દહેજ એક સામાજિક દૂષણ પર નિબંધ Dowry a Social Evil Essay in Gujarati or Daheja Ek Samajik Dusan Gujarati Nibandh: દહેજપ્રથાના નામે આપણે એક ભયંકર સામાજિક દૂષણને પોષી રહ્યા છીએ, દહેજ પૈઠણ’ કે ‘વાંકડા’ જેવા શબ્દોથી પણ ઓળખાય છે. દહેજભૂખ્યાં લોકો દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસને કારણે રોજ અનેક નારીઓ હત્યા અથવા આત્મહત્યાનો શિકાર બને છે. આવા હૃદયદ્રાવક કિસ્સાઓ અવારનવાર બન્યા કરે છે.
દહેજ એક સામાજિક દૂષણ પર નિબંધ Dowry a Social Evil Essay in Gujarati
દહેજ એટલે લગ્નપ્રસંગે કન્યાપક્ષ તરફથી વરપક્ષને અપાતી ભેટસોગાદો. તેમાં રોકડ રકમ ઉપરાંત ફ્રીજ, ટીવી, વૉશિંગ મશીન, કબાટ, સ્કૂટર, સોનાચાંદીના દાગીના, વાસણો, ગાદલાં, પલંગ વગેરે જેવી અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. કન્યાનો પત્ની તરીકે સ્વીકાર કરીને જમાઈરાજ કન્યાનાં માબાપ પર જાણે બહુ મોટો ઉપકાર કરતાં હોય તેમ દીકરીનાં માબાપ પાસે કાયમ અવિચારી માગણીઓ કર્યા કરતાં હોય છે. કેટલાક જમાઈરાજો સસરા પાસે પરદેશ જવાના ખર્ચની તેમજ ગાડીની માગણી કરે છે. જેની સાથે જિંદગીભરનો સંબંધ બાંધ્યો છે, જેના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવાનું છે, તે પત્નીનાં માબાપ પાસેથી નફટ થઈને વિવિધ માગણીઓ કરે રાખવી એ નરી ક્રૂરતા જ છે. દહેજ માગવું કે લેવું એ મહાપાપ છે. દીકરીનાં માબાપે એક વાર દહેજ આપી દીધું હોય તેટલાથી વરની તથા વરપક્ષના લોકોની ભૂખ સંતોષાતી નથી. દીકરીનાં લગ્ન થઈ ગયા પછી પણ તેના સાસરિયાંઓ તરફથી અવારનવાર અનેક બહાનાં આગળ ધરીને સતત નાણાં અને ચીજવસ્તુઓની માગણીઓ થતી રહે છે. જો આ અઘટિત માગણીઓ સંતોષવામાં ન આવે તો દીકરીને સાસરિયાં દ્વારા અનેક પ્રકારનો માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. બાપની આબરૂ સાચવવા માટે દીકરી આવી યાતનાઓ સહન કરી લે છે અને એની સહનશક્તિની હદ આવી જાય ત્યારે તે આપઘાત કરી લે છે. દહેજપ્રથા એટલે વગર મહેનતે જાણે લીલાલહેર કરવાનો જમાઈરાજનો અધિકાર ! કન્યાનાં માબાપ કદાચ આપતાં થાકે પણ જમાઈરાજ લેતાં કદીય ના થાકે!
દહેજપ્રથા કન્યાનાં માબાપ માટે અનેક મુસીબતો સર્જે છે. કેટલાક સમાજોમાં કન્યાનાં માબાપની આર્થિક સ્થિતિ સારી ન હોય તો તેમણે દેવું કરીને પણ દીકરીનો કરિયાવર કરવો પડે છે. જે માબાપને બેત્રણ દીકરીઓ હોય, તેમને તો પોતાની વહાલસોયી દીકરીઓ આ દહેજપ્રથાને કારણે કેટલીક વાર બોજારૂપ લાગે છે. દહેજપ્રથાને કારણે જ જૂના જમાનામાં કદાચ દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ અમલમાં આવ્યો હશે ! આધુનિક સમયમાં ગર્ભપરીક્ષણની પદ્ધતિ વિકસી છે. એમાં જો ગર્ભમાં છોકરી છે, એવું નિદાન થાય તો ‘ગર્ભપાત’ કરાવી નાખવામાં આવે છે. આ પણ ‘દૂધપીતી’નું બીજું રૂપાળું નામ છે. એ અત્યંત દુ:ખદ બાબત છે. જોકે સરકારે હવે ગર્ભપરીક્ષણ પર કાયદાકીય પ્રતિબંધ મૂક્યો છે.
દહેજપ્રથાના આ ભયંકર દૂષણને દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, મહિલામંડળો, સમાજલ્યાણની સંસ્થાઓ અને સરકાર અનેક પ્રયત્નો કરે છે. રેડિયો અને ટીવી જેવાં પ્રસાર માધ્યમો નાટકો, ચલચિત્રો, પ્રવચનો વગેરે કાર્યક્રમોના પ્રસારણ દ્વારા દહેજ પ્રથા દૂર કરવાનો સંદેશ આપે છે. કેટલીક જ્ઞાતિઓનાં યુવકમંડળો પણ ‘સમૂહ લગ્નોત્સવ’નું આયોજન કરીને દહેજપ્રથાના દૂષણને દૂર કરવાનો સક્રિય પ્રયત્ન કરે છે. પરિણામે દહેજપ્રથાનું દૂષણ હવે થોડુંઘણું અંકુશમાં આવવા લાગ્યું છે.
દહેજપ્રથા નાબૂદ કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવાની જરૂર છે. યુવાન છોકરા- છોકરીઓએ એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે “અમે દહેજ લઈશું નહિ અને દહેજ આપીશું નહિ.’ આવું કરવાથી જ અનેક અબળાઓ દહેજના ખપ્પરમાં હોમાતી અટકશે અને તેમ માબાપને શાંતિ થશે.