એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે પર નિબંધ A Visit to a Historical Place Essay in Gujarati: ભારતનો ઇતિહાસ ગૌરવવંતો છે. ભારતમાં પૃથ્વીનું સ્વર્ગ મનાતું પ્રાકૃતિક સૌંદર્યધામ કાશ્મીર આવેલું છે તો દુનિયાની અજાયબી ગણાતો આગ્રાનો તાજમહાલ પણ છે. ભારતમાં દેરઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને સદીઓથી ઊભેલાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. ફૂલોનાં સૌંદર્ય અને સુવાસ જેમ અનુભવથી પામી શકાય છે, તેમ ઐતિહાસિક સ્થળોની મહત્તા તેની મુલાકાતથી પમાય છે. દર વર્ષે આવી કોઈ ને કોઈ સ્થળે હું મારાં મમ્મીપપ્પા સાથે જાઉં છું.
એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે પર નિબંધ A Visit to a Historical Place Essay in Gujarati
આ વર્ષે દિવાળીની રજાઓમાં અમે આબુના પ્રવાસે ગયાં હતાં. આખું રાજસ્થાનમાં આવેલું હવાખાવાનું સ્થળ (Hill-station) છે. પહેલા દિવસે અમે ગૌમુખ, સનસેટ પૉઇન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. અને તેમનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. વિશ્વભરમાંથી આબુની મુલાકાતે આવતા પ્રવાસીઓ ખાસ તો વિશ્વવિખ્યાત દેલવાડાનાં દહેરાં જોવા માટે આવે છે.
બીજે દિવસે સવારે અમે ગુરુશિખર ગયાં. ગુરુશિખરની ઊંચાઈએથી ચારે બાજુનાં કુદરતી દશ્યો માણવાની ખૂબ મજા પડી. ત્યાંથી પરત આવ્યા બાદ અમે અધ્ધરદેવીના દર્શને ગયાં. બપોરે ભોજન કર્યા પછી અમે થોડો આરામ કર્યો. સાંજે ચાર વાગે અને માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાનાં દહેરાની મુલાકાતે ઊપડ્યો.
અમે દેલવાડાનાં દહેરાંની છેક નજીક પહોંચ્યાં ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહિ. બહારથી તો આ દહેરાંનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય નહોતો લાગ્યો. પરંતુ જેવાં અમે અંદર ગયાં, કે તરત જ અમે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક અઘરું પડે એટલાં સુંદર એ દહેરાં છે. તેનો ઇતિહાસ તો વળી એથીય વધુ આકર્ષક છે.
એક રાજાને બે મંત્રીઓ હતા : વસ્તુપાળ અને તેજપાળ. તેમની પાસે અઢળક ધન હતું. બંને ભાઈઓએ એ ધનને કોઈ સલામત સ્થળે દાટી દેવાનો નિર્ણય કર્યો. બંને ભાઈઓએ એમનું ધન દાટી દેવા માટે એક જગ્યાએ ખોદકામ કર્યું. ત્યારે તે સ્થળેથી એમને ધનના બીજા ચરુ મળી આવ્યા. બંને ભાઈઓ આશ્ચર્ય અને મૂંઝવણમાં મુકાઈ ગયા. હવે શું કરવું ? છેવટે નાના ભાઈ તેજપાળનાં સમજદાર પત્ની અનુપમાદેવીએ એમને સૂચવ્યું કે ધનનો એવી રીતે ઉપયોગ કરો કે લોકો તેને જોઈ શકે પણ કોઈ તેને લઈ જઈ શકે નહિ. આથી તેમણે આબુ પર્વત પર દહેરાં બનાવવાનો નિર્ણય કર્યો. વસ્તુપાળ અને તેજપાળ બંનેએ મળીને કરોડો રૂપિયાના ખર્ચે આ દહેરાં બંધાવ્યાં. એ સહુમાં વસ્તુપાળનું દેરાસર શિલ્પકળાની દષ્ટિએ અનુપમ છે. એના સહસદલકમળ આકારના ઘુમ્મટનો તો દુનિયાભરમાં જોટો મળવો મુશ્કેલ છે. દેરાણી-જેઠાણીના ગોખલાઓમાં શિલ્પીઓએ પોતાના પ્રાણ રેડી દીધા છે. શિલ્પીઓનાં ટાંકણાંની કરામત અમને મંત્રમુગ્ધ કરી દીધા. બંને ભાઈઓની પત્નીઓએ કારીગરોની વિશેષ કાળજી રાખી હતી અને તેમની કદર કરી હતી, તે યોગ્ય. જ લાગે છે. સાંજે દહેરાં બંધ કરવાનો વખત થયો ત્યાં સુધી અમે એમાં ફરીફરીને પ્રાચીન કલાકારીગરીને અહોભાવથી જોતાં રહ્યાં.
બીજા દિવસે અમે ભર્તુહરિની ગુફા અને કુંભારાણાના મહેલનાં ખંડિયેરો જેવાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. પરંતુ દેલવાડાનાં દહેરાંની કલાકારીગરી જોઈ લીધા
પછી અમને બીજાં સ્થળો હવે ફિક્કા લાગતાં હતાં. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘેર પાછાં ફર્યા.
પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલાં ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાવના, ધર્મભાવના અને બંધુત્વની ભાવનાને પોષે છે.