જો વીજળી ન હોય તો પર નિબંધ If there is no Electricity Essay in Gujarati OR Jo Vijali Na Hoya To Gujarati Nibandh: વિજ્ઞાને અનેક અવનવી શોધો કરી છે. તેમાં વીજળીની શોધ એક ચમત્કારિક શોધ છે. વીજળી બીજી અનેક શોધોનો પ્રાણવાયુ છે. શરીરમાં પ્રાણવાયુ વિના શરીર નકામું બની જાય તેમ વીજળી ચાલી જાય તો અનેક ઉપકરણો નકામાં બની જાય.
જો વીજળી ન હોય તો પર નિબંધ If there is no Electricity Essay in Gujarati
વીજળીએ દુનિયાની કાયાપલટ કરી નાખી છે. વીજળીથી માનવજીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઘરમાં નજર નાખીશું તો વીજળીની અનેક ઉપયોગિતાઓ જણાશે. સ્નાન કરવા ગિઝર ગરમ પાણી આપે છે. ઍક્વાગાર્ડ પાણીને જંતુરહિત બનાવે છે. રેફ્રિજરેટરથી ઠંડું પાણી પીવા મળે છે અને અનેક ખાદ્ય પદાર્થોને લાંબો સમય સાચવે છે. પંખા અને ઍરકન્ડિશનર ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. હીટર શિયાળામાં શરીરને ઠંડીથી બચાવે છે, રેડિયો અને ટેલિવિઝન આપણને અનેક કાર્યક્રમો દ્વારા મનોરંજન આપે છે અને આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. બલ્બો અને ટ્યૂબલાઇટો રાતે ઘરને રોશની આપે છે. તેના પ્રકાશમાં આપણે સારી રીતે વાંચી શકીએ છીએ અને બીજાં અનેક કામો કરી શકીએ છીએ. વીજળી ન હોય તો આપણે આ સગવડો ભોગવી શકીએ નહિ.
વાહનવ્યવહાર અને ઉદ્યોગક્ષેત્રે પણ વીજળીનું ઘણું પ્રભુત્વ છે. આગગાડીઓ અને ટ્રામો વીજળીથી ચાલે છે. અનેક યંત્રો પણ વીજળીથી ચાલે છે. વીજળી ન હોય તો આ યંત્રો કામ કરતાં અટકી જાય અને અનેક વસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય. તેથી આપણો જીવનવ્યવહાર સ્થગિત થઈ જાય. લૉન્ડ્રીમાં કપડાં ન ધોવાય. કપડાંને ઇસ્ત્રી ન થાય. લિફ્ટ બંધ પડતાં વૃદ્ધો અને દરદીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય. પ્રિન્ટિંગ પ્રેસનાં યંત્રો બંધ પડતાં છાપાં અને અન્ય સાહિત્ય ન છાપી શકાય. કયૂટર કામ કરતાં બંધ થઈ જાય. ટેલિફોન, ટેલિગ્રામ, ટેલિવિઝન, રેડિયો જેવાં સંદેશાવ્યવહારનાં સાધનો બંધ પડી જતાં સંદેશાવ્યવહારનાં અભાવે સમગ્ર વિશ્વમાં અવ્યવસ્થા અને અરાજકતા ફેલાઈ જાય. સિનેમાગૃહો અને નાટ્યગૃહો પણ વીજળીથી જ ચાલતાં હોય છે. તે બંધ પડી જતાં આપણે મનોરંજન માણી શકીએ નહિ.
આરોગ્યની તપાસનાં અનેક પ્રસાધનો વીજળીથી ચાલે છે. એક્સ-રે દ્વારા શરીરના અંદરના ભાગોની પૂરી જાણકારી મેળવી શકાય છે. અલ્હા-વાયોલેટ કિરણોની સહાયથી, અસાધ્ય રોગોનો સફળતાપૂર્વક ઇલાજ થઈ શકે છે. ઑપરેશન થિયેટરમાં પણ વીજળીની ઘણી જરૂર પડે છે. વીજળી ન હોય તો રોગોનો અસરકારક ઇલાજ થઈ શકે નહિ.
શહેરો અને ગામો અંધારી રાતે વીજળીના પ્રતાપે રોશનીથી ઝળહળી ઊઠે છે. ગામડાંમાં અનેક ખેતરોમાં ઇલેક્ટ્રિક મોટર વડે બોરકૂવાનાં પાણી ઉલેચાય છે અને મબલક પાક મેળવી શકાય છે. વીજળી ન હોય તો બધે અંધારપટ છવાઈ જાય અને ચોરી તેમજ લૂંટફાટના અનેક બનાવો બને છે.
અલબત્ત, વીજળી આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની રાખવામાં ન આવે તો અકસ્માત અને આગ જેવી ભયંકર હોનારતો પણ સર્જાય છે. વીજળી ન હોય તો આવી હોનારતો ન સર્જાય પરંતુ તેમાં વીજળીનો દોષ નથી; આપણી બેદરકારી જવાબદાર છે.
આધુનિક યુગમાં વીજળી વિનાના જીવનની કલ્પના જ ન થઈ શકે. વીજળી જ જીવન છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.