એક નદીની આત્મકથા પર નિબંધ Autobiography of a River Essay in Gujarati

એક નદીની આત્મકથા પર નિબંધ Autobiography of a River Essay in Gujarati OR Ek Nadi Ni Atmakatha Gujarati Nibandh: અરે ભાઈ ! મને જોઈને તમે ક્યા વિચારોમાં ખોવાઈ ગયા છો? આપણા દેશમાં નદીને ‘લોકમાતા’ની ઉપમા આપવામાં આવી છે. તેથી આટલા બધા લોકો મારી પૂજા કરે છે, મારા કાંઠે વસતા લોકોની હું ઉદારતાપૂર્વક સેવા કરું છું. મારી લાંબી યાત્રાની જેમ મારી, જીવનકથા પણ રસપ્રદ છે. તમને તે સાંભળવી જરૂર ગમશે.

મારો જન્મ પર્વતના એક ઊંચા શિખર પર થયો હતો. એ વખતે હું એક નાના ઝરણા સ્વરૂપે હતી. પર્વતની ગોદમાં નાચતી-કૂદતી હું નીચે છેક તળેટીમાં દોડી આવી અને પછી સપાટ મેદાનમાં ખળખળ કરતી વહેવા લાગી.

એક નદીની આત્મકથા પર નિબંધ Autobiography of a River Essay in Gujarati

એક નદીની આત્મકથા પર નિબંધ Autobiography of a River Essay in Gujarati

મેદાનમાં આવતાં મને અનેક બહેનો મળી. એ બધી મારામાં ભળતી ગઈ. આથી મારું સ્વરૂપ વિશાળ બનતું ગયું. મેદાનમાં મારો પટ પહોળો થયો. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. અહીં હું એક કોડભરી કન્યા સમી લાગતી હતી અને સાગરને મળવા અધીરી બની ગઈ હતી. ક્યારેક ધીમે તો ક્યારેક વેગપૂર્વક હું દોડવા લાગી. થોડી જ વારમાં વિરાટ સાગર મારી નજરે પડ્યો. હું ધસમસતી જઈને સાગરને મળી અને તેમાં ભળી ગઈ.

પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારે કાંઠેથી જ થયો હતો. પ્રાચીનકાળથી હું લોકકલ્યાણનાં અનેક કામો કરતી રહી છું. મારા બંને કાંઠે અસંખ્ય લોકો વસે છે. લોકો પીવા માટે, કપડાં અને વાસણ ધોવા માટે, ઢોરોને નવડાવવા માટે અને સિંચાઈ માટે મારા પાણીનો ઉપયોગ કરે છે. હું મારા પ્રવાહની સાથે કાંપ ઘસડી લાવીને તેને આજુબાજુનાં મેદાનોમાં પાથરું છું. આથી જમીનની ફળદ્રુપતા વધે છે અને તેમાં મબલક અનાજ ઉત્પન્ન થાય છે. આમ, હું લોકોને પાણી અને ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો આપું છું. વળી, મારા કાંઠે ઘણા લોકો સાંજે ફરવા આવે છે. તેઓ મારા સૌંદર્યનો ભરપૂર આનંદ માણે છે અને તાજગીનો અનુભવ કરે છે. હું મારા કિનારે વસેલા લોકોની માતાની જેમ માવજત કરું છું. તેથી જ લોકોએ મને ‘લોકમાતા’નું બિરુદ આપ્યું છે.

આજના સમયમાં મારા પ્રવાહની આડે બંધ બાંધવામાં આવ્યો છે. બંધને સ્થળે મારા જળને ધોધરૂપે પાડીને તેનાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ વીજળીથી ઘણાં ગામડાં અને શહેરોને પ્રકાશ મળે છે. બંધને લીધે એક મોટું સુંદર સરોવર બન્યું છે. તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડો વધી છે. આથી ખેડૂતો વર્ષમાં બે કે ત્રણ પાક લઈ શકે છે.

મારા કિનારે અનેક તીર્થસ્થાનો આવેલાં છે. લોકો મારા પાણીને પવિત્ર માનીને તેમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે. ધાર્મિક તહેવારોના દિવસે મારા કિનારે માનવમેદની જામે છે.

મારી આટલી બધી ઉપયોગિતા હોવા છતાં કેટલાક લોકોને મારી સેવાઓની જરાય કદર નથી. તેઓ મારા કિનારે ગંદકી કરે છે. કેટલાક લોકો મારા પાણીમાં કચરો ઠાલવે છે. અનેક લોકોએ મારા કાંઠે ઉદ્યોગધંધા શરૂ કર્યા છે. તેનું દૂષિત પાણી તેઓ મારામાં હાલવે છે. આથી મારા પાણીમાં રહેતા જીવોને નુકસાન પહોંચે છે. આથી હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. ક્યારેક રોષે ભરાઈને હું તેમને મારા રૌદ્ર સ્વરૂપનાં દર્શન પણ કરાવું છું. એ વખતે મારા ધસમસતા પ્રવાહ વડે હું મારા કિનારે વસેલાં ગામોને તારાજ કરી દઉં છું. મારા પૂરમાં ઢોરઢાંખરને તાણી જાઉં છું અને ખેતરોમાં નુકસાન પહોંચાડું છું. આવું કર્યા પછી મને ઘણું દુ:ખ થાય છે. છોરું-કછોરું થાય, પણ માવતરથી કમાવતર કેમ થવાય ? મને આવો વિચાર આવે ત્યારે હું તેમના ખેતરોમાં વધુ કાંપ ઠાલવું છું. તેથી તેમની જમીનની ફળદ્રુપતા વધે છે. એમાં મબલક અનાજ પાકે છે. આ રીતે તેમને થયેલા નુકસાનનું સાટું વાળી દઉં છું.

મને રહી રહીને એક જ વાત ખેંચ્યા કરે છે કે, લોકો નદીના પાણીને દૂષિત શા માટે કરે છે? લોકો મારા કિનારાને કાયમ સ્વચ્છ રાખે, મારું પાણી દૂષિત ન કરે અને મારા કિનારે રમણીય સ્થળો વિકસાવે તેવો મારો સંદેશો તમે લોકોને પહોંચાડજો.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.