મારા આદર્શ શિક્ષક પર નિબંધ My Ideal Teacher Essay in Gujarati

મારા આદર્શ શિક્ષક પર નિબંધ My Ideal Teacher Essay in Gujarati OR Mara Aadarsh Shikshak Guajrati Nibandh: “शिक्षक कभी साधारण मनुष्य नहीं होता। सर्जन और विनाश उसके हाथों में खेलते हैं।” – चाणक्य

વર્ગખંડમાં ભણાવતાં ભણાવતાં વિદ્યાર્થીને કેળવે, વિદ્યાર્થીને આદર્શ જીવન – કળા પણ શીખવે તેને ‘આદર્શ શિક્ષક’ કહી શકાય. આદર્શ શિક્ષક માત્ર આદર્શ વિદ્યાર્થીઓ જ નહિ, ભવિષ્યના આદર્શ નાગરિકોને ઘડી શકે છે. આદર્શ શિક્ષક જ આદર્શ સમાજનું નિર્માણ કરી શકે. આ માટે આદર્શ શિક્ષકે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરવું જરૂરી બને છે.

મારા આદર્શ શિક્ષક પર નિબંધ My Ideal Teacher Essay in Gujarati

મારા આદર્શ શિક્ષક પર નિબંધ My Ideal Teacher Essay in Gujarati

પ્રાચીન સમયમાં ગુરુના આશ્રમમાં રહીને શિષ્ય આદર્શ જીવનના પાઠ ભણતો હતો અને પછી તે સંસારમાં આવીને આદર્શ જીવન જીવતો હતો. આજે એ આશ્રમપરંપરા લુપ્ત થઈ ગઈ છે.

આદર્શ શિક્ષકનું સૌથી મહત્ત્વનું કર્તવ્ય છે : આદર્શ જીવન જીવવાનું. આદર્શ શિક્ષક એટલે સાદાઈની મૂર્તિ. તે સાદગીભર્યું અને ઉચ્ચ વિચારોથી ભર્યું જીવન જીવે છે. એને માટે આચરણ એ જ ઉપદેશ છે. શિક્ષક પોતાના આદર્શ આચરણથી જ વિદ્યાર્થીઓ પર સચોટ પ્રભાવ પાડી શકે છે. હાલો ઉપદેશ આપવાથી વિદ્યાર્થીઓ પર કોઈ પ્રભાવ પડતો નથી.

આદર્શ શિક્ષક પૂરી નિષ્ઠાથી તથા ઉત્સાહથી પોતાના ક્તવ્યનું પાલન કરે છે. પોતાના વિષયમાં નિષ્ણાત હોવા છતાં તે વિષયની પૂર્વતૈયારી કરીને જ વર્ગમાં જાય છે. વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે તેની તે પૂરતી કાળજી રાખે છે. તે અભ્યાસમાં નબળા વિઘાર્થીઓને વિશેષ માર્ગદર્શન અને હોશિયાર વિદ્યાર્થીઓને આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે.

આદર્શ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ફક્ત વિષયલક્ષી કે પરીક્ષાલક્ષી શિક્ષણ આપવાને બદલે જીવનલક્ષી કેળવણી આપે છે. તે વિદ્યાર્થીઓને ઇતરવાચનની પણ પ્રેરણા આપે છે.

વિદ્યાર્થીઓ અલગઅલગ અભિરુચિ ધરાવનારા હોય છે. આદર્શ શિક્ષક દરેક વિદ્યાર્થીને તેના રસના વિષય અનુસાર માર્ગદર્શન અને વાતાવરણ પૂરું પાડે છે. તે વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરી તેને સહૃદયતાથી ઉકેલવા પ્રયત્ન કરે છે.

આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓને નાટક, રાસગરબા, ચિત્ર, સંગીત, રમતગમત વગેરે ઇતરપ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને આવી પ્રવૃત્તિઓ માટે તેમને યોગ્ય તાલીમ આપે છે. આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓને જુદાંજુદાં સ્થળોએ પ્રવાસ પર્યટને લઈ જાય છે. તે દર વર્ષે વિદ્યાર્થીઓને જુદાંજુદાં સ્થળોની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.

આદર્શ શિક્ષક એના મૂલ્યનિષ્ઠ જીવનના વ્યવહાર-વર્તન દ્વારા વિદ્યાર્થીઓમાં વિનય, વિવેક જેવા અનેક ગુણો સીંચે છે.

આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહોથી વાકેફ કરે છે. તે વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવે છે. વિદ્યાર્થીઓ સામાજિક કાર્યમાં રસ લેતા થાય તે માટે તે સફાઈયજ્ઞ, શ્રમયજ્ઞ, પ્રૌઢશિક્ષણ, રક્તદાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તે પૂર, દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો વખતે વિદ્યાર્થીઓની મદદથી રાહતફાળો એકઠો કરે છે. આથી વિદ્યાર્થીઓમાં દયા, પ્રેમ, સેવા, સહનશીલતા જેવા ગુણોનો વિકાસ થાય છે,

આમ, આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ સધાય એ માટે પૂરેપૂરો પ્રયત્ન કરે છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.