એક જીર્ણ વડલાની આત્મકથા પર નિબંધ Autobiography of an Old Man Essay in Gujarati

એક જીર્ણ વડલાની આત્મકથા પર નિબંધ Autobiography of an Old Man Essay in Gujarati OR Ek Jirna Vadalani Atmakatha Gujarati Nibandh: હે બાળકો, તમે મારી વડવાઈઓના હીંચકા બનાવીને ઝૂલો છો તેથી મને કેટલો બધો આનંદ થાય છે ! તમે મારા ભવ્ય ભૂતકાળની ગાથી સાંભળશો તો તમને આનંદ થશે અને મને મારી કથની તમને સંભળાવ્યાનો સંતોષ થશે.

એક જીર્ણ વડલાની આત્મકથા પર નિબંધ Autobiography of an Old Man Essay in Gujarati

એક જીર્ણ વડલાની આત્મકથા પર નિબંધ Autobiography of an Old Man Essay in Gujarati

મને મારો જન્મસમય તો બરોબર યાદ નથી, પરંતુ હું મોટો થયો ત્યારે મારી ફરતે સુંદર મજાનો ઓટલો ચણવામાં આવ્યો હતો. હા, એ મને બરોબર યાદ છે. મારી આસપાસ ઓટલો બની ગયા પછી હું સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો. ગામના ગોવાળિયાઓ મારી છાયામાં આરામ કરતા અને મને આશિષ દેતા. ગામનાં છોકરાં મારી શીતળ છાયામાં રમતાં અને મારી વડવાઈઓ પકડીને હીંચકા ખાતાં. ક્યારેક એ છોકરો ઝઘડતાં પણ ખરાં. મને આ બધું જોવાની ખૂબ મજા આવતી હતી. ઉનાળામાં મારી શીતળ છાયામાં ઠંડા પાણીની પરબ માંડવામાં આવતી. વટેમાર્ગુઓ બપોરે મારી છાયા તળે આરામ કરતા. ક્યારેક સાધુઓની જમાત આવી ચડતી અને મારી છાયા નીચે પડાવ નાખતી. રાત્રે તેમનાં ભજનોની રમઝટ જામતી. ગામના લોકો ભજન સાંભળવા એકઠા થતા. આવાં સુંદર ભજનો સાંભળીને હું ભાવવિભોર બની જતો.

હું પંખીઓનું વિરામસ્થાન હતો. તેઓ મારી ડાળીઓ પર માળા બનાવતાં અને મારા સરસ મજાના ટેટા ખાઈને પોતાનું પેટ ભરતાં. પંખીઓનો કલરવ મને ખૂબ ગમતો. ચરવા માટે નીકળેલાં ઢોર પણ બપોરના સમયે મારી શીતળ છાયામાં બેસીને મીઠી. નીંદર માણતાં.

ગામને પાદરે પાણી ભરવા જતી પનિહારીઓ પણ ઘડીક અહીં રોકાતી અને સંસારના સુખદુ:ખની વાતો કરતી. દરરોજ સાંજે ગામના વૃદ્ધજનો અહીં ડેરા જમાવતા, હોકો તાણતા અને વાતોના તડાકા મારતા. મને તેમની બડાશની વાતો સાંભળવામાં ઘણો રસ પડતો. કોઈક વાર રાતે ચોર મારી પાસે આવી ચડતા. હું એ લોકોની ખાનગી વાતો સાંભળી નવાઈ પામતો. આમ, ગામના તમામ સારામાઠા પ્રસંગોનો હું સાક્ષી છું.

ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે કાણે આવનાર લોકોને પણ હું આશ્રય આપતો. ગામમાં કોઈનાં લગ્ન હોય અને જાન વિદાય થવાની હોય ત્યારે તેને માટે પણ હું પોરો ખાવાનું સ્થાન બની રહેતો. ક્યારેક વિદાય થઈ રહેલી કન્યાનાં બોરબોર જેવડાં આંસુ અને તેનાં સગાંવહાલાંને થતી વેદના મને પણ સ્પર્શી જતાં, પિયરની વિદાય લેતી કન્યાનો વિલાપ સાંભળી ક્યારેક મારાં પાંદડાં પણ ફરકતાં અટકી જતાં.

ધીરેધીરે મારો દેહ વિશાળ થતો ગયો. મારામાંથી અનેક નવીનવી વડવાઈઓ ફૂટતી ગઈ. એ વડવાઈઓ પણ મોટી અને વિશાળ બની અને પછી જમીનમાં રોપાઈ ગઈ. પછી તો ગામલોકોએ ત્યાં પણ ઓટલા બનાવ્યા. આમ કર્યું થડ જૂનું છે અને કયું નવું તે કહેવું પણ મુશ્કેલ થઈ પડે.

આ ગામમાં થયેલા ફેરફારોનો હું સાક્ષી છું. કાચા, ધૂળિયા રસ્તાની જગ્યાએ હવે પાકા રસ્તા બની ગયા છે. ગાડાં, ઊંટલારીઓના બદલે હવે મોટરો, બસો, ખટારા, ટ્રેક્ટરો વગેરેની સતત આવનજાવન રહે છે. આ વાહનોના ધુમાડાથી મારાં પાન કાળાંમેંશ થઈ જાય છે પણ શું કરું ?

આ ગામની ચડતીપડતીનોય હું સાક્ષી રહ્યો છું. કાચાં ઘરોને બદલે આજે પાકાં ઘરો બંધાઈ ગયાં છે. ગામમાં બેચાર હાટડી હતી તેને ઠેકાણે આજે પંદરવીસ નાનીમોટી દુકાનો થઈ ગઈ છે. પહેલાં એક પ્રાથમિક શાળા જ હતી, પણ આજે નવી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. બાળકોને ભણવા જતાં જોઈ મને ખૂબ આનંદ થાય છે. ગામમાં વીજળી તથા ફોન પણ આવી ગયાં છે.

બાળકો, આમ કાળનું ચક્ર ચાલ્યા જ કરે છે. મને આજે લોકો ‘વડદાદા’ કહીને સંબોધે છે. મને મળતું આ માન કંઈ ઓછું છે? તમે મારી વાત ધ્યાનથી સાંભળી તેનો મને બહુ જ આનંદ અને સંતોષ છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.