ગોકુળગ્રામ યોજના પર નિબંધ Gokulgram Yogna Essay in Gujarati

ગોકુળગ્રામ યોજના પર નિબંધ Gokulgram Yogna Essay in Gujarati or Gokulgram Yogna Guajrati Nibandh: ભારત ગામડાનો બનેલો દેશ છે. ભારતના સિત્તેર ટકા લોકો ગામડાંમાં વસે છે, પરંતુ ભારતનાં ગામડાં ઘણી બાબતોમાં આજે પણ અવિકસિત રહી ગયાં છે.

આઝાદી પહેલાં ગામડાંની સ્થિતિ અત્યંત ખરાબ હતી. ગામડાંમાં સ્વચ્છતા અને સુઘડતાનો તદ્દન અભાવ હતો. ઠેરઠેર લોકોએ પોતાના ઘરની પાસે જ ઉકરડો કરી દીધો હોય, લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જતા હોય, માખી અને મચ્છરનો પાર ન હોય, આંગણાંમાં ઢોર બાંધેલાં હોય તથા છાણની વાસ આવતી હોય, એવાં દૃશ્યો જોવા મળતાં હતાં.

ગોકુળગ્રામ યોજના પર નિબંધ Gokulgram Yogna Essay in Gujarati

ગોકુળગ્રામ યોજના પર નિબંધ Gokulgram Yogna Essay in Gujarati

ગામડાંમાં બાળકોની પૂરતી દરકાર લેવાતી નહિ. ગામડાંના લોકોની હાડમારીઓનો કોઈ પાર ન હતો. ખેડૂતો ખેતરોમાં કાળી મજૂરી કરતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. પૂરતો વ૨સાદ થાય તો જ ખેતી થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ખેડૂતોને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવા પડતા અને તેથી તેમનું જીવન દેવાના બોજા હેઠળ જ પસાર થતું. ગામડાંના લોકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોમાં પણ ફસાયેલા હતા.

આઝાદી પછી ગામડાંની આ દયાજનક સ્થિતિમાં સુધારો કરવા માટે સરકારે સમયેસમયે નવીનવી યોજનાઓ અમલમાં મૂકી છે. પરિણામે ગામડાંની સ્થિતિમાં ધીમેધીમે સુધારો થવા લાગ્યો છે. ગુજરાત સરકારે થોડા વખત પહેલાં ‘ગોકુળગ્રામ યોજના’ અમલમાં મૂકી છે. એના અમલીકરણથી ગુજરાતનાં ગામડાંમાં મોટું પરિવર્તન થઈ શકે તેમ છે. જગતમાં આજે અનેક દિશાઓમાં વિદ્યુતવેગી પરિવર્તન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતનાં ગામડાં તેમાંથી બાકાત કૈવી રીતે રહી શકે ?

ગંદકી ગામડાંનો એક રાજરોગ છે. ગોકુળ ગ્રામ યોજનામાં સરકારે ગ્રામવિસ્તારોમાં શૌચાલયો બનાવવા માટે પૂરતી સુવિધાઓ આપી છે, જેથી લોકોને ખુલ્લામાં કુદરતી હાજતે જવાની જરૂર ન રહે અને ગંદકી ન ફેલાય. ગામડાંના ઉકરડાની ગંદકી ઓછી કરવા માટે સરકારે ગોબરગૅસ પ્લાન્ટની યોજના અમલમાં મૂકી છે. ગામડાંને પાકા રસ્તા વડે મુખ્ય માર્ગો સાથે જોડવામાં આવી રહ્યાં છે.

ગોકુળગ્રામ યોજનામાં દરેક ગામને એસ.ટી. બસોની સેવા ઉપલબ્ધ થાય તેની પૂરતી કાળજી લેવાઈ છે. ઉપરાંત, દરેક ગામમાં વીજળીની સુવિધા અપાઈ રહી છે. તેથી ગામડાંમાં વૉટરવર્કની સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. આથી ગામલોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. ગામડાંમાં વીજળી આવી જવાને પરિણામે દીવા, પંખા, રેફ્રિજરેટર, ટીવી વગેરેની સુવિધાઓ પણ છૂટથી ઉપલબ્ધ થઈ શકશે. ગામેગામ ટેલિફોન સેવા પહોંચાડવાની યોજના પણ અમલમાં મુકાઈ રહી છે.

ગુજરાતનાં ગામડાંના લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સિંચાઈની સગવડો વધારવામાં આવી રહી છે. ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેમને ખેતીનાં ઓજારો અને ઢોર ખરીદવા માટે લોન આપવામાં આવે છે. એની સાથે ગામડે ગામડે દૂધ-ઉત્પાદકોની સહકારી મંડળીઓ શરૂ કરવામાં આવી છે. ગામડેગામડે પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારે ગામડાંની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના દાખલ કરી છે જેથી ગરીબ બાળકો પણ નિશાળે જતાં થયાં છે. લોકોનું આરોગ્ય સુધરે એ માટે ગામડેગામડે દવાખાનાં શરૂ કરવામાં આવ્યાં છે. નિઃસહાય વૃદ્ધોને અને વિધવા બહેનોને સરકાર આર્થિક સહાય આપે છે. ગામડાંના લોકોમાંથી વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેની યોજનાઓ પણ આકાર લઈ રહી છે. સૌને રોજીરોટી મળી રહે એવું આયોજન પણ થઈ રહ્યું છે.

ગોકુળગ્રામની યોજનાને સફળ બનાવવા માટે ગામડાંના લોકોએ પણ જાગૃતિ બતાવવી પડશે. ગામલોકોએ સરકારને સાથ સહકાર આપવા પડશે. ગોકુળગ્રામ યોજનાના પ્રતાપે ગામડાં નંદનવન બનશે તેથી લોકોનું શહેર તરફનું આકર્ષણ ધટશે.

ગામ આબાદ, તો દેશ આબાદ, ગામ સુખી, તો દેશ સુખી.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.