ભૂકંપની સંહારલીલા અથવા ધરતીકંપ પર નિબંધ Earthquake Essay in Gujarati: કુદરતની લીલા અકળ છે. કુદરતનો કોપ આ દુનિયા પર અનેક રૂપે ઊતરી આવે છે. ક્યારેક અતિવૃષ્ટિરૂપે તો ક્યારેક અનાવૃષ્ટિરૂપે, ક્યારેક વાવાઝોડારૂપે તો ક્યારેક ભીષણ આગરૂપે, પરંતુ એ સર્વેમાં ભૂકંપથી તો કાળો કેર થઈ જાય છે. થોડી ક્ષણોમાં જ ગામનાં ગામ કાટમાળમાં ફેરવાઈ જાય છે, આથી જ કવિ કલાપીએ તેમના એક કાવ્યમાં લખ્યું છે :
“જે પોષતું તે મારતું, શું એ નથી કેમ કુદરતી?”
ભૂકંપની સંહારલીલા અથવા ધરતીકંપ પર નિબંધ Earthquake Essay in Gujarati
ભૂકંપ એ કુદરતનું અતિ વિકરાળ સ્વરૂપ છે. ભૂકંપ વિશે પુરાણો તેમજ લોકોમાં કેટલીક લોકમાન્યતાઓ પ્રચલિત છે : પૃથ્વી શેષનાગની ફણા પર ટેકવાઈને રહેલી છે. શેષનાગ પૃથ્વીને એક ફણા પરથી ઉઠાવીને બીજી ફણા પર મૂકે છે, ત્યારે ભૂકંપ થાય છે. કેટલાક લોકો ભૂકંપને આપણા પાપનું ફળ માને છે. આ માન્યતા પ્રમાણે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે ધરતીમાતાને ઘણું દુ:ખ થાય છે. તે માનવીની શાન ઠેકાણે લાવવા માટે કંપ દ્વારા વિનાશ વેરી માનવીને સજા કરે છે, પરંતુ આ બધી લોકમાન્યતાઓ છે, વિજ્ઞાન તેને સ્વીકારતું નથી.
હવે વિજ્ઞાનીઓએ ભૂકંપનાં કારણો શોધી કાઢ્યાં છે. પૃથ્વીના પોપડીઓની નીચે ધગધગતો ભૂરસ (મેગ્મા) રહેલો હોય છે. તેમાં ગરમી અને દબાણના ફેરફારોને કારણે પોપડાઓની સમતુલા ખોરવાય છે; પરિણામે પોપડા (પ્લેટો) એકમેક સાથે અથડાતાં ધરતીકંપ થાય છે. વળી, કેટલીક જગ્યાએ પોપડા ઉપરનું પાણી ધગધગતા ભૂરસ સુધી પહોંચતાં પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. આ વરાળ પાણી કરતાં સોળસો ગણી વધારે જગા રોકે છે, પરિણામે પોપડા પર ભારે દબાણ થતાં પોપડા પૂજી ઊઠે છે અને ભૂકંપ થાય છે. વૈજ્ઞાનિકોએ આટલો બધો અભ્યાસ કર્યો હોવા છતાં ભૂકંપની કોઈ આગાહી થઈ શકતી નથી.
ભૂકંપથી પારાવાર નુકસાન થાય છે. જોકે નુકસાનનું પ્રમાણ ભૂપની. અને સમય પર અવલંબે છે. ભૂકંપનો આંચકો પ્રચંડ હોય તો જાનમાલનું ભારે નુકસાન થાય છે. મકાનો ધરાશાયી થઈ જાય છે. રસ્તાઓ તૂટી જાય છે. મહાનગરો ખંડિયેરમાં ફેરવાઈ જાય છે. નદીઓના વહેણની દિશા સુદ્ધાં બદલાઈ જાય છે. ભૂકંપની તારાજીનાં દશ્યો ભલભલા પાષાણ હૃદયના માણસની આંખમાં પણ આંસુ લાવી દે એવાં હૃદયદ્રાવક હોય છે.
લાતુરમાં થયેલા ધરતીકંપે વેરેલી તારાજી ભૂલી શકાય તેમ નથી, ભાવનગરમાં અવારનવાર થતા ભૂકંપના આંચકાઓએ ત્યાંના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. 26 જાન્યુઆરી, 2001ની સવારે જ્યારે સૌ પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે 8-45 વાગ્યે ભૂકંપરૂપ કાળના પંજાની એક જ લપડાકે કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદને તારાજ કરી નાખ્યાં. 6.9 રિક્ટર સ્કેલના 80 સેકંડ ચાલેલા ભૂકંપના આંચકાએ અનેક બહુમાળી ઇમારતો અને નાનાંમોટાં, કાચાપાકાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા. હજારો ઘરો જમીનમાં ઊતરી ગયાં, હજારો કુટુંબો અને પશુઓ મૃત્યુ પામ્યાં. માલમિલકતને ભારે નુકસાન થયું. હજારો લોકો ઘવાયા અને અપંગ બન્યા. પ્રજાસત્તાકદિન ‘માતદિન’ બની ગયો. ઠેરઠેર કરુણ દશ્યો સર્જાયાં. ભૂકંપથી થયેલું આ નુકસાન કાચાં અને નબળાં બાંધકામોને કારણે થયું હોવાનું સાબિત થયું. ભૂકંપના આંચકા ખમી શકે એવાં જ બાંધકામો થાય તો નુકસાની ઘણા મોટા પ્રમાણમાં ઘટાડી શકાય. લોકોએ આ માટે જરૂરી કાળજી લેવી જ રહી.
21મી સદીના દુનિયાના આ અતિ ભયંકર ભૂકંપે માનવીને બતાવ્યું કે કુદરત આગળ તે કેટલો લાચાર છે ! ટીવીના કારણે ભૂકંપની સંહારલીલાનું વિનાશક રૂપ કેવળ ભારતની જ નહિ, સમસ્ત વિશ્વની પ્રજાએ જોયું. કાળજું કંપાવનારું દશ્ય જોઈ ચારે બાજુથી માનવતાનો સાદ ઊઠ્યો. દુનિયાના અનેક દેશો, સેવાભાવી સંસ્થાઓ, લશ્કરના જવાનો, સરકારી કર્મચારીઓ, બીજા અનેક લોકો ભૂકંપગ્રસ્ત લોકોની વહારે દોડી આવ્યા. દિવસ-રાત રાહતકાર્યો ચાલ્યાં. તંબુઓ, ધાબળા, ઘરવખરી, ખાદ્ય ચીજો, દવાઓ વગેરેની સહાય પહોંચાડવામાં આવી. અનેક દેશો ભૂકંપપીડિતોની સહાય કરવા દોડી આવ્યા.
ભૂકંપને લીધે જાનમાલનું ખૂબ જ નુકસાન તો થાય જ છે, પણ ક્યારેક ભૂકંપથી ફાયદો પણ થાય છે. તે ક્યારેક રણને રણદીપમાં ફેરવી કાઢે છે. જમીન ફળદ્રુપ બનાવે છે. પાણીનાં સ્તર ઊંચાં લાવે છે. વળી, તે વિજ્ઞાન માટે સંશોધનના નવા માર્ગો ખોલવા. પ્રેરે છે. ભૂકંપ જેવી કુદરતી આપત્તિ માનવીને વિશ્વબંધુત્વની ભાવનાના પાઠ શીખવે છે. વળી, તે આપણને કુદરતની તાકાત અને તેની સામે માનવ કેટલો લાચાર છે તે વાત પણ સમજાવે છે. એ સંદર્ભે કવિશ્રી મનસુખલાલ ઝવેરીની આ ઉક્તિ યથાર્થ લાગે છે :
“સંહારી જીર્ણતાને સરજન નવલાં કાજ માર્ગો ઉઘાડું;
પૃથ્વીનાં ફેફસાંમાં પ્રતિસમય રહું પૂરી હું પ્રાણાવાયુ.”