એક ક્રિકેટરની આત્મકથા પર નિબંધ Autobiography of a Cricketer Essay in Gujarati

એક ક્રિકેટરની આત્મકથા પર નિબંધ Autobiography of a Cricketer Essay in Gujarati OR Ek Cricketer Ni Atmakatha Gujarati Nibandh: બાળ ક્રિકેટરો, તમે સૌ મહાન ક્રિકેટર થવાની મહત્ત્વાકાંક્ષા રાખો છો તે આનંદની વાત છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખરે પહોંચવું હોય તો દઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ કરવો જ પડે. તમે સૌ મારું જીવનવૃત્તાંત સાંભળવા ઉત્સુક છો એ જાણી મને ખૂબ આનંદ થાય છે. તો, સાંભળો:

એક ક્રિકેટરની આત્મકથા પર નિબંધ Autobiography of a Cricketer Essay in Gujarati

એક ક્રિકેટરની આત્મકથા પર નિબંધ Autobiography of a Cricketer Essay in Gujarati

મારો જન્મ એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મેં ગામમાં જ લીધું. ત્યાં માધ્યમિક શાળા ન હોવાથી મારા મામા મને શહેરમાં ભણવા લઈ આવ્યા. શહેરમાં પોળના મિત્રો સાથે હું ક્રિકેટ રમતો થયો. મારી બૉલિંગ અને બૅટિંગના બધા ખૂબ વખાણ કરતા. અમે દર રવિવારે બીજી પોળના મિત્રો સાથે ક્રિકેટ મૅચ ગોઠવતા. તેમાં મારો દેખાવ ખૂબ સારો રહેતો. આથી હું ઉત્તમ ક્રિકેટર થવાનાં સ્વપ્નાં જોવા લાગ્યો.

બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી મેં કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં કૉલેજની ક્રિકેટ ટીમમાં મારી પસંદગી થઈ, એક મૅચમાં મેં સદી ફટકારી અને ત્રણ વિકેટો ઝડપી. આથી અમારી કૉલેજના આચાર્યશ્રીએ મારું બહુમાન કર્યું. એટલું જ નહિ તેમને મારામાં ઉત્તમ ક્રિકેટરનાં લક્ષણો દેખાયાં. તેમણે મને ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી. મેં પણ હવે સારા ક્રિકેટર થવાનો દઢ સંકલ્પ કર્યો. દરરોજ સવારે હું વહેલો ઊઠતો, કસરત કરતો અને તાલીમ લેવા ક્રિકેટના મેદાન પર નિયમિત પહોંચી જતો. હું ક્રિકેટ અંગેનાં સામયિકો વાંચતો. ટેલિવિઝન પર પ્રસારણ થતી ક્રિકેટ મૅચ ધ્યાનથી જોતો. મારા મામા પણ મને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, પરિણામે એક જ વર્ષમાં ‘સ્ટાર ક્રિકેટર’ તરીકેની મારી છાપ ઊપસી આવી.

બીજે જ વરસે ‘રણજી ટ્રૉફી’ માટે મારી પસંદગી થઈ. ત્યારબાદ મને ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મળ્યું. મારા હરખનો પાર ન રહ્યો. ઑસ્ટ્રેલિયા સામેની મારી પહેલી જ વન ડે ક્રિકેટ મૅચ” હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. એ મૅચમાં મેં ચાર છગ્ગા અને દસ ચોગ્ગા ફટકારીને એકસો બે રન કરેલા અને ભારતને વિજય અપાવ્યો હતો. મને ‘મેન ઑફ ધ મૅચનું ઇનામ મળ્યું હતું. મારાં માતાપિતા અને મામા ખૂબ રાજીરાજી થઈ ગયા હતા.

ત્યારબાદ મને ભારતીય ક્રિકેટ ટીમમાં કાયમી સ્થાન મળી ગયું. અનેક યુવાનો અને બાળકો મારા હસ્તાક્ષર લેવા પડાપડી કરતા. મને મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, ભોપાલ, અમૃતસર વગેરે શહેરોમાં તેમજ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા ન્યૂ ઝીલેન્ડ, શ્રીલંકા વગેરે દેશોમાં ક્રિકેટ રમવાની તક મળી. મેં અનેક ઇનામો મેળવ્યાં, મને શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો અર્જુન ઍવોર્ડ પણ મળ્યો છે. 25 વર્ષની નાની વયમાં જ મને પૈસો અને પ્રતિષ્ઠા બંને મળ્યાં. મારી જીવનશૈલી બદલાઈ ગઈ. હું આલીશાન ફ્લેટ તથા મોટર વગેરેનો માલિક બન્યો. મારા માતાપિતાને મારી સાથે રહેવા બોલાવી લીધાં. મારાં લગ્ન એક ઉદ્યોગપતિની દીકરી સાથે ખૂબ ધામધૂમથી થયાં.

બાળમિત્રો, મને વૈભવ મળ્યો છતાં હું વિલાસી નથી બની ગયો. આજે પણ હું દરરોજ સવારે કસરત અને નેટ પ્રેક્ટિસ કરું છું. હું મારા આચાર્યશ્રી તથા મામાને ક્યારેય ભૂલી શકું તેમ નથી. હું મારા કુટુંબ, ગામ અને દેશના ઉત્કર્ષ માટે તન, મન અને ધનથી સેવા કરવા સદાય તત્પર છું. હું ભારતીય ક્રિકેટની વધુ ને વધુ સેવા કરવાનાં સ્વપ્નાં જોઉં છું.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, અમૂલ્ય વિચારો અને વાર્તાઓ વાંચવા મળશે. જો તમને પણ કોઇ માહિતી લખવી છે, તો તમે અમારો બ્લોગ પર લખી શકો છો.