મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati: આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કે કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદીતટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મેળા ભરાય છે. મેળા એટલે મુક્ત રીતે હરવાફરવાનું અને મોજમજા માણવાનું સ્થળ . મેળા એટલે મિલન-મેળાપ.
મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati
અમારા ગામની બાજુમાં મહી નદીના કિનારે ડુંગરની તળેટીમાં દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે વિશાળ મેળો ભરાય છે. આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે. તેનું વ્યવસ્થિત આયોજન થાય છે. પંદર દિવસ અગાઉથી મેળાની તૈયારીઓ થવા લાગે છે. હારબંધ હાટડીઓ ઊભી કરવામાં આવે છે. લાઇટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ચકડોળ ઊભા કરવામાં આવે છે. મહીમાતાના મંદિરને શણગારવામાં આવે છે.
પૂનમની સવારે અમે આઠદસ મિત્રો પગપાળા મેળામાં જવા નીકળ્યા. અમે પહોંચ્યા ત્યારે મેળામાં જાણે માનવમહેરામણ હિલોળા લેતો હતો. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ યુવાનો અને યુવતીઓનાં ટોળાં દૂરદૂરથી આવતાં દેખાતાં હતાં.
અમે સૌપ્રથમ મહીમાતાનાં દર્શન કરવા ગયા. દર્શન માટે ખૂબ લાંબી લાઇન લાગી હતી. ખાસ્સી વાર પછી અમારો નંબર લાગ્યો. અમે ભાવપૂર્વક મહીમાતાનાં દર્શન કર્યા પછી અમે મેળો મહાલવા ઊપડ્યા.
મેળામાં મીઠાઈઓ, રમકડાં, ઘરવખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીનાં વાસણો વગેરેની હાટડીઓ હારબંધ ઊભી કરાઈ હતી. આ હાટડીઓ પર ખૂબ ભીડ જામેલી હતી. ત્યાંથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદતા હતા. આગળ એક મેદાનમાં જુદાજુદા પ્રકારના ચકડોળો ચક્કર ફરતા હતા. બાળકો અને યુવાનયુવતીઓ ચકડોળમાં બેસીને આનંદ માણતાં હતાં. અહીંના મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. યુવાન છોકરા-છોકરીઓ એકબીજાના પરિચયમાં આવે છે અને મનમેળ કરી લેતાં હોય છે. આવાં અનેક જોડાં એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતાં હતાં. જાદુગર અને મદારી પણ અવનવા ખેલ બતાવીને લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. એક નટ દોરડા પર ચાલતો હતો અને બીજો ઢોલક વગાડીને લોકોને આકર્ષતો હતો.
અમે બધાએ ચકડોળામાં ચકરાવો લેવાનો આનંદ માણ્યો. મદારી, જાદુગર અને નટના ખેલ જોયા. અમે મેળામાં ખૂબ ફર્યા, મોજમજા, મસ્તી અને નાચવાકૂદવાનો આનંદ પણ માણ્યો. મેળો માણતાંમાણતાં જ્યારે સાંજ થઈ ગઈ તેની ખબર ન પડી. ભૂખ પણ લાગી હતી. ફરતાંફરતાં એક ઠેકાણે અમે ગરમાગરમ ભજિયાં ખાધાં પછી અમે મેળાના અનુભવની અવનવી વાતો કરતા કરતા ઘેર પાછા ફર્યા.
મેળો સોનાં હૈયાં ઝુલાવે છે. મિત્રોનો મેળાપ કરાવે છે. માનવીઓના સામુદાયિક આનંદમાં મેળો દુ:ખ અને ચિંતાઓ વિસારે પાડે છે. ઘણું જોવા અને જાણવાનું મળે છે. વેપારીઓ કમાય છે. બાળકો રમકડાં અને મીઠાઈ મેળવે છે. કોઈ નવા મિત્રો પણ મેળવે છે. મેળામાં સૌ આનંદ મેળવે છે. આમ, મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે.