વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati

વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati: ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી પશુપંખીઓ અને માનવીઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે. આકાશ ભણી મીટ માંડીને સમગ્ર જીવસૃષ્ટિ વર્ષાના આગમનની રાહ જુએ છે. આકાશમાં એકાદ વાદળી દેખાય તોપણ લોકો આનંદવિભોર બની જાય છે.

“આજે કંઈ વાદળ વ્યોમ છાયાં,
તારા અને ઇન્દુ બધાં લપાયાં.”
– સુંદરજી ગો. બેટાઈ

વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati

વર્ષાની પ્રથમ હેલી પર નિબંધ First Day of Rainy Season Essay in Gujarati

શરૂઆતમાં જોશભેર પવન ફૂંકાય છે. ધૂળના ગોટેગોટા ઊડે છે. નભમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે. વાદળાં ગર્જે છે અને વીજળી ઝબૂકે છે. પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે, ભીની માટીની સોડમ હવામાં પ્રસરી જાય છે.

વર્ષાની આ હેલી માનવહૈયાંને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. લોકો વરસાદની ધારાના પ્રથમ સ્પર્શને માણવા ઘરની બહાર નીકળી પડે છે. લોકો વરસાદમાં ભીંજાવાની મોજ માણે છે, નાચે છે, કૂદે છે અને ગાય છે. સૌ હર્ષ અને ઉલ્લાસ સાથે વર્ષાનું સ્વાગત કરે છે. બાળકો પાણીમાં છબછબિયાં કરે છે અને ગાય છે :

“આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક.”

વર્ષાનું આગમન થતાં રસ્તા પરની હલચલ સાવ બદલાઈ જાય છે. વરસાદથી બચવા કોઈ છત્રી ઓઢીને તો કોઈ રેઇનકોટ પહેરીને નીકળી પડે છે. કોઈ છત નીચે કે
ઝાડ નીચે ઊભા રહીને વરસાદથી બચવાનો પ્રયત્ન કરે છે. ધોધમાર વરસાદ વરસતાં ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જળાશયો નવાં પાણીથી છલકાવા લાગે છે. ક્યારેક રસ્તાઓમાં પાણી ભરાવાથી વાહનો ખોટકાઈ પડે છે.

વર્ષાના આગમનથી પશુપંખીઓ પણ હરખાઈ ઊઠે છે. મોર કળા કરી નાચે છે. અને મધુર ટહુકાથી વર્ષાનું સ્વાગત કરે છે. દેડકાં ‘ડ્રાંઉં… ડ્રાંઉં…’ની ધૂન શરૂ કરી દે છે. આમ્રકુંજમાં કોયલ કૂજન કરીને વર્ષાને સાદ પાડે છે. ચાતક પક્ષી વર્ષાનાં પાણીમાં પોતાની ચાંચમાં ઝીલીને આખા વરસની તરસ છિપાવે છે.

જગતના તાત ખેડૂતના આનંદની સીમા રહેતી નથી. તે ખેતરમાં વાવણી કરવા તથા ધરુ રોપવા માટે તડામાર તૈયારીઓ કરે છે. જોકે જેમને ઉપર આભ અને નીચે ધરતીનો જ આશરો હોય છે એવા લોકો વર્ષનું આગમન થતાં અસહાય સ્થિતિમાં મુકાઈ જાય છે.

વર્ષની પ્રથમ હેલીને લીધે વાતાવરણ સુખદ બની જાય છે. વૃક્ષો વરસાદમાં નાહીધોઈને લીલાંછમ બની જાય છે. પ્રકૃતિદેવી જાણે લીલી સાડી ધારણ કરે છે. પ્રકૃતિમાં નવચેતન પ્રગટે છે. સમગ્ર જીવસૃષ્ટિ અવનવી પ્રવૃત્તિથી ધબકવા લાગે છે.

“વર્ષાની પ્રથમ હેલી
એટલે પૃથ્વીની પ્રેમાળ સહેલી.”

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.