ચલચિત્રોની સમાજ ઉપર અસર પર નિબંધ Effect of Cinema on our Society Essay in Gujarati: ચલચિત્રનું મનોરંજન લગભગ બધાને પ્રિય હોય છે. આપણા દેશમાં શરૂમાં મૂંગાં ચલચિત્રો બન્યાં હતાં. શરૂઆતમાં બ્લેક ઍન્ડ વ્હાઈટ ચલચિત્રો બનતાં હતાં. છેલ્લાં ઘણાં વરસોથી રંગીન ચલચિત્રો બની રહ્યાં છે. ચલચિત્રોમાં ગુંથાયેલી કથા, તેમાંના સચોટ સંવાદો, નટ-નટીઓનો અભિનય, ભવ્ય દશ્યયોજનાઓ અને મધુર ગીત-સંગીત વગેરે કારણોને લીધે ચલચિત્રો ખૂબ જ લોકપ્રિય બનતાં રહ્યાં છે.
ચલચિત્રોની સમાજ ઉપર અસર પર નિબંધ Effect of Cinema on our Society Essay in Gujarati
ચલચિત્રોમાં દેશ અને દુનિયાના વિવિધ પ્રદેશો, જુદીજુદી પ્રજાઓ, તેમનાં ખાનપાન, પહેરવેશ, રીતરિવાજો, ઉત્સવો અને જીવનશૈલીનો ચિતાર આપવામાં આવે છે. ચલચિત્રોના વિવિધ વિષયોમાં સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક વગેરે વિષયોની પસંદગી કરવામાં આવે છે. નામાંકિત સર્જકોની જાણીતી કૃતિઓ પરથી પણ ચલચિત્રો બનાવાય છે. ઘણી વાર ચલચિત્રોમાં સત્ અને અસત્ વચ્ચેનો સંધર્ષ તેમજ સત્નો વિજય થતો દર્શાવવામાં આવે છે. એ જોવાથી દર્શકોની ન્યાયબુદ્ધિ કેળવાય છે. ચલચિત્રોમાંથી દેશભક્તિ, પ્રામાણિકતા અને નીતિ જેવા ગુણો કેળવવાની પ્રેરણા પણ મળે છે. આ રીતે ચલચિત્રો સુંદર તથા સ્વસ્થ સમાજરચના માટેની પોષક સામગ્રી પૂરી પાડે છે.
ધાર્મિક વિષયો પર આધારિત ચલચિત્રો સમાજની ધાર્મિક ભાવનાને પોષે છે. ચલચિત્રોની જાદુઈ અસરને પરિણામે અભણ માણસો પણ સાંપ્રત પ્રશ્નો વિશે સમજ મેળવે છે. ચલચિત્રો આ રીતે સામાજિક કેળવણીની કામગીરી પણ કરે છે. સમાજના તમામ લોકો પુસ્તકોનું વાંચન કરતા નથી પણ ચલચિત્રો અવશ્ય જુએ છે. આથી આપણું શ્રેષ્ઠ સાહિત્ય ચલચિત્રોના માધ્યમથી અનેક લોકો સુધી પહોંચી શક્યું છે. ‘ઝેર તો પીધાં છે જાણીતાણી’, ‘જીગર અને અમી’, ‘સરસ્વતીચંદ્ર’, મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ અને ‘દેવદાસ’ જેવાં ચલચિત્રો આના પુરાવા છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા સમાજમાં આમૂલ પરિવર્તન થયું છે. જેમ કે કન્યા-કેળવણી, નારીસ્વાતંત્ર અને આંતરજ્ઞાતીય લગ્નોની બાબતમાં સારી એવી પ્રગતિ થઈ છે. સતીપ્રથા અને બાળલગ્નો જેવી કુરૂઢિઓને સમાજે જાકારો આપ્યો છે. વિધવાવિવાહને સમાજે સ્વીકારી લીધો છે તો દહેજપ્રથાને દૂર કરવા માટેની સભાનતા વધી છે. સામાજિક માળખામાં થયેલી આ ક્રાંતિ પણ ચલચિત્રોને આભારી છે. આમ, ચલચિત્રોએ ઘણી હકારાત્મક સામાજિક અસરો સર્જી છે.
જોકે ચલચિત્રોની સમાજ પર કેટલીક માઠી અસર પડી છે. એનું કારણ ચલચિત્રમાં પ્રવેશેલું વ્યવસાયીકરણ છે. નદીઓનાં વરવાં અંગપ્રદર્શનનાં દશ્યોની લોકમાનસ પર વિકૃત અસરો પડે છે. એથી યુવાનોનું ચારિત્ર્ય શિથિલ થાય છે. વળી વરવાં પ્રણયદશ્યો, અશ્લીલ ગીતો, નૃત્યો અને દ્વિઅર્થી સંવાદોની પણ યુવાવર્ગ પર વિપરીત અસર પડે છે. જ્યારે મારામારી, બળાત્કાર અને ખૂનામરકી જેવાં હિંસક દશ્યો કુમળાં બાળકોનાં મન પર વિઘાતક અસર કરે છે. બાળકો સિનેસૃષ્ટિને વાસ્તવિક માની તેનું અનુકરણ કરવા પ્રેરાય છે. અસામાજિક તત્ત્વોને ચલચિત્રોમાંથી ગુનાખોરીની અવનવી તરકીબો અને પ્રેરણા મળે છે. ચલચિત્રોનું યોગ્ય સ્તર નહિ જળવાય તો તે સમસ્ત સમાજને અધઃપતનની ગર્તામાં ધકેલાતાં વાર નહિ લાગે.
ચલચિત્રો મનોરંજન માટેનું એક સસ્તુ, લોકપ્રિય અને પ્રભાવશાળી માધ્યમ છે. તેથી નિર્માતાઓને શિરે સમાજના ઘડતરની મોટી જવાબદારી રહેલી છે. નિર્માતાઓ હલકી કક્ષાનાં ચલચિત્રોનું નિર્માણ કરવાને બદલે સ્વચ્છ મનોરંજન આપી શકે એવાં ગુણવત્તાવાળાં ચિત્રોનું નિર્માણ કરે તે ખૂબ જરૂરી છે. આ બાબતમાં સરકારે પણ જરૂરી પગલાં ભરવાં જોઈએ.