એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati:
“ચલણની કોઈ પણ મુદ્રા હંમેશાં મૂલ્ય આપે છે,
ચલણમાં હો, ન હો, બંને દશામાં કામનો સિક્કો.”
– કુમારજૈમિનિ શાસ્ત્રી
એક રૂપિયાની આત્મકથા પર નિબંધ Autobiography of a Rupee Essay in Gujarati
મિત્રો ! ઘસારાને લીધે મારો ચહેરો ઓળખાય એવો નથી રહ્યો, પણ હું એક રૂપિયાનો સિક્કો છે. પાંચેક વર્ષ પહેલાં એક ખાણમાં ધાતુના રૂપમાં મારો જન્મ થયો હતો. બીજી ધાતુઓ અને અશુદ્ધિઓની સાથે હું દટાયેલો પડ્યો હતો. ત્યાંથી ખોદીને મને બહાર કાઢવામાં આવ્યો. પછી ટંકશાળમાં લઈ જઈ, ભત્રી પર પીગાળીને બીબામાં ઢાળવામાં આવ્યો. બીબામાં મને સરસ ઘાટ મળ્યો. મારી એક બાજુએ ત્રણ સિંહની આકૃતિવાળું રાષ્ટ્રીય ચિહ્ન હતું અને બીજી તરફ 1 રૂપિયો લખેલું હતું. મારી સાથે તૈયાર થયેલ સેંકડો રૂપિયા બૉક્સમાં પૅક કરવામાં આવ્યા. અહીંથી મારી રોમાંચક સફરની શરૂઆત થઈ.
એક દિવસ ટુકમાં લાદીને આ બૉક્સ બૅન્કમાં લઈ જવામાં આવ્યાં. બૅન્કના ભોંયરામાં થોડા દિવસો સુધી મારે પુરાઈ રહેવું પડ્યું. ત્યારે મને થતું કે અહીંથી જલ્દી છુટાય તો સારું. જે બૉક્સમાં હું પુરાયેલો હતો, તેને એક દિવસ ભોંયરામાંથી બહાર કાઢવામાં આવ્યું. બૅન્કના કૅશિયરે બૉક્સ ખોલી અમને બૅન્કના કાઉન્ટર પર ઠાલવ્યા. એક યુવાન આવીને કૅશિયરને સો રૂપિયા આપીને બદલામાં સો સિક્કા લઈ ગયો. એમાં હું પણ તેના હાથમાં પહોંચ્યો. તેની સાથે બાઇક પર લટકાવેલી થેલીમાં સવાર થઈ હું તેની દુકાને પહોંચ્યો. એણે બીજા સિક્કાઓની સાથે મને તેના કબાટમાં મૂકી દીધો. અહીં હું ફરીથી ગૂંગળાવા લાગ્યો. એક દિવસ એક છોકરી ચૉકલેટ ખરીદવા દુકાને આવી. યુવાને તેને છૂટા પૈસા આપ્યા. એમાં હું પણ એક હતો. એક નાના પાકીટમાં મૂકીને એ છોકરી મને જાણે સાવ ભૂલી જ ગઈ ! આ છોકરી દિવસમાં એક વાર પાકીટમાંથી મને બહાર કાઢી, આમતેમ ફેરવી જોતી અને ખુશ થતી. તેના આવા વર્તનથી મને નવાઈ લાગતી હતી. જોકે તે મારા પર વહાલ વરસાવતી તેથી હું ખરેખર ખૂબ ખુશ હતો.
આમ કરતાં કરતાં દિવાળીના દિવસો આવ્યા. ધનતેરસના દિવસે તેણે મને દૂધ, પાણી, મધ, અત્તર વગેરે દ્રવ્યોથી નવડાવ્યો. અબીલ ગુલાલ અને કંકુચોખા વડે મારી પૂજા કરી. મને એક સિંહાસનમાં સ્થાપી ગુલાલની પાંખડીઓનો શણગાર કર્યો. ધૂપદીપ પેટાવીને મધુર કંઠે તેણે આરતી કરી. મને એટલું બધું માનપાન મળ્યું કે હું ધન્યધન્ય થઈ ગયો.
હવે મને તેની ઘેલછાનું કારણ સમજાઈ ગયું. ભોળી અને નિર્દોષ એવી આ છોકરી મને તેના માટે શુભ માનતી હતી. તેથી મને કાયમ તેની પાસે જ રાખવા માગતી હતી. મારા પ્રત્યેનો તેનો પ્રેમ અને મીન એભુત હતાં પણ મારી સફર અહીં જ અટકી ગઈ. એ દિવસથી હું તેના નાના મંદિરમાં દેવીદેવતાઓની મૂર્તિઓ સાથે રહું છું. રોજ મારી પૂજાઅર્ચના થાય છે, મને ભોગ ધરાવવામાં આવે છે. મારે તો હઆનંદ જ આનંદ છે. જોકે હવે ઘસારા અને મેલને કારણે મારો ચહેરો ઓળખાય એવો નથી રહ્યો, તેનું દુ:ખ થાય છે.