વિજ્ઞાન વરદાન કે શાપ પર નિબંધ Is Science Boon or Bane Essay in Gujarati OR Vigyan Vardan Ke Abhishap Guajrati Nibandh: આદિકાળથી માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અવનવી શોધો કરતો રહ્યો છે. આજ સુધીની શોધો તેણે સતત કરેલા પ્રયોગો અને પરિશ્રમનું જ પરિણામ છે. ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધાં પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો છે.
વિજ્ઞાન વરદાન કે શાપ પર નિબંધ Is Science Boon or Bane Essay in Gujarati
માનવીએ દરેક ક્ષેત્રમાં અદ્ભુત શોધો કરી છે. રેલગાડી અને વિમાન જેવાં વાહનોની શોધ વડે મુસાફરી ઝડપી બની છે. ટેલિફોન, તાર, ફેંક્સ અને કયૂટર જેવાં સાધનો વડે સંદેશાની આપલે ઝડપથી થઈ શકે છે. ટેલિવિઝનની શોધથી માનવી ઘરના ઓરડામાં આરામથી બેસીને દેશવિદેશના સમાચાર જોઈસાંભળી શકે છે. હવે તેને સિનેમા જોવા માટે થિયેટરમાં કે ક્રિકેટ જેવી રમતો જોવા માટે સ્ટેડિયમ પર જવાની જરૂર રહેતી નથી. આથી સમય, શક્તિ અને પૈસાનો બચાવ થાય છે. રેડિયો અને ટેપરેકૉર્ડર તેને મનોરંજન પૂરું પાડે છે. ફેંક્યુલેટરની મદદથી માણસ અનેક પ્રકારની જટિલ ગણતરીઓ અત્યંત ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરી શકે છે. કમ્પ્યુટરની મદદથી માનવી કલ્પનામાં પણ ન આવે એવાં વિવિધ કામો કરી શકે છે અને અનેક પ્રકારની ચોક્કસ માહિતી મેળવી શકે છે.
વિજ્ઞાનની શોધોને પરિણામે આજે ગગનચુંબી ઇમારતો, પુલો, બંધો વગેરે બાંધવાનું સરળ બન્યું છે. સુંદર, સુઘડ, રંગબેરંગી અને ઝડપી છાપકામ થઈ શકે છે. ઔષધક્ષેત્રે થયેલી શોધોથી અસાધ્ય રોગોનો ઇલાજ આજે શક્ય બન્યો છે. હવે પીડારહિત, શસ્ત્રક્રિયા કરી શકાય છે. વળી, આજે તો શરીરનાં અંગો પણ બદલી શકાય છે.
વિજ્ઞાનની મહાન શોધોમાં વીજળીની શોધને પાયાની શોધ કહી શકાય. વીજળીની મદદ વડે જ રેડિયો, ટીવી, ટેપરેકૉર્ડર, ઇસ્ત્રી, ઘરઘંટી, ઍરકન્ડિશનર, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, પંખો, વિદ્યુત ટ્રેન, કમ્પ્યુટર વગેરે કાર્યરત રહે છે.
આજે માનવીએ અવકાશી સંશોધનોમાં પણ હરણફાળ ભરી છે. માનવીએ ચંદ્ર પર અવકાશયાન મોકલ્યાં છે. તે ચંદ્રની માટીને ધરતી પર લઈ આવ્યો છે. પૃથ્વીવાસી આજે મંગળ પર પણ અવકાશયાનો મોકલી રહ્યો છે. આપણા વિજ્ઞાનીઓએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂક્યા છે. અણુબૉમ્બ બનાવીને દેશની તાકાતમાં અનેકગણો વધારો કર્યો છે.
વિજ્ઞાનના અનેક ઉપકારો છતાં એની બીજી બાજુ ઘણી ભયાનક છે. વિજ્ઞાને માનવજાતની સલામતીને જોખમમાં મૂકી દીધી છે. મિલો, કારખાનાં તેમજ વાહનોના ધુમાડા અને ઘોંઘાટથી હવા તથા અવાજનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. કારખાનાંઓ દ્વારા ઠાલવવામાં આવતું કેમિકલ શુદ્ધ પાણીમાં ભળતાં પાણીનું પ્રદૂષણ વધ્યું છે. સુખસગવડનાં સાધનો વધતાં માનવીનો શારીરિક શ્રમ ઘટી ગયો છે. યંત્રઉદ્યોગને લીધે આજે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં બેકારીનું પ્રમાણ વધ્યું છે.
અણુબૉમ્બ અને યુદ્ધનાં આધુનિક શસ્ત્રો બનાવવા પાછળ વિશ્વના દેશો અબજો રૂપિયા ખર્ચે છે. આ નાણાં ગરીબી નાબૂદ કરવા પાછળ વપરાય તો કદાચ દુનિયામાં એક પણ વ્યક્તિ ગરીબ ન રહે. જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર ઝીંકાયેલા અણુબોમ્બથી ઘડીના છઠ્ઠા ભાગમાં પંચોતેર હજાર માણસોએ જાન ગુમાવ્યા હતા. બંને શહેરોમાં માલમિલકતનું ભારે નુકસાન થયું હતું. માનવજાતે બે વિશ્વયુદ્ધોમાં ભારે તારાજી અને ખુવારી વેઠી છે. આમ, વૈજ્ઞાનિક-વિકાસના નામે ઇતિહાસનાં આવાં કલંકિત પૃષ્ઠો પણ લખાયાં છે.
વિજ્ઞાનની સર્જક અને સંહારક અસરોમાંથી માનવીએ વિવેકપૂર્વક પસંદગી કરવાની છે. માનવીએ સર્વનાશનો માર્ગ અપનાવવો કે સર્વના કલ્યાણનો માર્ગ અપનાવવો? માણસે યુદ્ધનો માર્ગ સ્વીકારવો છે કે બુદ્ધનો માર્ગ સ્વીકારવો છે? સૌના કલ્યાણમાં આપણું કલ્યાણ સમાયેલું છે. સૌના નાશમાં આપણો પણ નાશ સમાયેલો છે. માનવી વિજ્ઞાનની શોધોનો સમજપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાનરૂપ બની રહેશે.