એક કેદીની આત્મકથા પર નિબંધ Autobiography of a Prisoner Essay in Gujarati OR Ek Kedi Ni Atmakatha Gujarati Nibandh: કહેવાય છે કે હસતાંહસતાં કરેલાં કુકમ, ૨ડતાંરડતાં ભોગવવાનો વખત આવે છે. હું જન્મટીપની સજા પામેલો એક કેદી છું. મને મળવાનું કે મારી સાથે વાત કરવાનું પણ કોઈ પસંદ કરતું નથી, એ સંજોગોમાં હે બાળકો, આજે તમે જેલની મુલાકાતે આવ્યાં છો તો તમારી પાસે હૈયું ઠાલવવાનું મન થાય છે. મારી કહાણી સાંભળશોને ?
એક કેદીની આત્મકથા પર નિબંધ Autobiography of a Prisoner Essay in Gujarati
મારો જન્મ અમદાવાદ શહેરની એક ચાલીમાં થયો હતો. ત્યાંનું જીવન સખત હાડમારીઓથી ભરેલું હતું. અમે પરિવારનાં છ જણાં એક નાની ઓરડીમાં રહેતાં. ચાલીના બધા લોકોને પાણી ભરવા અને કપડાં ધોવા માટે ચાલીને નાકે એક જ નળ હતો. અમારી ચાલીના રહીશો વચ્ચે પાણીના પ્રશ્ન અવારનવાર ઝઘડા થતા. ચાલીમાં ગંદકીનો પાર ન હતો ! મુખ્ય ગટરો છાશવારે ઊભરાતી. અમારી ચાલી એટલે જાણે નર્કાગાર!
હું માંડ ચાર ચોપડી સુધી ભણી શક્યો હતો. પછી ખરાબ મિત્રોની સોબતમાં રખડતો થઈ ગયો. મારાં મા-બાપ આખો દિવસ સખત મજૂરી કરતાં ત્યારે અમારું માંડ ગુજરાન થતું. સમયના અભાવે તેઓ મારા પર ધ્યાન આપી શકતાં નહિ. એક દિવસ મેં એક મોકાની જગ્યા પચાવી પાડી અને ત્યાં પાનનો ગલ્લો શરૂ કરી દીધો. મને તેમાંથી સારી કમાણી થવા લાગી. પછી મેં મારી ચાલીમાં રહેતા લોકોને તેમજ બીજાઓને ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો શરૂ કર્યો. આ વ્યાજની આવક દિવસેદિવસે વધવા લાગી. તેમાંથી મેં એક ફ્લેટ ખરીદ્યો. પછી મેં લગ્ન ક્ય. મારો સામાજિક મોભો હવે વધી ગયો હતો. મારી લાયકાત વિના જ મને પૈસો અને પ્રતિષ્ઠા બંને સહેલાઈથી મળી ગયાં, તેથી હું અભિમાની થઈ ગયો હતો. વાતવાતમાં કોઈનું અપમાન કરી બેસતો. વ્યાજની રકમ મોડી ચૂકવનારને હું બરાબર ધમકાવી નાખતો. બિચારો દેણદાર મૂંગે મોઢે મારી તુમાખી સહન કરી લેતો. ધનના મદમાં મેં કેટકેટલાં લોકોનાં હૃદય દુભવ્યાં હશે તે યાદ કરું છું ત્યારે મને બહુ દુઃખ થાય છે. મને દારૂની ટેવ પડી ગઈ હતી. તેના નશામાં સાનભાન ભૂલીને ક્યારેક હું ન કરવાનું કામ પણ કરી બેસતો.
એક દિવસ મારાથી એક ભયંકર અપરાધ થઈ ગયો. મેં એક જુવાનિયાને દસ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. તે મને વ્યાજની રકમ ચૂકવી શકતો ન હતો. એક દિવસ તે મને મળવા આવ્યો. એ વખતે હું દારૂના નશામાં હતો. મારે તેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. મેં આવેશમાં આવી જઈને તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો. તેણે મને ગમે તેવા શબ્દો ન બોલવા કહ્યું. તેથી મારો ક્રોધ વધારે ભભૂકી ઊઠ્યો. મેં ભાન ભૂલીને ચાકુ વડે તેના પર હુમલો કર્યો અને તેના શરીર પર દસ-બાર ઘા ઝીંકી દીધા. કોલાહલ થતાં ત્યાં લોકો દોડી આવ્યા. પોલીસ પણ આવી પહોંચી અને મને પકડીને લઈ ગઈ. પેલા માણસનો ખેલ ખતમ થઈ ગયો હતો. મને જન્મટીપની સજા થઈ.
હું છેલ્લાં દસ વર્ષથી જન્મટીપની સજા ભોગવી રહ્યો છું. ક્ષણિક આવેશને કારણે આજે હું કારાગારમાં સબડી રહ્યો છું. અહીં મારે કાળી મજૂરી કરવી પડે છે. જેલના બંધિયાર અને હાડમારી ભરેલા જીવનથી હું કંટાળી ગયો છું. હું ક્યારેક તો પુષ્કળ રડી પણ લઉં છું.
મને મારો ખરડાયેલો ભૂતકાળ જંપવા દેતો નથી. મેં ભૂતકાળમાં કરેલાં પાપો ભૂતાવળની જેમ ઘણી વાર મને ઘેરી વળે છે. મને મળેલી સજાને લીધે મારી આંખો ખૂલી ગઈ છે. મેં હવે આદર્શ અને સાત્ત્વિક જીવન જીવવાનો પાકો નિર્ધાર કર્યો છે. જેલમાં મારું વર્તન ઘણું સારું રહ્યું હોવાથી મારી સજામાં ઘટાડો થશે એવી મને આશા છે. મારી આ આશા ફળે કે ન ફળે, ઈશ્વરને હું એક જ પ્રાર્થના કરું છું કે, “હે પ્રભુ, મને હવે આદર્શ જીવન જીવવા માટે શક્તિ આપજે.”