યાસ કરું છું. આ વર્ષ મારી કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનું છે. આ વર્ષના પરિણામ પર જ ભાવિ આયોજન થઈ શકે તે હું બરાબર. જાણું છું એટલે મેં શરૂઆતથી જ મારા અભ્યાસનું સમયપત્રક બનાવી દીધું છે હું તેને વળગી રહું છું. મને તેના લાભ પણ દેખાઈ રહ્યા છે. આથી મને ખાતરી છે કે હું એસ.એસ.સી ની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકીશ.
મારી શાળાનો સમય સવારનો છે. હું છ વાગ્યે ઊઠું છું. તૈયાર થઈ સાત વાગ્યે શાળાએ પહોંચે છે. શાળામાં નિયમિત હાજરી પુરાવું છું. મારા શિક્ષકો વર્ગમાં ભણાવે ત્યારે હું પૂરું ધ્યાન આપું છું. મને ન સમજાય તો તેમને પૂછું છું. બાર વાગ્યે ઘેર આવું છું. જમીને થોડો આરામ કરું છું. બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી હું શાળાનું ઘરકામ કરું છું. સાંજના ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી હું કોચિંગ વર્ગમાં જાઉં છું. ત્યાં દરરોજ બે જુદાજુદા વિષયો શિખવવામાં આવે છે. સાંજે સાત વાગ્યે ઘેર આવીને જમી લઉં છું. પછી અડધો કલાક ફરવા જાઉં છું અને અડધો કલાક ટીવીમાં આવતા કાર્યક્રમો જોઉં છું. રાતે નવથી અગિયારના સમયમાં હું મારું કોચિંગ વર્ગનું ઘરકામ કરું છું અને જુદાજુદા વિષયો વાંચું છું પછી સૂઈ જાઉં છું.
દર રવિવારે કોચિંગ વર્ગમાં પરીક્ષા લેવાય છે. તેથી દર શનિવારે હું તે વિષયની પરીક્ષાની તૈયારી કરું છું. રવિવારે સવારે આઠથી અગિયારના સમયમાં હું પરીક્ષા આપું છું. પછી ઘેર આવીને જમીને આરામ કરું છું. સાંજે હું મિત્રો સાથે ફરવા જાઉં છું. ક્યારેક મમ્મી-પપ્પા સાથે કોઈ સંબંધીને ઘરે જાઉં છું.
જાન્યુઆરી મહિનાથી શાળાએ જવાનું હોતું નથી, તેથી તે વખતના સમયપત્રકમાં મેં થોડો ફેરફાર કરેલો છે. સોમ, બુધ અને શુક્રવારે સવારે એકએક પ્રશ્નપત્રના ઉત્તરો લખવાનું મેં નક્કી કર્યું છે. તેના આગળના દિવસે જે-તે પ્રશ્નપત્રના પ્રશ્નો જોઈ જવા અને ન આવડતા પ્રશ્નોના ઉત્તરો તૈયાર કરવા એવું મારું આયોજન છે. આમ, પરીક્ષા પહેલાં મુખ્ય વિષયોનાં દસદસ પેપર્સ લખાઈ જાય એ રીતે મેં સમયપત્રકની રચના કરી છે.
સમયપત્રક બનાવતી વખતે મેં એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે મારે ક્યારેય ઉજાગરા ન કરવા પડે. મારી દૃષ્ટિએ આ મારું આદર્શ સમયપત્રક છે.
આપણે સમયને સાચવીશું, તો સમય આપણને સાચવશે.