મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati: ફુરસદમાં દરેક મનુષ્ય પોતાને ગમતી પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. કોઈ બાગકામ કરે, કોઈ નવલકથા વાંચે, કોઈ ચિત્ર દોરે, કોઈ ફોટોગ્રાફી કરે, કોઈ સંગીત શીખે, કોઈ ક્રિકેટ રમે, કૌઈ ટિકિટ સંગ્રહ કરે, કોઈ ફિલ્મીગીતો સાંભળે, કોઈ કાવ્યરચના કરે કે કોઈ વાત લખે.
મારો શોખ પર નિબંધ My Hobby Essay in Gujarati
બે વર્ષ પહેલાં મારી વર્ષગાંઠના દિવસે મારા કાકાએ મને એક સુંદર કૅમેરા ભેટ આપ્યો હતો. તેમણે મને ફોટા પાડતાં પણ શીખવ્યું હતું. ધીમેધીમે મેં ફોટોગ્રાફીની કલા હસ્તગત કરી લીધી. આજે તો ફોટોગ્રાફી મારો પ્રિય શોખ બની ગયો છે.
છેલ્લાં બે વર્ષમાં ફોટોગ્રાફીના ક્ષેત્રે મેં ઘણી પ્રગતિ કરી છે. મેં ફોટોગ્રાફીમાં નિપુણતા મેળવવા માટે આ વિષયનાં અનેક પુસ્તકો અને સામયિકો વાંચ્યાં છે. અમારા ચિત્રશિક્ષક પણ સારા ફોટોગ્રાફર છે. તેમની પાસેથી મને ફોટોગ્રાફી અંગે ઘણું શીખવા મળ્યું છે.
મેં મારા કુટુંબીજનોના અને મિત્રોના અનેક ફોટા પાડ્યા છે. મેં પાડેલા ફોટા જોઈને લોકો મારી ફોટોગ્રાફીનાં ભરપેટ વખાણ કરે છે. હું ધંધાદારી ફોટોગ્રાફર નથી. મને કુદરતને લગતા ફોટા પાડવાનું વધુ ગમે છે. ધૂળમાં રમતાં ભૂલકાં, ઝઘડો કરતાં બાળકો, દફતરનો બોજો ખભે લટકાવી નિશાળે જતાં બાળકો, વિશ્રામ કરતા મજૂરો કે ખેડૂતો, દાણા ચણતાં કે ઝધડતાં પંખીઓ, સમી સાંજે ઘર ભણી પાછા વળતા બળદો અને ખેડૂતો, ચોમાસાનાં ભર્યા ભર્યા કુદરતી દયો, ખીલેલાં ફૂલો, વરસાદના પાણીમાં ફસાયેલાં વાહનો અને વાહનચાલકો વગેરેના ફોટા મેં પાડ્યા છે. મેં આ બધા ફોટાઓનાં નાનાંનાનાં આલબમ બનાવ્યાં છે. મારા કેટલાક ફોટા સામયિકોમાં પણ પ્રકાશિત થયા છે. ગયા મહિને પ્રકાશિત થયેલા શાળાના સામયિકમાં, પોતાના નાના ભાઈની આંગળી પકડીને તેને શાળાએ લઈ જતી વિદ્યાર્થિનીનો મેં પાડેલો ફોટો છાપ્યો હતો. તે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમને સમજાવતી એક લાક્ષણિક તસવીર હતી.
ફોટોગ્રાફીના મારા શોખને લીધે મને અનેક લાભ થયા છે. કુદરતનું અવલોકન કરવાથી મારી દષ્ટિ વિકસી છે. કુદરતના સૌંદર્ય અને તેના વૈવિધ્યનું જ્ઞાન મને ફોટોગ્રાફી દ્વારા જ પ્રાપ્ત થયું છે. વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે, શાળાના વાર્ષિકોત્સવમાં અને પ્રવાસમાં તો ક્યારેક લગ્નપ્રસંગે મને ફોટા પાડવા માટે લોકો મને બોલાવે છે. એ રીતે હું થોડી કમાણી પણ કરી લઉં છું. મેં મારી કમાણીમાંથી એક કીમતી. કેમેરા ખરીદી લીધો છે. હવે તો મેં વિડિયોગ્રાફી પણ શીખી લીધી છે. મારા પિતાજી મને વિડિયો કૅમેરા ખરીદી આપવાનું કહે છે; પરંતુ હું મારી પોતાની કમાણીમાંથી જ વિડિયો કેમેરા ખરીદવા ઇચ્છું છું. ફોટોગ્રાફીના શોખથી હું ઘણી નામાંકિત વ્યક્તિઓના પરિચયમાં આવ્યો છે. આથી મારી શરમાળ પ્રકૃતિ દૂર થઈ ગઈ છે, ફોટોગ્રાફીના શોખને લીધે મારું મન હંમેશાં પ્રસન્ન રહે છે. આથી હું મારો અભ્યાસ વધુ ઉત્સાહથી કરી શકું છું.
ફોટોગ્રાફી અને મારો અભ્યાસ બંને ખૂબ સરસ ચાલે છે એનો મને આનંદ છે.