પ્રારબ્ધ અને પુરુષાર્થ પર નિબંધ Destiny and Hard Work Essay in Gujarati: મનુષ્ય જીવન એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભળે તો મનુષ્ય સફળતાનાં અનેક શિખરો સર કરી શકે.
પ્રારબ્ધ અને પુરુષાર્થ પર નિબંધ Destiny and Hard Work Essay in Gujarati
જગતમાં બે પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે : પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યોને પુરુષાર્થમાં શ્રદ્ધા હોતી નથી. એમની માન્યતા એવી હોય છે કે ‘નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર.’ છતાં પ્રારબ્ધવાદી મનુષ્યો જરીકે પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ કરી શકતા નથી.
કેટલાક મનુષ્યો સતત પુરુષાર્થ કરે છે. છતાં ક્યારેક પ્રારબ્ધ એમને યારી આપતું નથી. ઘણી મહેનત કરવા છતાં એમને ધારી સફળતા મળતી નથી એટલે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ જ નથી એમ માનીને એ હતાશ થઈ જાય છે. કોઈક વાર આપણા આયોજનમાં ખામી રહી ગઈ હોય કે સંજોગો પ્રતિકૂળ હોય તો જેવી જોઈએ તેવી સફળતા ન પણ મળે. આપણો પુરુષાર્થ જ આપણા પ્રારબ્ધને જગાડે છે. વિદ્યાર્થીઓ તૈયારી જ ન કરે અને ફક્ત પ્રારબ્ધ પર ભરોસો રાખીને બેસી રહે તો તે નાપાસ થાય. કડિયા, સુથાર તેમજ અન્ય કારીગરો કામ ન કરે તો ભૂખે જ મરે. ખેડૂતો પ્રારબ્ધને ભરોસે બેસી રહે અને પોતાના ખેતરમાં પૂરતી મહેનત ન કરે, તો એમને સારો પાક ન મળે. પુરુષાર્થ કરવાથી જ નસીબ આડેનું પાંદડું ખસેડી શકાય છે. આપણા પ્રારબ્ધને પામવાનો પુરુષાર્થ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
ઉદ્યમી મનુષ્ય એકલા પ્રારબ્ધને ભરોસે બેસી રહેતો નથી. તે એવું માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. આથી ઉદ્યમી મનુષ્ય પ્રબળ પુરુષાર્થ કર્યા કરે છે. તેને નિષ્ફળતા મળે તોપણ તે હારી કે થાકી જતો નથી. તેના પુરુષાર્થમાં તેને પ્રારબ્દનો સાથ મળ્યા વિના રહેતો નથી. તે સિદ્ધિનાં શિખરો સર કરી શકે છે.
અવનવી વૈજ્ઞાનિક શોધો વિજ્ઞાનીઓના પુરુષાર્થનું જ પરિણામ છે. કેટલાક વિજ્ઞાનીઓ જિંદગીભર પુરુષાર્થ કરતા રહે છે. તેમ છતાં તેમને સફળતા મળતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગયા છે. તેમના પછી થનારા વિજ્ઞાનીઓએ તેમના પ્રયોગોને આધારે જ આગળ સંશોધન કરીને સફળતા મેળવી છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, “કરેલું કાર્ય કદી એળે જતું નથી.” પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, ઈસુ અને મહંમદ પયગંબર જેવા મહાપુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી હતી. તેના પરિણામે તેઓ સત્યની શોધ કરી જગતના લોકોને જીવનનો સાચો રાહ ચીંધી શક્યા છે. ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બર્નાર્ડ શો વગેરે યુગપુરુષોએ મેળવેલી સફળતાઓ તેમણે કરેલા પ્રબળ પુરુષાર્થને જ આભારી છે.
આપણો હંમેશાં શારીરિક અને માનસિક શ્રમ કરતાં રહેવું જોઈએ. આપણે આપણા ભરોસે જ જીવવાનું છે, જેને ખુદની ઉપર ભરોસો નથી તેને માટે ખુદાનો ભરોસો નકામો છે. આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. આપણને કોઈ ડુબાડી શકે નહિ કે કોઈ ઉગારી શકે નહિ. જીવનસાફલ્યનું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે. પુરુષાર્થ જ પ્રારબ્ધને જગાડે છે.
“પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે
ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જગાડે છે.”
કહેવત પણ છે કે, ‘આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ.’