હું ગાંધીજીનું પૂતળું બોલું છું પર નિબંધ Gandhiji Statue Essay in Gujarati OR Hu Gandhijinum Putala Bolum Chu Gujarati Nibandh: ઊભા રહો. હું ગાંધીજીનું પૂતળું બોલું છું. આજે મારી જન્મજયંતીના દિવસે મને ફૂલોનો હાર ચડાવતાં પહેલાં મારી વેદના સાંભળો અને સમજો. પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો અને પછી તમે મારા પૂતળાને હાર ચડાવજો.
હું ગાંધીજીનું પૂતળું બોલું છું પર નિબંધ Gandhiji Statue Essay in Gujarati
દેશની આઝાદી માટે મેં સત્ય અને અહિંસાના માર્ગે અંગ્રેજો સામે આંદોલનો કર્યા. દેશના અસંખ્ય લોકો તેમાં જોડાયા. અનેક લોકોએ જેલવાસ ભોગવ્યો અને કેટલાક શહીદ પણ થયા. આખરે દેશને આઝાદ કરવાનું મારું સ્વપ્ન ફળ્યું. મારું બીજું સ્વપ્ન દેશને આબાદ કરવાનું હતું. શું દેશ જેટલો થવો જોઈએ તેટલો આબાદ થયો છે ખરો? શું શહીદોની શહીદી ફળી છે ખરી ?
દેશની સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ સુધરે તે માટે મેં રચનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. તેનો કેટલો અમલ થયો? જોકે શહેરો અને ગામડાંનો થોડોઘણો વિકાસ થયો છે. દેશમાં નવાનવા ઉદ્યોગો શરૂ થયા છે. નદીઓ પર બંધો બંધાયા છે. શાળાઓ અને કૉલેજો વધી છે. વાહનવ્યવહાર વધ્યો છે. થોડાક લોકોની આર્થિક સ્થિતિ સુધરી છે. અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય પણ મહદ્અંશે થયેલું જણાય છે. પરંતુ દેશના સામાન્ય માનવીની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે ખરો?
દેશના સામાન્ય માનવીની સ્થિતિમાં આજે કોઈ ખાસ પરિવર્તન થયું જણાતું નથી. મોંધવારી અતિશય વધી છે, અન્ન અને રહેઠાણનો અભાવ છે. સામાન્ય માનવી અત્યંત કફોડી હાલતમાં જીવન વિતાવે છે. મેં સાદાઈને મહત્ત્વ આપ્યું હતું પરંતુ આજના નેતાઓ વૈભવી જીવન માણે છે, બંગલાઓમાં રહે છે, પ્રજાના પૈસે તાગડધિન્ના કરે છે.
મેં હિન્દુ-મુસ્લિમ એકતા માટે આમરણ ઉપવાસ કર્યા હતા. છેવટે શહીદી પણ વહોરી હતી. પરંતુ આજના રાજકારણીઓએ ધર્મ-કોમ-જાતિ-સંપ્રદાયનું ગંદુ રાજકારણ ખેલીને દેશમાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે. ‘અહિંસા એ જ પરમ ધર્મ’નો મારો સંદેશો વિસારે પાડી દેવાયો છે.
પ્રામાણિકતા જ જીવનનો પ્રાણ છે, પણ આજે તો એ પ્રાણ વિનાનું જીવન છે. દીવો લઈને શોધતાં પણ ક્યાંય એ જોવા મળતી નથી. જ્યાં જુઓ ત્યાં બસ ‘વગ ત્યાં પગ’. સામાન્ય માણસને પોતાનું કામ કરાવવા પગરખાં ઘસી નાખવાં પડે છે, પરંતુ તેને ક્યાંય સફળતા મળતી નથી.
સિત્તેર ટકા વસતી ગામડામાં છે. ગ્રામોદ્ધારના વિકાસ માટે, પાયાની કેળવણીનો સંદેશ પાઠવી, મેં મંત્રરૂપે રેંટિયો આપ્યો પરંતુ, પાયાની આ વાત કોઈએ ન સ્વીકારી અને આજે બધે બેકારી જ બેકારી વર્તાય છે.
‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ની મારી પાઠવેલી વાતનાં ચીંથરા ઊડી ગયાં ! આજે ગંદકી કરે તે સભ્ય ગણાય છે ને ગંદકી દૂર કરે તે અસભ્ય ગણાય છે, આ તે કેવી સભ્યતા !
રાજકારણને મેં પવિત્ર ગણ્યું હતું. આજનું રાજકારણ ભ્રષ્ટ થઈ ગયું છે. રાષ્ટ્રભાવના, નીતિ, વફાદારી વગેરે અદશ્ય થઈ ગયાં છે. કૌભાંડો થવાં એ સામાન્ય બાબત બની ગઈ છે. આજના રાજકારણીઓ પૈસો અને પદવી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. બધે નૈતિકતાનું અધ:પતન થયેલું દેખાય છે.
લોકો કહે છે કે ‘રામ નામે પથ્થર તર્યા અને ગાંધી નામે ગઠિયા તર્યા.’ કદાચ તેમાં સત્ય હોય પણ ખરું. ભાઈ, તું મને હાર ચડાવવાને બદલે મારી આંખે અને કાને પાટા બાંધી દે કે જેથી મારે આ બધું દેખવુંય નહીં ને સાંભળવુંય નહીં. ભગવાન બધાને સબુદ્ધિ આપે.