મારા પ્રિય શિક્ષક પર નિબંધ My Favourite Teacher Essay in Gujarati: જીવનનું ગણિત અટપટું હોય છે. તેમાં દરેક વખતે ધાર્યું પરિણામ આવતું નથી. જીવનમાં કોઈ પળ એવી પણ આવે છે કે વ્યક્તિ કાં તો સફળતાના શિખરે પહોંચે છે કે નિરાશાની ઊંડી ખાઈમાં પડી જાય છે.
મારા પ્રિય શિક્ષક પર નિબંધ My Favourite Teacher Essay in Gujarati
મારા શાળાજીવન દરમિયાન બનેલી ઘટના મને આજે પણ બરોબર યાદ છે. હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. પહેલી કસોટી થઈતેમાં હું પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. આથી મારાં માતાપિતાને ખૂબ આનંદ થયો. એ સમયે મારા પિતાજીની તબિયત સારી રહેતી ન હતી. તેઓ ગંભીર માંદગીમાં પટકાયા. અને અઠવાડિયાની માંદગી પછી અવસાન પામ્યા. મારા કુટુંબ ઉપર. વજાઘાત થયો . મારે એક નાનો ભાઈ પણ હતો. મારી માતાની ઉંમર પચાસ વર્ષની હતી. ઘરમાં ખેતીની સામાન્ય આવક સિવાય આવકનું બીજું કોઈ સાધન ન હતું. મારા પિતાની સારવારમાં ઘણું દેવું થઈ ગયું હતું. છેવટે મેં ભણવાનું છોડીને લુહારીકામ શીખવાનું અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું.
શાળાના શિક્ષકોમાં એક વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા. તેમનું નામ હતું નરોત્તમભાઈ. તેઓ ગણિત શીખવતા અને વિદ્યાર્થીઓનું પૂરું ધ્યાન રાખતા. તેઓ સ્વભાવે કડક હતા પરંતુ તેમના હૃદયમાં દયાનું ઝરણું સતત વહેતું રહેતું. હું તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. મારા માટે તે આદર્શ શિક્ષક હતો. તેમને મારી આર્થિક પરિસ્થિતિની ખબર પડી એટલે તેઓ એક સાંજે મારે ઘેર આવ્યો. મારી માતાને મળ્યા. ઘરની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. પછી તેમણે મારી માતાને સમજાવ્યું કે તમારો દીકરો હોશિયાર છે, ભણીને સારું પરિણામ લાવી શકે તેમ છે. તમે તેના ભણતરના ખર્ચની ચિંતા કરશો નહિ. તેની વ્યવસ્થા થઈ જશે. તમારી ખેતીની આવકમાંથી તમારો જીવનનિર્વાહ થઈ જશે. તમે તમારા દીકરાને ભણવાનું છોડાવતાં નહિ.
ત્યારપછી હું શાળાએ નિયમિત જવા લાગ્યો. તેઓ મારી વિશેષ કાળજી રાખતા, મને વ્યક્તિગત માર્ગદર્શન આપતા. મેં એસ.એસ.સી ની પરીક્ષા આપી ત્યાં સુધી મને પુસ્તકો, નોટબુક્સ, ગણવેશ વગેરે નિયમિત મળતાં રહ્યાં. હું એસ.એસ.સી.માં 75% ગુણ મેળવી ઉત્તીર્ણ થયો. પછી તો ટ્યૂશન કરીને મારો ખર્ચ કાઢી લેતો. હું બી.એસસી. થયો; બી.એ. થયો. આજે વીસ વર્ષથી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપું છું. મારી આ સિદ્ધિ મારા આદર્શ શિક્ષક નરોત્તમભાઈને જ આભારી છે.
મારા જીવનમાં પ્રકાશ રેલાવનાર એ શિક્ષકને હું કેમ ભૂલું? તેઓએ મને ખરે વખતે મદદ કરી છે. તેમના જીવનમાંથી પણ હું ઘણું શીખ્યો છું. તેમની વિદ્વત્તા, નિયમિતતા, ધગશ, શિસ્ત, ચીવટ, સાદગી, નિખાલસતા, વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનો પ્રેમ, બીજાને મદદરૂપ થવાની તેમની ભાવના વગેરે ગુણોથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તે ગુણો હું સદા મારા જીવનમાં ઉતારવા માટે પ્રયત્નશીલ રહું છું. આજે શિક્ષકનો વ્યવસાય પણ કમાણીનો વ્યવસાય બની ગયો છે ત્યારે નિઃસ્વાર્થભાવે મારો જીવનપંથ ઉજાળનાર મારા સેવાભાવી આદર્શ શિક્ષકને હું ક્યારેય ભૂલી ન શકું.
આજે એ શિક્ષક હયાત નથી પરંતુ મારા હૃદયસિંહાસન પર બિરાજેલા છે. એમને હું નતમસ્તકે પ્રણામ કરું છું.