ટેલિવિઝનના લાભાલાભ પર નિબંધ Advantages of Television Essay in Gujarati: વીસમી સદી અવનવી વૈજ્ઞાનિક શોધોની સદી બની રહી છે. આ સદીમાં થયેલી અનેક વૈજ્ઞાનિક શોધોને લીધે માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થયું છે. એને લીધે માનવીનું જીવન વધુ સગવડભર્યું અને આરામદાયક બન્યું છે. રોજિંદા જીવન સાથે વણાઈ ગયેલું ટેલિવિઝન એ વીસમી સદીની એક અદ્ભુત દેન છે.
ટેલિવિઝનના લાભાલાભ પર નિબંધ Advantages of Television Essay in Gujarati
ઈ. સ. 1926માં બી, બાયર્ડ ટેલિવિઝનની શોધ કરી હતી. શરૂઆતમાં બ્લેક ઍન્ડ વ્હાઇટ ટીવી શરૂ થયાં. પછી તેમાં અનેક પ્રકારના સુધારાવધારા થતાં આજે જાતજાતનાં નાનામોટાં રંગીન ટેલિવિઝન અસ્તિત્વમાં આવ્યાં છે. સેટેલાઇટના કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ શક્ય બન્યું છે. આપણા દેશમાં પણ ટેલિવિઝનના ઉત્પાદનમાં અનેકગણો વધારો થયો છે.
ટીવી મનોરંજનનું શ્રેષ્ઠ અને સસ્તું સાધન સાબિત થયું છે. આપણે દેશવિદેશના તાજા સમાચાર ટીવી પર જોઈ શકીએ છીએ. દેશવિદેશની ભૌગોલિક પરિસ્થિતિ જોઈને જાણી શકીએ છીએ. સંગીત, નાટક, નૃત્ય, કવિતા વગેરેનો આસ્વાદ માણી શકીએ છીએ. દુનિયામાં થતી અવનવી વૈજ્ઞાનિક શોધોથી માહિતગાર થઈ શકીએ છીએ.
ટીવી પર અનેક સામાજિક અને ધાર્મિક શ્રેણીઓ બતાવવામાં આવે છે. ‘મહાભારત’, ‘રામાયણ’, ‘સિંહાસન બત્રીસી’, ‘વિક્રમવેતાળ’, ‘શ્રીકૃષ્ણ’, ‘જય હનુમાન’, ‘ૐ નમઃ શિવાય’ જેવી અનેક શ્રેણીઓ સમાજઘડતરનું કામ પણ કરે છે. ટીવી પર બતાવવામાં આવતાં ચલચિત્રો આપણે ઘરમાં બેઠાં બેઠાં સહકુટુંબ જોઈએ છીએ તેથી સમય અને નાણાંનો બચાવ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ કે હોકી જેવી રમતો જોવા માટે હવે મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી. આપણે આ બધી રમતો ટીવી ઉપર જોઈ શકીએ છીએ, ટીવીમાંના યુવા પ્રતિભા શોધ કાર્યક્રમો દ્વારા યુવાનોને તેમનું વ્યક્તિત્વ ખીલવવાની તક મળે છે. ‘ડિસ્કવરી’ જેવી ચેનલથી આપણને દુનિયાભરની વિશિષ્ટ માહિતી મળી રહે છે. ‘ચિત્રહાર’ અને ‘ચિત્રમાલા’ જેવી શ્રેણીઓથી આપણને ફિલ્મી સંગીત માણવા મળે છે. ટીવી પર બાળકો માટેના પણ અનેક કાર્યક્રમો રજૂ થાય છે. તેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે છે. ટીવી પર ચૂંટણી વખતે જુદાજુદા રાજકીય પક્ષોના નેતાઓ પોતાના પક્ષની નીતિઓ અને કાર્યક્રમો રજૂ કરે છે. આથી જે-તે પક્ષની નીતિઓ જાણી શકાય છે.
ટીવી પર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવે છે. તેથી લોકો અગમચેતીના પગલાં લઈ શકે છે, ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ, યુદ્ધ, અકસ્માત વગેરેનાં અહેવાલ ટીવી પર રજૂ કરીને અસરગ્રસ્ત લોકો માટે સહાય મેળવી શકાય છે. આમ, ટીવી મનોરંજન સાથે માહિતી અને જ્ઞાન આપતું તેમજ સમાજસેવા કરતું એક ઉત્તમ દશ્યશ્રાવ્ય સાધન છે.
ટીવીના અનેક ફાયદા હોવા છતાં તેના કેટલાક ગેરલાભો પણ છે. ટીવીની સીધી અસર બાળકોના અભ્યાસ પર થાય છે. કેટલાંક બાળકો ટીવીના કાર્યક્રમો જોતાં જોતાં પોતાનું લેસન કરે છે કે ભોજન કરે છે. તેથી તેઓ અભ્યાસમાં એકાગ્ર થઈ શકતાં નથી. સતત ટીવી જોવાથી બાળકોની આંખો પણ નબળી થઈ જાય છે. રમતોના સીધા પ્રસારણ વખતે ઑફિસોમાં હાજરી ઓછી રહે છે, તેથી ઑફિસોના કામ પર અસર પડે છે. ટીવી પર આવતાં હિંસક દશ્યો, જાહેરાતો, અંગપ્રદર્શન કરતાં દશ્યો વગેરેની યુવા અને બાળમાનસ પર વિપરીત અસર થાય છે. આથી જ ટીવીને ‘idiot box’ (ઇડિયટ બૉક્સ) અને ‘time waster’ (ટાઇમ વેસ્ટર) પણ કહેવામાં આવે છે.
ટીવીના કેટલાક ગેરલાભો હોવા છતાં આજે ટીવી એક અનિવાર્ય સાધન બની ગયું છે. ટીવીનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ભૂષણ છે, પરંતુ તેનો વિવેક-સમજ વગરનો ઉપયોગ દૂષણ પણ પુરવાર થઈ શકે છે.