એક દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર નિબંધ Drought Essay in Gujarati: કુદરતની લીલા અકળ છે. ચોમાસામાં ક્યારેક માફકસરનો વરસાદ વરસે છે અને ખેતરોમાં મબલક પાક થાય છે. બધે આનંદઆનંદ છવાઈ જાય છે. પરંતુ ક્યારેક અનાવૃષ્ટિ થાય ત્યારે ઘણો ઓછો વરસાદ પડે છે તેથી અનાજ, ઘાસ અને પાણીની તીવ્ર અછત વરતાય છે અને દુષ્કાળ પડે છે.
એક દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર નિબંધ Drought Essay in Gujarati
અમારા વતનમાં ગયા ચોમાસામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો વરસાદ જરાય પડ્યો ન હતો. લોકો ચાતક નજરે આકાશ ભણી. મીટ માંડી બેસી રહ્યા પરંતુ મેઘરાજાએ મહેર કરી નહિ.
વર્ષાની મોસમ પૂરી થઈ ગઈ, પણ વાવણીલાયક વરસાદ પડ્યો નહિ, લોકો નિરાશ થઈ ગયા અને દુષ્કાળનો સામનો કેસ કરવો એ વિશે વિચારવા લાગ્યા. જળાશયોનાં પાણી દિવસે ને દિવસે ઊંડાં ને ઊંડાં જવા લાગ્યાં. વર્ષની શરૂઆતથી જ અનાજ અને ઘાસચારાની અછત વરતાવા લાગી. દુષ્કાળની સાચી પરિસ્થિતિ જાણવી હોય તો દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જવું પડે.
અમારાં કેટલાંક સગાંવહાલાં વતનમાં રહે છે. આથી મારા પિતાજી અને વતનની મુલાકાતે ગયા.
સવારે દસ વાગ્યે અમે અમારા ગામની સીમમાં આવી પહોંચ્યા. ચારે બાજુ જાણે વેરાન રણ પથરાઈ ગયું હોય એમ લાગતું હતું. લૂ વાઈ રહી હતી. ઝાડપાન સુકાઈ ગયાં હતાં. દૂર દૂર થોડાં ઢોર ચારાની શોધમાં આમતેમ રખડતાં હતાં. એ હાલતાં ચાલતાં હાડપિંજર જેવાં લાગતાં હતાં. લોકોને બેત્રણ ફ્લિોમીટર દૂર આવેલા એક કૂવામાંથી પીવા માટેનું પાણી લાવવું પડતું હતું.
દુષ્કાળને લીધે લોકોને પોતાનાં ઢોર રામભરોસે છુટ્ટાં મૂકી દેવાં પડયાં હતાં. બિચારો ઢોર ભૂખ્યા-તરસ્યાં રખડીરખડીને ઢળી પડતાં હતાં. એક ઢોરવાડામાં મને અસંખ્ય દુબળીપાતળી ગાયો જોવા મળી.
એક સ્થળે અમે પાણીનાં ખાલી વાસણોની સાથે ત્યાં ઊભેલી સ્ત્રીઓની મોટી હાર ઈ. એ સ્ત્રીઓ સરકાર તરફથી આવનારા પાણીના ટૅન્કરની કાગડોળે રાહ જોતી ઊભી હતી. મને થયું, ‘અરે ભગવાન ! તારી આ કેવી લીલા ! જે દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી તે દેશના લોકોને આજે પાણી માટે પણ વલખાં મારવાં પડે !’
એક સ્થળે રાહતકાર્ય ચાલી રહ્યું હતું. એક તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું હતું. સેંકડો મજૂરો અહીં કામ કરતાં હતાં. એટલામાં સેવાભાવી સંસ્થાની એક ટ્રક આવી. ટ્રકમાંના સ્વયંસેવકોએ મજૂરોને ખોબેખોબા ભરીને સુખડી, ચણા અને ગોળ વહેંચ્યાં. મજૂરો પોતપોતાનું કામ થંભાવીને આ પ્રસાદ ખાવા બેસી ગયા. આ જોઈ મને નીચેની કાવ્યપંક્તિઓ યાદ આવી :
“ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી,
એ ન કરી જાણે તેનું જીવન ધૂળધાણી.”
મારા પિતાજીએ ગામના ગરીબ લોકો અને ભૂખ્યાં ઢોરો માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ કર્યો.
દુષ્કાળનાં કરુણ દશ્યો જોઈ મને ખૂબ દુ:ખ થયું.