નિરક્ષરતા સમાજનું અનિષ્ટ શિક્ષક પર નિબંધ Illiteracy Essay in Gujarati OR Niraksharta Vishe Guajrati Nibandh: આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું વધારે છે. અમેરિકા અને જાપાનમાં પંચાણું ટકા લોકો અને બ્રિટનમાં સો ટકા લોકો લખીવાંચી શકે છે. ભારતમાં આજે પણ લગભગ પિસ્તાલીસ ટકા લોકો સુખીવાંચી શકતા નથી. એક પંક્તિ યાદ આવે છે :
“ભણોભણો ભાઈ ભણોભણો, ભણશો તો થાશે લાભ ઘણો,
છાપાંચોપડી વાંચી જાણો, જીવનનો સાચો આનંદ માણો.”
નિરક્ષરતા સમાજનું અનિષ્ટ શિક્ષક પર નિબંધ Illiteracy Essay in Gujarati
ભૂવિસ્તાર અને વસ્તીની દષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અહીં અસંખ્ય મતદારો મતપત્રકમાં ઉમેદવારનું નિશાન જોઈને પોતાનો મત આપે છે અને પોતાની સહી કરવાને સ્થાને અંગૂઠો પાડે છે. આનાથી વધારે શરમજનક સ્થિતિ કઈ હોઈ શકે? જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો નિરક્ષર હોય ત્યાં લોકશાહી સફળ કેવી રીતે થાય? અભણ મતદારો લાલચથી કોઈના દોરવાયા દોરવાઈ જાય. વળી, જો દેશની મોટા ભાગની પ્રજા નિરક્ષર હોય તો એવી પ્રજામાં જ્ઞાનનો પ્રકાશ કઈ રીતે પ્રસરી શકે? ગમે તેવાં અને ગમે તેટલાં ઉત્તમ પુસ્તકો પણ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવામાં નિષ્ફળ પુરવાર થાય.
નિરક્ષરતા આપણા દેશનું સૌથી મોટું કલંક છે. તેને દૂર કરવાના બે જ માર્ગો છે : (1) ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ તેમજ (2) પ્રૌઢશિક્ષણ, આઝાદી પછી સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું છે. તે માટે ગામડેગામડે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે અંદાજપત્રમાં મોટી રકમ ફાળવવામાં આવે છે. સરકાર તરફથી પ્રૌઢશિક્ષણ સમિતિ, સમાજશિક્ષણ સમિતિ, સમાજ કલ્યાણ ખાતું વગેરે -સતત નિરક્ષરતા દૂર કરવા પ્રયત્નશીલ છે. નિરક્ષરતા નિવારણ સપ્તાહ ઉજવવામાં આવે છે. પ્રૌઢશિક્ષણ માટે રાત્રિશાળાઓ ચલાવવામાં આવે છે. સરકારી રાહે ઘણા પ્રયત્નો કરવા છતાં આપણા દેશમાં નિરક્ષરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી એ કરુણ બાબત છે.
ગરીબી અને અજ્ઞાનને લીધે શાળામાં જઈ શકે તેવાં ઘણાં બાળકો શાળામાં ભણવા જતાં નથી. અસંખ્ય લોકો પોતાનાં બાળકોને શાળામાં મોકલવાને બદલે મજૂરી કરવા મોકલે છે. શિક્ષણ મફત મળતું હોવા છતાં બાળકો ભણવા જઈ ન શકે એથી વધારે કમનસીબી કઈ હોઈ શકે ? મધ્યાહ્ન ભોજન યોજનાને લીધે તેમાં થોડો ફરક જરૂર પડ્યો છે. તેમ છતાં, વાલીઓને એ સમજાવવું ખૂબ જરૂરી છે કે તેઓ પોતાનાં બાળકોને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ નો અપાવે જ.
આપણે નિરક્ષરતા નિવારણ માટે ‘દરેક જણ, શીખવે એક જણ'(Each one, teach one)નું સૂત્ર અપનાવવું જોઈએ. શાળાકૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રજાઓ દરમિયાન સાક્ષરતા અભિયાન શરૂ કરે. એક ભણેલો માણસ એક અભણ માણસને ભણાવે તો દેશમાં કોઈ અભણ ન રહે, આ દેશમાં ખરા અર્થમાં સોનાનો સૂરજ ઊગે. શિક્ષિત લોકો અભણ વાલીઓને તેમનાં બાળકોને શાળાએ મોકલવા માટે પ્રેરી શકે. શાળાના શિક્ષકોએ પણ બાળક હોંશેહોંશે શાળામાં ભણવા આવે તેવું વાતાવરણ સર્જવું જોઈએ.
ગૂજરાત વિદ્યાપીઠ આજે પ્રૌઢશિક્ષણનું ઉમદા કાર્ય કરી રહી છે. તેમાં અન્ય સંસ્થાઓ અને કાર્યકર્તાઓ પણ ભાગ લઈ શકે. પ્રૌઢોને અક્ષરજ્ઞાનની સાથેસાથે શિક્ષણનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ, જેથી તેઓ તેમનાં બાળકોને શાળામાં મોકલે. આપણે ‘દવા થકી દીવો પ્રગટાવવા”નું સૂત્ર ખાસ પ્રચલિત કરવું જોઈએ.
રેડિયો અને ટીવી જેવાં પ્રસાર માધ્યમો પણ નિરક્ષરતા નિવારણના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યાં છે. તે નાટકો, ચલચિત્રો, જાહેરખબરો વગેરે દ્વારા શિક્ષણ અંગે લોકમાનસ કેળવવાનું ઉમદા કામ કરી રહ્યાં છે.
દેશમાં શિક્ષણનો વ્યાપ વધતાં લોકોમાં જાગૃતિ આવશે. આપણા દેશની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ થશે. દેશની સામાજિક અને રાજકીય પ્રગતિ સધાશે તેથી આપણા દેશમાં તંદુરસ્ત લોકશાહીનું વાતાવરણ સર્જાશે.