કમ્પ્યુટર વિશે પર નિબંધ Computer Essay in Gujarati OR Computer Vishe Guajrati Nibandh: વિજ્ઞાનની એક અદ્ભુત શોધ એટલે કમ્પ્યુટર, આજે તો કમ્પ્યુટર વગરના જીવનની કલ્પના જ થઈ શકતી નથી, હવે ડગલે ને પગલે કમ્પ્યુટર નો ઉપયોગ થવા લાગ્યો છે. આજનો યુગ કમ્પ્યુટર નો યુગ છે.
કમ્પ્યુટર વિશે પર નિબંધ Computer Essay in Gujarati
આજે વીજળીનાં બિલ, ટેલિફોનનાં બિલ, રેલવેની ટિકિટો, અગત્યના પત્રો વગેરે કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવે છે. આજે આપણા જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ડૉક્ટર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, દુકાનદારો વગેરે પણ પોતાના આગવાં કમ્પ્યુટર રાખતા થયા છે. શહેરોમાં ઠેરઠેર કમ્પ્યુટરના વર્ગો ધમધોકાર ચાલી રહ્યા છે.
ટેલિવિઝન, રેડિયો, વીડિયો કેસેટ રેકૉર્ડર અને ટેપરેકોર્ડરની જેમ કમ્પ્યુટર પણ એક ઇલેક્ટ્રોનિક સાધન છે. તેની મદદથી આપણે જટિલમાં જટિલ કામ પણ ઓછી મહેનતે અને અત્યંત ઝડપથી કરી શકીએ છીએ. કમ્પ્યુટર ઝડપથી લખી શકે છે, છાપી શકે છે તેમજ ગણતરી અને પૃથક્કરણ કરી શકે છે, કમ્પ્યુટર માહિતી સંગ્રહી રાખે છે અને જરૂર પડશે. તે ક્ષણે જ જરૂરી માહિતી પૂરી પાડે છે. તે આપેલી માહિતીના આધારે યોગ્ય નિર્ણય લે છે, કમ્પ્યુટર માણસની જેમ પરસ્પર સંદેશાઓની આપ-લે કરી શકે છે. ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થતી ઇ-મેઇલની તેમજ ફક્સની સેવા આને જ આભારી છે. વળી તે આપણી જેમ ‘ટીમવર્ક’ પણ કરી શકે છે. તે ‘ કમ્પ્યુટર નેટવર્ક’ કહેવાય છે.
કમ્પ્યુટરની કેટલીક આગવી લાક્ષણિકતાઓ છે. તે કોઈ પણ કામ ઝડપથી કરી શકે છે. તેને કદી થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી. તમે તેનો ‘પાવર’ ચાલુ રાખો અને તેને કામ આપતા રહો, તો તે કામ કર્યા જ કરે છે. કમ્પ્યુટર ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરે છે. તેને આપવામાં આવેલી સૂચનાઓ બરાબર હોય તો તે પોતાની કામગીરીમાં કદીય ભૂલ કરતું નથી. કમ્પ્યુટર તેને આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે વર્તે છે. કમ્પ્યુટર પર આપણે પત્ર ટાઇપ કરી શકીએ છીએ, આપણા વ્યવસાયનો હિસાબ રાખી શકીએ છીએ, ઘરનો નકશો દોરી શકીએ છીએ કે રમતો રમી શકીએ છીએ.
આજે વિવિધ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો પ્રચુર માત્રામાં ઉપયોગ થવા લાગ્યો છે. યુદ્ધ અને સંરક્ષણના તમામ વિભાગોમાં કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. અવકાશી સંશોધનના ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ થાય છે. આપણે જુદાજુદા ગ્રહો, તારાઓ વગેરેનાં રહસ્યો સમજવા માટે અવકાશમાં ઉપગ્રહો અને યાનો મોકલ્યાં છે. તેમાં કમ્પ્યુટરનું મોટું યોગદાન રહેલું છે. આધુનિક વેધશાળામાં ઉપગ્રહોની મદદથી લેવામાં આવેલી તસવીરોનું કમ્પ્યુટરની મદદ વડે વિશ્લેષણ કરવામાં આવે છે. તેના પરિણામે હવામાનની સચોટ આગાહીઓ કરી શકાય છે. વેપાર, ઉદ્યોગ, ફિલ્મ અને રમતગમતના ક્ષેત્રોમાં પણ કમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
કમ્પ્યુટરમાં કી-બોર્ડ, માઉસ, મૉનિટર, પ્રિન્ટર જેવા વિવિધ ભાગો હોય છે. કી-બોર્ડ ટાઇપરાઇટર જેવું હોય છે. માઉસ સ્ક્રીન પર કર્સર ખરોડવા તથા આકૃતિ દોરવા માટે ઉપયોગી થાય છે. મૉનિટર પર આદેશો, માહિતી કે આકૃતિ જોઈ શકાય છે. પ્રિન્ટરની મુદદથી પત્ર કે રિપૉર્ટ છાપી શકાય છે.
આમ, કમ્પ્યુટર આપણને ઘણું ઉપયોગી છે. પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તેની પાસે પોતાની બુદ્ધિ હોતી નથી, તે માત્ર આપેલા આદેશોનું જ વફાદારીપૂર્વક પાલન કરે છે. આપણે તેને સૂચનાઓ આપવામાં ભૂલ કરીએ તો કમ્પ્યુટર પણ ભૂલો કરે છે અથવા કામ આપતું બંધ પણ થઈ જાય છે. પરંતુ જો તેને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તો તે આપણને ઘણું ઉપયોગી બની રહે છે. કમ્પ્યુટર આપણા નિયંત્રણ હેઠળ રહેવું જોઈએ, આપણે કમ્પ્યુટર ના નિયંત્રણ હેઠળ ન રહેવું જોઈએ.