પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Essay in Gujarati: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. મનુષ્ય અને તેની આસપાસનું સમગ્ર જગત પ્રકૃતિની દેન છે. માનવજીવન પણ મોટા ભાગે પ્રકૃતિ પર આધારિત છે અને પ્રકૃતિને આધીન પણ છે, તેથી મનુષ્ય અને પ્રકૃતિ એકબીજાથી અભિન્ન છે.
પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ પર નિબંધ Conservation of Nature Essay in Gujarati
આપણું જીવન આદિકાળથી પ્રકૃતિની સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હોવા છતાં આપણે તેની સંભાળ રાખતા નથી. આપણી બેદરકારીને લીધે હવા-પાણી અને અવાજનું પ્રદૂષણ વધી ગયું છે, તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે. આથી ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવપ્રદેશો પરનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે અને સમુદ્રની સપાટીમાં ભયજનક હદે વધારો થઈ રહ્યો છે. સમુદ્રકિનારા પર વસેલાં તમામ મોટાં નગરો એક દિવસ સમુદ્રમાં સમાઈ જશે એવો ભય ઊભો થયો છે.
વિકારાને નામે આપણે શહેરીકરણ અને ઔદ્યોગીકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. વાહનો, ઉદ્યોગો અને સુખ-સગવડનાં સાધનોને લીધે હવામાં ધુમાડો અને કાર્બનની માત્રા દિવસે-દિવસે વધતી જાય છે. ગૅસ, કોલસો, ખનીજ તેલ અને અન્ય ખનીજોના ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. ઉદ્યોગો અને શહેરોના વિકાસ માટે ખેતરો અને જંગલોનો બેફામ ભોગ લેવાઈ રહ્યો છે, એનાથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ ગયું છે. પ્રાકૃતિક અસંતુલનને કારણે ત્રાતુચક્ર પણ ખોરવાઈ ગયું છે, તેને લીધે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્મલન, હિમપ્રપાતો, સુનામી અને વિનાશક ચક્રવાતો જેવી કુદરતી આફતોનું પ્રમાણ અને તીવ્રતામાં પ્રચંડ વધારો થયો છે, તેથી ભારે પ્રમાણમાં જાન-માલની હાનિ થઈ રહી છે. કુદરતી આફતો જો આમને આમ ત્રાટકયા કરશે તો એક દિવસ આખી માનવજાતનો સંપૂર્ણ સફાયો થઈ જશે !
હજારો વર્ષોની જહેમત બાદ માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવસંસ્કૃતિનો વિકાસ થયો છે. તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. પ્રકૃતિનું રક્ષણ કરીશું તો જ આપણું રક્ષણ થશે. પ્રકૃતિનો વિનાશ એટલે સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ. ચાલો સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ અને કોઈ પણ ભોગે તેનું જતન કરીએ.